Only Gujarat

Business TOP STORIES

ફરી પડશે રિલાયન્સના ભાગલા, મુકેશ અંબાણીએ શરૂ કરી દીધી છે તૈયારી!

મુંબઈઃ અંબાણીએ કોરોના કાળ દરમિયાન પોતાના ટેક અને રિટેલ બિઝનેસ માટે 6.5 અબજ ડૉલરનું રોકાણ મેળવ્યું હતું. અંબાણી ક્રૂડ બિઝનેસ પર નિર્ભરતા ઘટાડવા માગીએ છીએ અને અન્ય ક્ષેત્રોમાં પોતાનું બિઝનેસ ફેલાવવા માગે છે. આ સાથે જ બાળકો આકાશ, ઈશા અને અનંત વચ્ચે બિઝનેસની વહેંચણી કરવા માગે છે. અંબાણીએ પોતાના ઉત્તરાધિકાર યોજના વિશે કોઈ જાહેરાત કરી નથી.

જોકે અમુક નિકટના લોકો અનુસાર, જે રીતે અંબાણીએ રીટેલ અને ડિજિટલમાં બિઝનેસ આગળ વધાર્યો છે, તે જોતા સ્પષ્ટ છે કે તેઓ બિઝનેસની કમાન ભાવિ પેઢીને સોંપવા માગે છે. રિલાયન્સ હજુ પણ ઘણા અંશે ક્રૂડ ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ પર નિર્ભર છે. પરંતુ રીટેલ કંપની રિલાયન્સ રીટેલ રેવેન્યૂના આધાર પર દેશની સૌથી મોટી કંપની છે. જો ફ્યૂચર ગ્રૂપ સાથેની ડીલ પૂર્ણ થાય તો રીટેલમાં રિલાયન્સનો દબદબો જળવાઈ રહેશે.

રિલાયન્સની ડિજિટલ કંપની જીયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક અને ગૂગલ જેવી દિગ્ગજ ટેક કંપનીઓએ રોકાણ કર્યું છે. અંબાણીના બાળકો પોતાની પસંદ અનુસાર રિલાયન્સના બિઝનેસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. અંબાણીના જોડિયા બાળકો ઈશા અને આકાશે કંપનીને ડિજિટલ માર્કેટમાં ઉતરવા માટે તૈયાર કરી હતી.

આ અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે, મુકેશ અંબાણી એક ‘ફેમિલી કાઉન્સિલ’ બનાવવા માગે છે જેથી વેપાર આગામી પેઢીને સરળતાથી સોંપી શકાય. આ ફેમિલી કાઉન્સિલમાં ત્રણેય બાળકો આકાશ, ઈશા અને અનંત સાથે જ પરિવારનો એક વરિષ્ઠ સભ્ય રહેશે. જોકે આ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામા આવ્યું નથી.

મુકેશ અંબાણી અને તેમના ભાઈ અનિલ અંબાણી વચ્ચે વારસા માટે ઘણી લાંબી લડાઈ અને વિવાદ જોવા મળી હતી. કદાચ આ કારણે જ મુકેશ અંબાણીએ આ કાઉન્સિલ બનાવવાનો નિર્ણય લીધો હશે. આવનારા સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કમાન મુકેશ અંબાણીના બાળકોના હાથમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, આટલા મોટા પ્રમાણમાં સંપત્તિ હોવાના કારણે ભાગલા મામલે વિવાદ થઈ શકે છે.

વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીના નિધન બાદ રિલાયન્સના વારસા અંગે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેનો વિવાદ ઘણા વર્ષ સુધી ચાલ્યો હતો. ઘણા વર્ષોની મહેનત બાદ માતા કોકિલાબેનની દખલગીરીને કારણે કંપનીઓના ભાગલા કરવામા આવ્યા. મુકેશ અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ મળ્યો. જ્યારે અનિલ અંબાણીના ભાગમાં કોમ્યુનિકેશન, પાવર, ફાઈનાન્સિયલ બિઝનેસ આવ્યો.

You cannot copy content of this page