Only Gujarat

Gujarat

ઉપલેટાથી આવેલો એક યુવાન કેવી રીતે બની ગયો સફળ બિઝનેસમેન?

અમદાવાદ: મન મક્કમ રાખીને કામ કરો તો તમને સફળતા જરૂર મળે છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે ‘ઈસ્કોન ગાંઠિયા’ના માલિક મનદીપ પટેલ. ઉપલેટાથી કંઈક જ લીધા વગર અમદાવાદ આવેલા મનદીપ પટેલ આજે ‘ઈસ્કોન ગાંઠિયા’ની 11 દુકાનો અને એક ફુડ મોલના માલિક છે. ખાસ ભણેલા નહીં મનદીપ પટલને શરૂઆતમાં અમદાવાદમાં ત્રણ-ત્રણ જગ્યાએ લારીઓ બદલતી પડી હતી. દિવસના 22-22 કલાક કામ કરતાં અને લારી પર જ સુઈ જતાં. તમામ મુશ્કેલીઓનો તેમણે મક્કમતાથી સામનો કર્યો અને આજે તેઓ એક સફળ બિઝનેસમેન બની ગયા છે. તેમણે વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર શરૂ કરેલા ઈસ્કોન ફૂડ મોલમાં 17થી નાની ઉંમરની છોકરીઓની કાઠિયાવાડી થાળીના પૈસા લેવામાં આવતા નથી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘ચાય પે ચર્ચા’ અભિયાન અહીં જ શરૂ કર્યું હતું.

23 વર્ષ ઉંમરે ઉપલેટાથી અમદાવા આવ્યા
પોતાની વાત કરતાં મનદીપ પટેલ જણાવે છે કે હું 2008માં ઉપલેટાથી અમદાવાદ આવ્યો હતો. મારી ઉંમર ત્યારે 23 વર્ષની હતી. ઉપલેટામાં કોઈ ખાસ ધંધા નહોતા. એટલ મને એવો વિચાર આવ્યો કે કોઈક મોટા સિટીમાં જઈને ગાંઠિયાનું ચાલું કરવું. પહેલાં ગાંઠિયા બનાવતો શીખ્યો. પછી અમદાવાદ, વડોદાર, સુરત, રાજકોટ વગેરે શહેર જોયા અને એમાં મને અમદાવાદ પસંદ આવ્યું.

ત્રણ-ત્રણ જગ્યાએ લારી બદલવી પડી
અમદાવાદમાં આવ્યા બાદ શું તકલિફ પડી હતી એ અંગે તેમણે જણાવ્યું હતું કે તકલીફ તો ખૂબ પડી હતી. પણ જો તકલીફ ના પડે તો કંઈ શીખવા મળે નહીં. શરૂઆતમાં બાપુનગર લારી શરૂ કરી. પણ ત્યાં હીરાવાળાની હડળાલ પડતાં લારી હટાવી હતી. ત્યાંથી હું એપ્રોચ ચાર રસ્તા આવ્યો, ત્યાં પણ ટ્રાફીકના કારણે લારી ઉભી રાખી શકાતી નહોતી. ત્યાંથી વિજય ચાર રસ્તા લારી શરૂ કરી. લારીમાં જ રાત્રે સુઈ જતો હતો. લારી શરૂ કરીને થોડાક દિવસોમાં દબાણ ખાતાવાળા લારી ઉપાડી ગયા અને મારા વધુ ખરાબ દિવસો ચાલુ થયા. આવકનું સાધન મારી પાસેથી ચાલ્યું ગયું. મારી પાસે ગાંઠિયા બનાવવાની કળા હતી પણ બનાવવાની કોઈ વસ્તુ નહોતી .

900 રૂપિયાના પગારે રેસ્ટોરન્ટમાં કામ કર્યું
મનદીપ કહે છે લારી ગયા પછી મે બે મહિના રેસ્ટોરન્ટમાં નોકરી કરી. માત્ર 800-900 રૂપિયા પગાર મળતો. જમવાનું ત્યાં મળી જતું અને ત્યાં જ રાત્રે સુઈ જતો. મારા જીવનનો આ સૌથી તકલિફવાળો સમય હતો.

