Only Gujarat

FEATURED National

આ છે ભારતના જેમ્સ બોન્ડ, પાકિસ્તાને એક નહીં અનેકવાર કર્યું છે ધૂળ ચાટતું, છાતી ગજગજ ફૂલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં શુક્રવારે, 15 મેના રોજ મ્યાનમારની સેનાએ પૂર્વોત્તરનાં 22 આતંકીઓને ભારતને સોંપી દીધા હતા. આમાં એનડીએફબી (એસ) ના સ્વયંભૂ ગૃહ સચિવ રાજેન દામરે પણ શામેલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પોતે આ ગુપ્ત કામગીરી પર નજર રાખી રહ્યા હતા, ડોભાલના નેતૃત્વ હેઠળ, તેને અભૂતપૂર્વ રાજદ્વારી સફળતા માનવામાં આવે છે જેમાં ભારતના પૂર્વોત્તરના પડોશી દેશોએ 22 આતંકવાદીઓને ભારતને સોંપ્યા હતા. આ દર્શાવે છે કે, બંને દેશો વચ્ચેના રાજદ્વારી અને સૈન્ય સંબંધો મજબૂત થઈ રહ્યા છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે ડોભાલે પોતાની કુશળતા અને ક્ષમતાથી દેશના દુશ્મનોને ઘૂંટણીયે લાવ્યા હોય. તેમના અભ્યાસથી લઈને 32 વર્ષ સુધીની ડિટેક્ટીવ કારકીર્દિ સુધી, તેમણે એક કરતા વધુ સિદ્ધિઓ મેળવી અને તેના આશ્ચર્યજનક પરાક્રમોથી તેઓ દેશના જેમ્સ બોન્ડ તરીકે જાણીતા થયા હતા.

ડોભાલની સિદ્ધિઓઃ અજિત ડોભાલ ભારતના એકમાત્ર અમલદાર છે, જેને કીર્તિ ચક્ર અને શાંતિકાળમાં મળતા ગેલેંટ્રી અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ડોભાલ ઘણા સુરક્ષા અભિયાનોનો એક ભાગ રહ્યા છે. આને કારણે તેમણે જાસૂસીની દુનિયામાં ઘણા રેકોર્ડ સ્થાપ્યા છે. અજિત ડોભાલનો જન્મ 1945માં પૌડી ગઢવાલમાં થયો હતો. તેમણે અજમેર મિલિટ્રી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. કેરળના 1968 બેચના IPS અધિકારી ડોભાલ તેમની નિમણૂંકના ચાર વર્ષ પછી 1972માં ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) માં જોડાયા હતા.

તેમણે જાસૂસી વિભાગમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કર્યો હતો. તેઓ 2005માં આઈબીના ડિરેક્ટર પદેથી નિવૃત્ત થયા. તેમણે પોતાની આખી કારકિર્દીમાં માત્ર સાત વર્ષ સુધી પોલીસ ગણવેશ પહેર્યો છે. તેઓ મલ્ટી એજન્સી સેન્ટર અને જોઇન્ટ ઇન્ટેલિજન્સ ટાસ્ક ફોર્સના ચીફ પણ રહી ચૂક્યા છે. ડોભાલ પાસે જાસૂસીનો લગભગ 37 વર્ષનો અનુભવ છે. 31 મે 2014ના રોજ તે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા હતા.

પાકિસ્તાન અને આતંકવાદીઓને દર વખતે આપી માતઃ જાણીને આશ્ચર્ય થશે કે ગુપ્તચર એજન્સી રૉના અન્ડર કવર એજન્ટ તરીકે ડોભાલ સાત વર્ષ સુધી પાકિસ્તાનના લાહોરમાં પાકિસ્તાની મુસ્લિમ બનીને રહ્યા હતા. જૂન 1984માં, તેઓ અમૃતસરના સુવર્ણ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કાઉન્ટર ઓપરેશન બ્લુ સ્ટારમાં જીતના હીરો બન્યા હતા. અજિત ડોભાલ રીક્ષાવાળા બનીને મંદિરની અંદર ગયા અને સેનાને આતંકવાદીઓ વિશે માહિતી આપી, જેના આધારે ભારતીય સેનાને ઓપરેશનમાં સફળતા મળી હતી.

