Only Gujarat

National

મોબાઈલમાં પહેલાંથી ચાઈનિઝ એપ છે તેનું શું થશે? કામ કરશે કે બંધ થશે? જાણો બધું

નવી દિલ્હી: મોદી સરકારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્ર સરકારે લોકપ્રિય એપ ટિકટોક સહિત 59 ચાઈનિઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ટિકટોક ઉપરાંત યુસી બ્રાઉઝર, વીચેટ, કેમ સ્કેનર, ક્લબ ફેક્ટરી વગેરે 59 એપ પર બેન મૂક્યો છે. સરકારના આદેશ બાદ સોશ્યલ મીડિયામાં લોકો અનેક સવાલો પૂછી રહ્યા છે. આ તમામ પ્રશ્નો અંગે વિસ્તારથી વાત કરીશું.

ચીનની એપ ફોનમાં કામ કરતી બંધ થઈ જશે?
હાલ તો આ ચાઈનિઝ એપ ફોનમાં કામ કરતી બંધ થશે નહીં. એપ બેન અને એપ બ્લોક બંને વસ્તુ અલગ છે. આ પહેલાં પણ ચાઈનિઝ એપ ભારતમાં બેન થઈ ચૂકી છે.

હજી પ્લેસ્ટોરમાં આ એપ્સ કેમ દેખાય છે?
આ સમાચાર લખાય છે ત્યાં સુધી એન્ડ્રોઈડના ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પર બધી 59 એપ્સ લાઈવ છે. એટલે કે હજી કોઈ પણ યુઝર્સ આ એપ ડાઉનલોડ કરી શકે છે. જેમના મોબાઈલમાં આ એપ છે એ પણ કામ પણ કરી રહી છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ કંપનીઓ થોડો સમય લે છે. ત્યાર આ એપને પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકારની સૂચના બાદ થોડા સમયમાં કંપનીઓ આ એપને હટાવી દેશે.

જેમના મોબાઈલમાં પહેલાંથી આ એપ છે, તેઓ આ એપનો યુઝ કરી શકશે?
ભારતમાં પહેલાં પણ કેટલિક ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં ટિકટોક પણ સામેલ હતી. એ વખતે બેન પછી આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. એટલે કે નવા યુઝર્સ તેને ઈન્સ્ટોલ કરી શકતા નહોતા. જો આ વખતે પણ ગયા વખતની જેમ જ સરકારે બેન મૂક્યો હશે તો મોબાઈલમાં એપ કામ કરશે. કોન્ટેન્ટ પણ અપલોડ કરી શકશો, પણ નવા યુઝર એપને ડાઉનલોડ કરી શકશે નહીં.

જો પૂરી રીતે બેન હશે તો મોબાઈલમાં એપ યુઝ કરી શકો
જો સરકાર ઈચ્છે તો તમામ 59 એપ્સને પૂરી રીતે બ્લોક કરી શકે છે. એના માટે સરકાર આઈપી એડ્રેસનો સાહરો લઈ શકે છે. એવું કરવાથી યુઝર ભારતમાં આ એપ્સનો યુઝ કરી શકશે નહીં.

પ્રતિબંધિત એપનો યુઝ કરવાથી જેલ થશે?
અમુક નિષ્ણાતો એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે સરકારે સુરક્ષાના કારણોસર આ બધી 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલા માટે પ્રતિબંધ છતાં આ એપનો યુઝ કરવામાં આવશે તો આઈટી એક્ટ અંતર્ગત સજા થઈ શકે છે. જોકે સજા અંગેના અહેવાલની હજી ક્યાંય પુષ્ટિ થઈ નથી.

You cannot copy content of this page