Only Gujarat

International TOP STORIES

આ ભારતીયને સલામ, આ વ્યક્તિને કારણે અહીંયાના મૃત લોકોને મળે છે મોક્ષ, કરે છે આ ખાસ કામ

પેરિસઃ ફ્રાન્સમાં રહેલા ઈકબાલ સિંહ ભટ્ટી હાલ ભારતમાં છે અને તેમનું અહીં આવવાનું કારણ પણ ખાસ છે. તેઓ 10 ભારતીયોની અસ્થિઓ સાથે લઈને આવ્યા છે, જેમનું નિધન ફ્રાન્સમાં થયું હતું. તેમાંથી 7નું નિધન તો કોરોનાને કારણે થયું હતું. તેઓ મૃતકોના પરિવારજનોને આ અસ્થિઓ આપવા આવ્યા છે.

65 વર્ષીય ઈકબાલ સિંહ છેલ્લા 29 વર્ષથી ફ્રાન્સમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પેરિસમાં વિવિધ હોસ્પિટલમાં દાખલ ભારતીયોની દેખરેખ કરે છે. આ સાથે ઈકબાલ કહે છે,‘ઈશ્વરનો આભાર છે, જેણે મને કોરોનાથી બચાવી રાખ્યો, જેથી હું આ કામો કરી શકું.’

દર વખતે ભારત પ્રવાસે લાવે છે અસ્થિઓઃ ભટ્ટીએ આગળ જણાંવ્યું કે,‘જ્યારે પણ હું ભારત આવું ત્યારે એવા ભારતીયોની અસ્થિઓ લઈને આવું છું, જેમનું નિધન ફ્રાન્સમાં એકલા રહેતા સમયે થયું હોય. હું તેમની અસ્થિઓ મૃતકોના પરિવારજનોને સોંપી દઉં છું, જેથી તેઓ અંતિમવિધિ કરી શકે.’ આ વખતે ઈકબાલ સિંહ 10 લોકોની અસ્થિઓ લઈને આવ્યા છે અને દિલ્હીમાં રહેતા 2 પરિવારોને સંબંધિત મૃતકની અસ્થિઓ આપી ચૂક્યા છે. અન્ય પરિવારોને મળવા તેઓ જાલંધર જશે.

પરિવારની મંજૂરી બાદ પેરિસમાં કરે છે અંતિમ સંસ્કારઃ ભટ્ટીએ જણાવ્યું કે,‘અમે પરિવારજનોની મંજૂરી લઈ પેરિસમાં મૃતકના અંતિમ સંસ્કાર કરીએ છીએ અને ભારત આવી અસ્થિઓ તેમના પરિવારને સોંપીએ છીએ. અત્યારસુધી અમે 22 લોકોની અસ્થિઓ લાવી ચૂક્યા છીએ.’ ફ્રાન્સમાં કોરોનાકાળ દરમિયાન લગભગ 13 ભારતીયના મોત થયા છે. ભારતીય એમ્બેસીની મદદથી ભટ્ટીએ 2 લોકોના મૃતદેહ તેમના પરિવાર સુધી પહોંચાડ્યા હતા. જોકે ભટ્ટીએ સ્પષ્ટતા કરી હતી કે, તે બંને લોકોના મોત કોરોનાને કારણે નહોતા થયા.

અત્યારસુધીમાં 178 મૃતદેહ પણ ભારત લાવ્યાઃ ઈકબાલ સિંહ ભટ્ટીએ 2005માં એક સંગઠનની રચના કરી હતી. આ સંગઠન ફ્રાન્સમાં મૃત્યુ પામનારા ભારતીયોની અસ્થિઓ પરિવારજનો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેઓ અત્યારસુધીમાં પેરિસથી 178 લોકોના મૃતદેહ પણ ભારત લાવી ચૂક્યા છે.

You cannot copy content of this page