1999માં, કંદહાર પ્લેન હાઇજેક દરમિયાન ઓપરેશન બ્લેક થંડરમાં અજીત ડોભાલ આતંકવાદીઓ સાથે નેગોસિએશન કરનારા મુખ્ય અધિકારી હતા. જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરો અને શાંતિને ટેકો આપનારા લોકો વચ્ચે કામ કરીને ઘણા આતંકવાદીઓને સરેન્ડર કરાવ્યું હતું. અજિત ડોભાલ 33 વર્ષ સુધી નોર્થ-ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ગુપ્તચર જાસૂસ પણ હતા. વર્ષ 2015માં મણિપુરમાં સૈન્યના કાફલા પર હુમલો થયા બાદ મ્યાનમારની સરહદ ઓળંગીને તે આતંકવાદીઓના ખાત્મા માટે સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશનના હેડ પ્લાનર હતા.

જેમ્સ બોન્ડની વાર્તાઓ પણ ફિક્કી લાગે છેઃ ડોભાલે આવા ઘણા ખતરનાક પરાક્રમોને અંજામ આપી ચૂક્યા છે, જેને સાંભળીને જેમ્સ બોન્ડના કિસ્સાઓ પણ ફીક્કા લાગે છે. અજિત ડોભાલથી મોટા મોટા મંત્રીઓ પણ ડરીને રહે છે. તેઓ જ્યાં પણ ગયા ત્યાં એમને જે જવાબદારી મળી તેમણે એ જવાબદારી બખૂબી નિભાવી છે.

ઓપરેશન બ્લુ સ્ટારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીઃ વર્ષ 1984માં 3 થી 6 જૂન સુધી ચાલેલાં ઓપરેશન બ્લુ સ્ટારને દેશ કેવી રીતે ભૂલી શકે છે. ત્યારે અમૃતસર સ્થિત હરિમંદિર સાહિબ પરિસર પર ખાલિસ્તાન સમર્થક જનરલ સિંહ ભિંડરાવાલે અને તેમના સમર્થકો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. તેને મુક્ત કરાવવા માટે એક અભિયાન શરૂ કરાયું હતું, જેનું નામ ઓપરેશન બ્લુ સ્ટાર હતુ. ભિંડરાવાલેને પાકિસ્તાનનો ટેકો મળી રહ્યો હતો. આ કામગીરીમાં અજિત ડોભાલે પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવી હતી અને દેશની સેના માટે ગુપ્તચર માહિતી એકત્રિત કરી હતી. આનાથી સૈન્યની કામગીરી સરળ થઈ ગઈ.

અજિત ડોભાલ ભારત વિરોધી કાશ્મીરી આતંકવાદી કુકા પારે ઉર્ફે મોહમ્મદ યુસુફ પારેને મુખ્ય ધારામાં લાવ્યા હતા. પાકિસ્તાન પ્રશિક્ષિત કૂકા પારે 250 આતંકવાદીઓને સાથે લઇને પાકિસ્તાનની વિરુદ્ધમાં થઈ ગયા હતા. તેમણે જમ્મુ-કાશ્મીર આવામી લીગ નામની પાર્ટીની રચના કરી. કુકા એક વખત ધારાસભ્ય પણ બન્યો હતો. 2003માં એક કાર્યક્રમથી પરત ફરતી વખતે આતંકવાદીઓ દ્વારા તે માર્યો ગયો હતો.

પીઓકેમાં ઓપરેશનની પાછળ મોટી ભૂમિકા, 1991માં રોમાનિયન રાજદ્વારીને બચાવ્યાઃ 1991માં ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટ દ્વારા અપહરણ કરાયેલા રોમાનિયન રાજદ્વારી લિવિઉ રાડૂને બચાવવાની સફળ યોજના બનાવનાર અજિત ડોભાલ જ હતા. ડોભાલે પાકિસ્તાન અને બ્રિટનમાં રાજદ્વારી જવાબદારીઓ નિભાવી હતી. એક દાયકા સુધી તેઓ ગુપ્તચર બ્યુરોના ઓપરેશન શાખાના વડા હતા.

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પ્રવેશ કરીને આતંકવાદી છાવણીઓ નાશ કરવાની કામગીરી પાછળ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો મોટો હાથ છે. પીઓકેમાં કરવામાં આવેલા સર્જિકલ ઓપરેશનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની મુખ્ય ભૂમિકા હતી. અજીત ડોભાલ ક્યારે કયા ઓપરેશનને અંજામ આપશે તેના વિશે ત્યારે જ ખબર પડે છે જ્યારે ઓપરેશન પૂર્ણ થઈ જાય છે. અમુક એવી જ ભૂમિકા તેમણે આર્ટિકલ 370ને હટાવવામાં પણ નિભાવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page