Only Gujarat

Sports

અમદાવાદના જાણીતા બુટલેગરના પુત્રના લગ્નમાં પોલીસે જાનૈયા બની કર્યો ડાન્સ પછી…..

પ્રશાંત દયાળ, અમદાવાદ: પોલીસ અધિકારી તરીકે કયારે કાયદાનો અને કયારે હ્રદયની સુચનાનો અમલ કરવાનો તે કઠીણ કામ હોય છે. 2014માં આમદાવાદમાં આસીસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકાયેલા મનજીતા વણઝારા માટે આવું જ કંઈક મુશ્કેલ આવ્યુ હતું. અમદાવાદમાં એફ ડીવીઝનમાં મુકાયેલા એસીપી મનજીતા વણઝારા પાસે કેટલાંક સ્થાનિકો ફરિયાદ લઈ આવ્યા હતા. તેમની ફરિયાદ એ હતી કે, અસારવા વિસ્તારમાં અમદાવાદના જાણિતા બુટલેગર અને ગેમ્લર કિશોર લંગડાનું મોટુ જુગારધામ ચાલે છે જેની સામે બોલવાની સ્થાનિકો તો હિમંત પણ કરતા નથી પણ સ્થાનિક પોલીસ પણ કિશોર લંગડાના અડ્ડા તરફથી ફરકતી નથી.

મનજીતા વણઝારા હજી ફ્રેશ પોલીસ ઓફિસર હતા અને અમદાવાદની ક્રાઈમ હિસ્ટ્રીથી પણ અજાણ હતા પરંતુ તેમને એટલું તો સમજાઈ ગયું હતું કે કોઈ પણ ગુનેગાર પોલીસની મદદ વગર મોટો થતો નથી. મનજીતા વણઝારાએ કિશોર લંગડાને નાથવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેમણે આ મામલે સ્થાનિક પોલીસને કામ સોંપવાને બદલે પોતે જ રેડ કરવાનો નિર્ણય કર્યો હતો અને અસારવા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર તેઓ રેડ કરવા પહોંચ્યા ત્યારે કિશોર લંગડાનો વકિલ સરકારી કાગળ લઈ આવી પહોંચ્યો હતો. તેણે દલીલ કરતા કહ્યું કે, કિશોર પાસે ક્લબ ચલાવવાનું લાઈસન્સ છે તમે રેડ કરી શકો નહીં. કિશોરને ત્યાં નામી પોલીસ અધિકારીઓ પણ રેડ કરવા આવતાં ન્હોતા ત્યારે એક મહિલા પોલીસ અધિકારી જેમણે હજી પોલીસમાં પા પા પગલી માંડી હતી તેમણે કિશોરને ત્યાં રેડ કરવાની હિમંત કરી હતી.

કિશોર લંગડાના વકિલને સરકારી ભાષા સમજાવતા મનજીતા વણઝારાએ કહ્યું, કાયદાની આડમા અહીંયા જે ચાલી રહ્યું છે તેની મને ખબર છે મને મારૂ કામ કરવા દો નહીંતર તમે પણ આ કેસમાં આરોપી બનશો. કિશોર લંગડાને ત્યાં રેડ કરી 238 જુગારીઓને ઝડપી લીધા હતા. આટલા આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવા પોલીસવાન પણ નાની પડી રહી જેના કારણે ઓપન ટ્રકમાં આરોપી લઈ ગયા હતા. આમ એસીપી મનજીતા વણઝારા અને બુટલેગર કિશોર લંગડા વચ્ચે આ પહેલો ટકરાવવ હતો. કિશોર માની રહ્યો હતો કે નવો અધિકારી પહેલા આવું જ કરે પણ પછી બધું ગોઠવાઈ જતું હોય છે તેવું જ થશે પણ થયું નહીં. કિશોરનો પોલીસમાં દબદબો હોવા છતાં કિશોરના દારૂના અડ્ડાઓ ઉપર એક પછી એક રેડ થવા લાગી.

મનજીતા વણઝારાએ ચેતવણી આપી હતી કે હું જ્યાં સુધી આ વિસ્તારમાં છું તારો કોઈ બેનંબરનો ધંધો ચાલવા દઈશ નહીં. કાયદાની છટકબારી-પૈસા અને વગનો ઉપયોગ કરતો કિશોર હજી પોતાની તાકાત ઉપર મુસ્તાક હતો પરંતુ મનજીતાએ પણ તેને થકવી દેવાનું નક્કી કર્યુ હતું. કિશોરને ત્યાં દરેક વખતે ખુદ મનજીતા વણઝારા જ રેડ કરતા હતા અને તપાસ પણ પોતે જ કરતા હતા. ચાર વર્ષના ગાળામાં કિશોર સામે કુલ 17 ફરિયાદ નોંધાઈ ચુકી હતી. આમ કિશોર ચારે તરફથી ભીંસમાં આવી રહ્યો હતો. આ દરમિયાન કિશોરના દિકરાનું લગ્ન હતું બીજા દિવસના અખબારમાં સમાચાર હતાં કે, કિશોર લંગડાના દિકરામાં પોલીસ જાનૈયા બની નાચી હતી.

આ સમાચાર વાંચતા મનજીતા વણઝારાને આધાત લાગ્યો હતો. એક તરફ તેઓ કિશોરની તાકાત તોડી રહ્યા છે બીજી તરફ ખુદ પોલીસ તેના લગ્નમાં નાચી રહી છે. જોકે આ સમાચારની ખરાઈ કરવી જરૂરી હતી. મનજીતા વણઝારાએ ખાનગી રીતે લગ્નની સીડી મંગાવી આખી રાત જોઈ. તેમણે જાનમાં નાચી રહેલા લોકો પૈકી 22 પોલીસવાળાને ઓળખી કાઢ્યા. આ ઉપરાંત કિશોરની પત્ની અને પરિવારના સભ્યો લગ્નમાં હવામાં ગોળીબાર કરતા પણ જોવા મળ્યા હતા. મનજીતા વણઝારાએ આ મામલે ડીજીપી શીવાનંદ ઝાનું ધ્યાન દોર્યુ અને કિશોર, તેની પત્ની અને પરિવાર સામે આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી જ્યારે જાનમાં નાચવા ગયેલા 22 પોલીસવાળાને સસ્પેન્ડ કરી તેમની બદલી અમદાવાદ બહાર કરાવી દીધી હતી.

આમ એક પોલીસ અધિકારી કાયદોનો યોગ્ય ઉપર સતત કરતો રહેતો શુ થાય તેનું મનજીતા વણઝારાએ કિશોર લંગડાને ભાન કરાવી દીધુ હતું, આખરે કિશોરે પોતાનો બે નંબરના તમામ ધંધા બંધ કરવાનો નિર્ણય કરવો પડયો હતો, આમ મનજીતા વણઝારાને કિશોરના તમામ બેનંબરી ધંધા નેસ્તનાબુદ કરવામાં સફળતા મળી હતી, પણ 2017માં મનજીતા વણઝારાને મહેસાણા બદલી થતાં કિશોરના માણસોએ ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો આમ છતાં હવે મનજીતા વણઝારા અમદાવાદમાં નથી પણ કિશોર પોતાનો જુનો ધંધો શરૂ કરવાનું વિચારી શકતો નથી.

You cannot copy content of this page