નવી કાર લઈને માતાજીની પૂજા કરવા નીકળ્યા, મજબૂત ગણાતી કારના બે ટૂકડા થઈ ગયા

એક ખૂબ જ ભયંકર અકસ્માત થયો છે. ટક્કર એટલી ખતરનાક હતી કે નવી નક્કોર કારના બે ટૂકડા થઈ ગયા હતા. એટલું જ નહીં આ ભીષણ રોડ એક્સિડન્ટમાં ત્રણ લોકોના તો ઘટના સ્થળે જ ધ્રુજાવી દેતા મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર છે. મજબૂત ગણાતી ટાટા અલ્ટ્રોઝ કારના બે ટૂકડા થતા લોકો અકસ્માત કેટલો ગમખ્વાર હશે તેનો અંદાજો લગાવી રહ્યા છે.

આ ગમખ્વાર અકસ્માત મધ્ય પ્રદેશના અનૂપપુરમાં થયો હતો. રીવ-અમરકંટક રસ્તા પર ભીષણ રોડ એક્સિડન્ટ થયો હતો, જેમાં ત્રણ લોકોના કરુણ મોત થયા હતા અને બે ઘાયલ છે. ઈજાગ્રસ્તોનો સ્વાસ્થય કેન્દ્ર પુષ્પરાજગઢમાં એડમિટ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, અનૂપપુરના શ્રીવાસ્તવ પરિવારે નવી કાર ખરીદી હતી. તેઓ કારની પૂજા કરવા માટે અમરકંટકથી અનૂપપુર ગયા હતા. ગાડીની સ્પીડ વધારે હોવાથી રાજેન્દ્ર ગ્રામ પોલીસ સ્ટનના કરૌંદી ત્રણ રસ્તાની નજીક ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના બે ટૂકડા થઈ ગયા હતા.

કારમાં સુબોધ શ્રીવાસ્તવ, વર્ષા શ્રીવાસ્તવ તથા મનુ સિંહનું ઘટનાસ્થળ પર મોત થયું હતું.

દિવ્યાંશ શ્રીવાસ્તવ તથા સૌરભ શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ત્રણેય શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારી નરેન્દ્ર પાલ સિંહે કહ્યું હતું કે અકસ્માત સવારે 9 વાગે થયો હતો.