પિતા સાથે વિધિમાં જતી દીકરીને ગોર મહારાજ બનવાના અભરખા લાગ્યાં, 2 હજાર વિધિ કરાવી

અમદાવાદ: મહિલાઓ ફાઈટર પ્લેનથી લઈને મોટી કંપનીઓ ચલાવે છે, પણ તમે ક્યારેય એવું સાંભળ્યું કે કોઈ મહિલાએ લગ્નમાં પંડિત તરીકે વિધી કરાવતી હોય? પણ આવી એક મહિલા છે અને તે પણ આપણાં રાજકોટની છે.

આફ્રિકામાં જન્મેલા અને હાલ લંડન સેટલ થયેલાં 67 વર્ષના ચંદાબેન વ્યાસ જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક પ્રસંગની વિધિ કરે છે. છેલ્લાં 10 વર્ષમાં તેમણે યુકે, અમેરિકા, ઈટ લી, ગ્રીસ અને કેનેડામાં વગેરે દેશોમાં 2 હજારથી વધુ વિધિ કરાવી છે. હાલ તેમની એટલી ડિમાન્ડ છે કે 2022 સુધી તેમનું બૂકિંગ ફુલ થઈ ગયું છે.

પિતા સાથે વિધિમાં જતાં
કેન્યામાં જન્મેલા અને મૂળ રાજકોટના 67 વર્ષનાં ચંદાબેન વ્યાસે કહ્યું હતું કે પિતા કરુણાશંકર પુરોહિત ગોર મહારાજ તરીકે લગ્નવિધિથી લઇને મૃત્યુબાદની વિધિ કરાવતાં હતા. તેઓની સાથે હું પણ તેમને મદદ કરવા જતી. ત્યાંથી જ મને પણ ગોર મહારાજ બનાવવાના અભરખા લાગ્યાં હતા. પરંતુ પિતાએ સખ્ત વિરોધ કરીને મને અટકાવી હતી. જોકે વારંવાર પિતાને આજીજી કરતાં પિતાએ પરિવાર-સમાજના વિરોધ વચ્ચે પણ કર્મકાંડ શરૂ કરવાની પરવાનગી આપી દીધી, ત્યારથી તેઓ ધાર્મિક વિધી કરાવે છે.

સમલૈંગિક લગ્નો પણ કરાવ્યા
ચંદાબેનને ત્રણ દીકરીઓ છે, જેને ભણાવા-ગણાવામાં તેમની અડધી જિંદગી વીતી ગઈ. જોકે આ દિવસોમાં પણ તે સમય કાઢીને પૂજાની અલગ-અલગ વિધિઓમાં સામેલ થતા હતા. દરમિયાન તેમને વિચાર આવ્યો કે હિન્દુ ઘાર્મિક રીતિ-રિવાજથી લગ્ન કરાવવા હશે તો તેમણે પૂજારી બનવું પડશે. બાદમાં તેણે લંડનમાં રહેતાં ગુજરાતીઓમાં લગ્ન કરાવવાનું શરૂ કર્યું હતું. ચંદાબેને સમલૈંગિક લગ્નો પણ કરાવ્યા છે. તેમના પતિ મનોજ ફાયનાન્શિયલ કન્સલ્ટન્ટ છે.

દિકરીઓના લગ્નની વિધિ પણ પોતે કરી
ચંદાબેને પોતાની બે દીકરીઓના લગ્ન પણ પોતે જ હિન્દુ રીતિ-રિવાજથી કરાવ્યા હતા. તેઓ લગ્ન ઉપરાંત યજ્ઞોપવીત, સત્યનારાયણની કથા, ભૂમિપૂજન, નામકરણ સહિતની વિધિ કરાવે છે.

લગ્નમાં સંસ્કૃતના શ્લોકોનું અંગ્રેજીમાં કરે છે અનુવાદ
ચંદાબેનને કહેવું છે કે મહિલા પૂજારી તરીકે મેં સૌથી વધુ હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કરાવ્યા છે. વિદેશમાં ગેરહિન્દુ પણ હિન્દુ રીત-રિવાજથી લગ્ન કરાવવામાં રસ ધરાવે છે. ગેરહિન્દુ કપલના લગ્નમાં સંસ્કૃતના શ્લોકોનું અંગ્રેજીમાં અનુવાદ કરું છું અને દરેક શ્લોકનો અર્થ પણ સમજાવું છું.

વધુ મહિલાઓ પૂજારીઓ તૈયાર કરવાની નેમ
કર્મકાંડી મહિલા પૂજારી તરીકેનો તેમનો વારસો પુત્રી અંજલિ તથા મોટી પુત્રીની પુત્રી જાનકી લઇ રહી છે. ચંદાબેન મહિલા પૂજારીઓને હિન્દુ ધાર્મિક વિધિની ટ્રેનિંગ આપવા માંગે છે. આ માટે તેઓ લંડનમાં એક કોમ્યુનિટી હોલ પણ શોધી રહ્યા છે.