Only Gujarat

Gujarat

એક નાનો સિક્કો 22 કરોડ રૂપિયા ખેંચી લાવશે, લક્ષ્મી માતાનો ફોટો મૂકયો અને…

વલસાડ : કચ્છ જિલ્લાના માધાપરનો એક ઠગ જૂના રાજા છાપ રૂપિયા પર વિધિ કરી અને કરોડો રૂપિયાના વરસાદ કરાવવાની લાલચ આપી હતી ત્યાર બાદ વલસાડ જિલ્લાના કપરાડાના આદિવાસી વિસ્તારમાં લોકોને ઠગવા જતો હતો તે દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. જૂના રાજા છાપ રૂપિયાના સિક્કા પર વિધિ કરવાનું બહાનું બતાવી અને લોકોને ધતુરાનું પાણી પીવડાવીને રૂપિયા લઈ બેભાન કરી ફરાર થાય તે પહેલાં લોકોએ દબોચી લીધો હતો. ત્યાર બાદ લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો પછી થાંભલે બાંધીને લોકોએ તેને વિધિના પાઠ ભણાવી પોલીસને સોંપી દીધો હતો.


પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા વારોલી તલાટ ગામમાં રહેતા મયુરભાઈ ભુસારા નામનો વ્યક્તિને સેલવાસમાં રહેતાં દીપેશ નામના વ્યક્તિએ પોતે રાજા છાપ રૂપિયા પર મેલી વિદ્યા કરીને લાખો રૂપિયાનો વરસાદ કરાવી આપતાં એક તાંત્રિકને ઓળખતો હોવાનું જણાવ્યું હતું.


આ જૂના રાજા છાપ સિક્કા પર વિધિ કરીને પૈસાનો વરસાદ કરી આપતો તાંત્રિક વલસાડ જિલ્લાના ડુંગરીમાં રહેતા જયેશભાઈ નામના વ્યક્તિના ઘરે આવ્યો હતો અને જો આ વિધિ કરાવીને રૂપિયાનો વરસાદ કરાવવો હોય તો ડુંગરી આવવા માટે જણાવ્યું હતું.


જેને કારણે કપરાડાના વારોલી તલાટ ગામના મયુર ભુસારા લાલચમાં આવી ગયા હતા અને તેના એક અન્ય મિત્રને સાથે લઈ વલસાડના ડુંગરીમાં જયેશભાઈ નામના વ્યક્તિના ઘરે ગયો હતો જ્યાં જયેશભાઈ નામના વ્યક્તિને આ ભરતબાપુ નામના ઠગ ભગતનો પરિચય યુવકો સાથે કરાવ્યો હતો. તે સમયે ઠગ તાંત્રિક ભરતબાપુએ આ યુવકોને જૂનો રાજા છાપ રૂપિયાનો સિક્કો બતાવી આ સિક્કા પર વિધિ કરીને રૂપિયા 22 કરોડ ખેંચી લાવશે તેવી લાલચ આપી હતી અને આ વિધિ કરવા તેમના ઘરે જવું પડશે તેવું જણાવતાં તે તેના ઘરે લાવ્યો હતો.


રમેશ અને મયુર પાસેથી અંદાજે 17 હજાર રૂપિયા એડવાન્સમાં લીધા હતા. જોકે ત્યારબાદ વિધિનો સામાન લેવા ઠગ ભગત તાંત્રિક યુવકોને કાર ભાડે કરાવી અને મહારાષ્ટ્રના ગોદાવરી ઘાટ પર ગયો હતો. ત્યાંથી વિધિનો સામાન લાવીને ઘરે આવ્યા બાદ મોડીરાતે જુના રાજા છાપ રૂપિયાના સિક્કા પર વિધિ કરીને રૂપિયાનો વરસાદ કરાવવાના બહાને વિધિ શરૂ કરી હતી.


વિધિમાં ભગતે ચોખાનું કુંડાળું કરી અને વચ્ચે લક્ષ્મી માતાનો ફોટો મૂક્યો હતો ત્યાર બાદ તંત્ર-મંત્રના જાપ કર્યાં હતા. જોકે વિધિ દરમિયાન ઠગ ભગતે હાજર લોકોને પ્રસાદના નામે પ્રવાહી પીણું પીવડાવ્યુ હતું. પ્રસાદના નામે ધતુરાનું પાણી પીવડાવ્યું હતું. જેથી એ પાણી પીધા બાદ હાજર લોકો અર્ધ બેભાન થઈ ગયા હતા અને મોકાનો લાભ લઈને આ તાંત્રિક ભરત બાપુ વિધિમાં મૂકેલા રૂપિયા લઇને ફરાર થવાની ફિરાકમાં હતો. એ વખતે જ ઘરમાં માજી અને અન્ય પ્રત્યક્ષદર્શી યુવક હોશમાં આવતાં સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો અને આ ભરત બાપુને ઘરમાં બંધ કરી દીધો હતો.


જૂના રાજા છાપ રૂપિયાના સિક્કા પર વિધિ કરાવી અને રૂપિયા 22 કરોડનો વરસાદ કરાવવાના બહાને લોકોને ઠગીને ફરાર થવા જઇ રહેલા તાંત્રિકને ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ ઘરના આંગણામાં જ થાંભલા સાથે દોરીથી બાંધીને લોકોએ તેને બરોબરના પાઠ ભણાવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેને કારણે કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાંત્રિકનો કબજો મેળવી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ તાંત્રિક મૂળ કચ્છના માધાપરનો ભરત કરશન પટેલ હોવાનું બહાર આવ્યું છે. પોતાને ભરત બાપૂ તરીકે ઓળખ આપીને આવી રીતે જૂના રાજા છાપ સિક્કા ઉપર મેલી વિદ્યા કરીને પૈસાનો વરસાદ કરાવી આપતો હોવાની વિદ્યા જાણતો હોવાનું બહાનુ બતાવી મોટી મોટી વાતો કરીને લલચાવતો હતો અને વિધિના નામે પૈસા પડાવીને ફરાર થઈ જતો હતો.


જોકે કચ્છના માધાપરથી છેક વલસાડના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઈને ઠગવા આવેલ તાંત્રિક ભરત બાપુ પૈસા પડાવીને ફરાર થાય તે પહેલાં લોકોના હાથે ઝડપાઇ જતાં લોકોએ તેને બરોબરનો પાઠ ભણાવ્યો હતો અને થાંભલા સાથે બાંધીને માર મારીને પોલીસના હવાલે કર્યો હતો.

You cannot copy content of this page