ત્રણ વર્ષ પહેલાં મંત્રીની દીકરીના થયા લગ્ન, પતિએ એવો ત્રાસ આપ્યો કે વ્હાલું કર્યું મોત

ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં પીડબ્લ્યુ ડી વિભાગના રાજ્યમંત્રી સુરેશ ધાકડની દીકરીના મોતના કેસમાં તેમના જમાઇની ધરપકડ કરાઇ છે. મંત્રી સુરેશ ધાકડની દીકરી જ્યોતિનું સાસરીમાં શંકાસ્પદ હાલતમાં પાંચ મહિના પહેલા મૃત્યુ થયું હતું. પાંચ મહિના બાદ તેમના પતિની ધરપકડ કરાઇ છે. ધાકડ મધ્યપ્રદેશના પહોરીના ધારાસભ્ય હતા. . તેમણે જ્યોતિરાદિત્યના સમર્થનમાં કોગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દીધું હતું. તેમની દીકરી જ્યોતિ રાજસ્થાનના બારાં જિલ્લાના કેલવાડા ગામે સાસરે હતી.

આ કેસમાં કેલવાડા પોલીસે આરોપી જમાઇ ડોક્ટર ડો.જયસિંહ મહેતાની ધરપકડ કરી છે. આરોપી જયસિંહ મહેતાને કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ જેલ મોકલી દેવાયો છે. 19 માર્ચે સુરેશ ધાકડની પુત્રી જ્યોતિનું સાસરીમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. જ્યોતિના ભાઇએ આ મામલે 20 માર્ચે ફરિયાદ કરી હતી, જેમાં સાસરીમાં ત્રાસની ફરિયાદ કરવામાં આવી છે. જ્યોતિના પતિ વિરૂદ્ધ દહેજની માંગણી અને હત્યાનો કેસ નોંઘાયો છે.

ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યુંઃ જ્યોતિના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલા કેલવાડાના બાંસખેડા ગામમાં રહેતા ડોક્ટર જયસિંહ મહેતા સાથે થયા હતા. તેમને આ લગ્નથી 2 વર્ષની એક દીકરી પણ છે. જ્યોતિએ 19 માર્ચે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે આ ઘટના ઘટી ત્યારે સુરેશ ધાકડ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે બળવાખોર ધારાસભ્યો સાથે બેંગલુરૂમાં હતા.