Only Gujarat

Gujarat

વડોદરાનો રડાવી દેતો બનાવ, ડિલિવરી દરમિયાન માતા અને ફૂલ જેવા માસૂમ બાળકનું મોત

એક દુ:ખદ અને રડાવી દેતો બનાવ સામે આવ્યો છે. વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી જડિયા ઓર્થોપેડિક અને મેટરનિટી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન માતા અને નવજાત બાળકનું મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા નવજાત બાળકને માતાની બાજુમાં જ મૂકી ભારે હૈયે દફનવિધી કરવામાં આવી હતી. પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથી માતા અને નવજાત બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ મૂક્યો છે અને પોલીસ મથકમાં લેખિત અરજી આપી ન્યાય આપવા માંગણી કરી છે. પોલીસ તપાસમાં તબીબે પોતાના બચાવમાં જણાવ્યું છે કે, પરિવારે નોર્મલ ડિલિવરીની જીદ પકડી રાખતા માતા-બાળકનું મોત થયું છે.

દુઃખાવો ઉપડતા મહિલાને દાખલ કરાયા હતા
વડોદરાના વડસર ફાટક વિસ્તારમાં આવેલી ઈ-27, વ્રજભૂમિ સોસાયટીમાં યુવરાજ વાઘેલા રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્ની અનિતા બીજી વખત ગર્ભવતી બનતા એપ્રિલ-2022થી જડિયા મેટરનિટી હોસ્પિટલમાં કેસ કઢાવી રૂટિન ચેકઅપ કરાવતા હતા. 13 ડિસેમ્બરના રોજ તેઓને પેટમાં દુઃખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહિલાની ગર્ભાશયની કોથળી ફાટી ગઈ
જ્યાં અનીતાબહેનની નોર્મલ ડિલિવરી થઇ હતી. જે દરમિયાન બાળકનો શ્વાસ રૂંધાતા તબીબે તાત્કાલિક સિઝર કરવું પડશે તેમ જણાવીને પરિવાર પાસે સિઝર કરવાની પરવાનગી માંગી હતી. પરિવારે પરવાનગી આપતા જ ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગાયનેક તબીબ અને હાજર પીડિયાટ્રીશીયને બાળકને મૃત જાહેર કર્યો હતો અને માતાને ગર્ભાશયની કોથળી ફાટી ગઈ છે. જેની સારવાર ચાલુ હોવાનું જાણવી માતાની તબિયત સ્થિર હોવાની માહિતી પરિવારજનોને આપી હતી.

બાળક પછી માતાનું મોત થયું
દરમિયાન માતાની હાલત પણ નાજુક હોવાનું જણાવી અન્ય હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવાનું તબીબ દંપતીએ જણાવ્યું હતું. જે બાદ જડિયા હોસ્પિટલના તબીબોએ જ નજીકની ICU ફેસિલિટીવાળી હોસ્પિટલમાં માતાને શિફ્ટ કર્યાં હતા. જ્યાં તેઓની હાલત વધુ કફોડી થતાં અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવરાજ વાઘેલાના પત્ની અનીતાબહેનનું મોત નિપજ્યું હતું.

માંજલપુર પોલીસમાં અરજી
ગણતરીના કલાકોમાં જ માતા અને નવજાત બાળકનું મોત થતાં પરિવારજનોએ તબીબોની નિષ્કાળજીના કારણે માતા અને બાળકનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૂકી ભારે રોષ ઠાલવ્યો હતો. પત્ની અને બાળક ગુમાવનાર પતિ યોગરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, પત્નીની ડિલિવરી કરાવતી વખતે જન્મેલા બાળકના શરીર ઉપર બ્લેડના નિશાન જણાઇ આવ્યા હતા. અમારી હોસ્પિટલ સામે કોઈ વળતરની અપેક્ષા નથી. પરંતુ, મારી જેમ કોઇને પત્ની અને બાળક ખોવાનો વખત ન આવે તે માટે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થવી જોઇએ. અમે જડિયા હોસ્પિટલના તબીબોએ આપેલા ગોળગોળ જવાબોને કારણે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી છે.

તબીબ દંપતીની પૂછપરછ શરૂ કરી
માંજલપુર પોલીસ મથકના પી.આઇ. એચ.આઇ. ભાટીએ જણાવ્યું હતું કે, પત્ની અને બાળક ગુમાવનાર યોગરાજ વાઘેલાએ પોલીસ મથકમાં આપેલી અરજીના અનુસંધાનમાં જડીયા હોસ્પિટલના તબીબ દંપતીની પૂછપરછ કરી હતી. તબીબ દંપતીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પરિવારે મહિલાને અગાઉ ડિલિવરી દરમિયાન પણ તકલીફ થઇ હતી, તે વાત છૂપાવી હતી. આ વખતે પણ તેમને મહિલાની સીઝર દ્વારા ડિલિવરી કરવા માટે સલાહ આપી હતી. પરંતુ, પરિવારે નોર્મલ ડિલીવરીનો કરવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે, પરિવારે તબીબ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

પ્રયાસો કરાયા છે
આ બનાવ અંગે જડીયા હોસ્પિટલના તબીબ ડો. રોનક જડીયાએ જણાવ્યું હતું કે, દર્દીને સીઝર માટે પરિવારને વાત કરી હતી. પરંતુ, પરિવાર તૈયાર ન હતું. સમજાવ્યા બાદ પતિએ સીઝર કરવાની મંજૂર આપી હતી. ત્રણ ગાયનેકોલોજીસ્ટની ટીમ દ્વારા સીઝર કરવામાં આવ્યું હતું. કોથળી ફાટેલી હતી. બ્લિડીંગ થતું હતું. બી.પી. અને ડીઆઇસીના કારણે તકલિફ થઇ છે. મારા પરિવારના સભ્ય હોય અને જે તકેદારી રાખીએ છે. તેવી તકેદારી રાખવામાં આવી છે. અમારો પ્રયાસ માતા અને બાળકના બચાવ માટે તમામ લેવલ સુધીના પ્રયાસો કર્યા છે. છતાં આક્ષેપો થાય તે દુઃખદ બાબત છે.

આઇ.એમ.એ. તપાસ કરી
ઇન્ડીયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મિતેશ શાહે જણાવ્યું હતું કે, અમારી ટીમ ડો. જડીયાની હોસ્પિટલમાં ગયા હતા. સવારે જાણ થતાં હોસ્પિટલમાં ગયા હતા. ડોક્ટર જીવ બચાવવા માટે હોય છે. ડોક્ટર કોઇનો જીવ લેવા માટે નથી. અમે ફાઇલની તપાસ કરી છે. પરંતુ, તેમાં તબીબોની કોઇ નિષ્કાળજી જણાઇ આવી નથી. હોસ્પિટલના તબીબોની કોઇ નિષ્કાળજીથી માતા-બાળકનું મોત થયું નથી. ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. અમે આક્ષેપોને વખોડી નાંખીએ છે.

You cannot copy content of this page