ઈસ્કોન ચાર રસ્તા પર આવીને લારીને ઈસ્કોન ગાંઠિયા નામ આપ્યું
‘‘અત્યાર સુધી મેં લારીનું નામ નહોતું રાખ્યું. લારીનું નામ ઈસ્કોન ચાર રસ્તા પાસે લારી શરૂ કરી ત્યારે ‘ઈસ્કોન ગાંઠિયા’ રાખ્યું. અહીં આવ્યા પછી થોડીક તકલીફ ઓછી થઈ. અને એવું લાગ્યું કે હવે આપણે સેટ થઈ ગયા. 11 મહિના ત્યાં લારી ચાલુ રહી અને સારા એવા ગ્રાહકો આવતાં. ભગવાનની કૃપાથી થોડુંક સારું થઈ ગયું હતું. 11 મહિના લારી ચલાવ્યા બાદ ઈસ્કોન બ્રિજનું ખાતમૂર્હત થયું એટલે ત્યાંથી કર્ણાવતી ક્લબની સામે શીફ્ટ થયા. 11-12 મહિના અહીં લારી ચલાવી. પછી સેટ થતાં અહીં જ દુકાન શરૂ કરી.

સતત નિષ્ફળતા છતાં અડગ રહ્યા
આટલાં સંઘર્ષ છતાં આ જ ધંધામાં કેમ વળગી રહ્યા એ અંગે તેમણે કહ્યું હતું કે ગામડે પાછા જવાય એવી તો સ્થિતિ હતી નહીં, જે બતાવવાનું હતું એ અહીં જ હતું. જે પણ સપનું હતું એ અહીં જ પૂરું થાય એમ હતું. અને હું ભણેલો-ગણેલો હતો હતો નહીં, એટલે કંઈક કરીને બતાવાનું પણ પ્રેસર નહોતું. પણ કંઈક કરવું છે એવી ભાવનાથી સતત નિષ્ફળતા થતાં પ્રયત્નો બંધ ના જ કર્યા.

લારીમાંથી દુકાન કરવાનો વિચાર ક્યારે આવ્યો?
તેમણે કહ્યું કે અમદાવાદમાં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે ઈસ્કોન પાસે મારી લારીનો પહેલો દિવસ હતો. પહેલાં દિવસથી જ લાગતું કે અહીં મારું સારુ ચાલશે. હું સાંજે લારી કાઢવા આવું ત્યારે 20 લોકો ગાંઠિયા ખાવા રાહ જોઈને જ બેઠા હોય. ત્યારથી લાગવા માંડ્યું કે આ ક્વોલિટી અમદાવાની પબ્લિકને શૂટ થઈ રહી છે. પછી સફળતા મળી અને દુકાન કરી

આજે 125-150 લોકોનો સ્ટાક
કર્ણાવતી પાસે પહેલી દુકાન કરી ત્યારે 7-8નો સ્ટાફ હતો. આજે 11 દુકાન છે અને એક મોલ છે. આજે 125-150નો સ્ટાફ છે. અમદાવાદથી 75 કિલોમિટર દૂર વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર ફુડ મોલ 5 વિધામાં બનાવ્યો છે. ત્યાં કાઠિયાવાડી-પંજાબી ફૂડ પીરસવામાં આવે છે . તેમણે કહ્યું કે ગ્રાહકને સારુ ખવડાવાના ભાવનાથી અમે ભોજન માટે જાતે પકવેલી શાકભાજીનો જ યુઝ કરીએ છીએ છીએ.

નાની બાળાઓના કાઠિયાવાડી થાળીના પૈસા લેવામાં નથી આવતા
ઈસ્કોન ફુડ મોલમાં 17 વર્ષની નાની છોકરીઓના કાઠિયાવાડી થાળીના પૈસા લેવામાં આવતા નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે મોદી સાહેબે ‘બેટી બચાવો બેટી પઢાઓ’નું સૂત્ર આપ્યું છે એમાં આપણે આપણી યથાશક્તિ મુજબ ફાળો આપવો જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજી મેં આ સેવા કાર્ય શરૂ કર્યું છે.

ભવિષ્યમાં દરેક હાઈવે પર ઈસ્કોન ફુડ મોલ સ્થાપવાની ઈચ્છા
ભવિષ્યના પ્લાન અંગે તેમણે કહ્યું હતું કે દરેક સારા હાઈ-વે પ્લાન પર અમારો ફુડ મોલ હોવો જોઈએ અને ઈસ્કોન ગાંઠિયાની બ્રાન્ચ હોવી જોઈએ. તેમણે પોતાની સફળતાનો શ્રેય ભગવાન, પોતાના પરિવાર અને કાકાને આપ્યો હતો. ‘ચાય પે ચર્ચા’ માટે નરેન્દ્ર મોદીએ આ દુકાનની પસંદ કરી એને મનદીપ પોતાનું નસીબ ગણે છે.

You cannot copy content of this page