Only Gujarat

International

કેનેડામાં ભારતીય પતિએ છરી મારી પત્નીની કરી હત્યા, કોલ કરીને માતાને કહ્યું – પત્નીને કાયમી માટે સૂવડાવી દીધી

કેનેડામાં હત્યાની ઘટના સામે આવી છે. પંજાબની એક વ્યક્તિએ છરી મારીને તેની પત્નીની હત્યા કરી છે. અધિકારીઓએ આ અંગે માહિતી જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 41 વર્ષીય બલવિંદર કૌર બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડમાં તેના ઘરે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના 15 માર્ચે એબોટ્સફોર્ડમાં વેગનર ડ્રાઇવના 3400-બ્લોકમાં બની હતી.

પત્નીની હત્યા બાદ પતિની ધરપકડ

કેનેડાની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમના નિવેદન અનુસાર, મહિલાનો જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. આ મામલે મહિલાના પતિ જગપ્રીત સિંહની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેણે તેની પત્નીની હત્યા કરી છે.

દંપતી વચ્ચે રૂપિયા બાબતે ઝગડો થતો હતો

બલવિંદર કૌરની બહેને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ને કહ્યું, “મારી બહેનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવ્યા પછી જગપ્રીતે લુધિયાણામાં તેની માતાને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે તેણે હંમેશાં માટે બલવિંદરને સૂવડાવી દીધી છે. તેમનું કહેવું છે કે પૈસાને લઈને દંપતી વચ્ચે રોજેરોજ બોલાચાલી થતી હતી. બે અઠવાડિયાં પહેલાં જ કેનેડા પહોંચેલા જગપ્રીત કામ કરતો નહોતો અને બેરોજગાર હતો. રિપોર્ટ અનુસાર, બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં. બંનેને બે સંતાન- એક પુત્રી અને એક પુત્ર છે.

અમારા પરિવારે બલવિંદર કૌરને ક્યારેય હેરાન કરી નથી

જોકે જગપ્રીતના પરિવારે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને બંનેને સુખી યુગલ ગણાવ્યાં હતાં. જગપ્રીતના ભાઈએ ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું કે તેમની પાસે આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. તે રાત્રે તેના ભાઈ અને તેની પત્ની વચ્ચે શું થયું એની ખબર નથી. તેણે કહ્યું હતું કે અમારા પરિવારે ક્યારેય બલવિંદર કૌરને પરેશાન કરી નથી, બંને એક સુખી યુગલ હતાં અને ઘટનાના થોડા કલાકો પહેલાં શોપિંગ કરીને પરત ફર્યાં હતાં.

તેણે કહ્યું, “મારા ભાઈએ મારી માતાને ફોન કરીને કહ્યું કે તેણે તેની પત્નીને આકસ્મિક રીતે ઈજા પહોંચાડી છે. તે માફી માગી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે જાણીજોઈને આવું કરવામાં આવ્યું નથી. તે રાત્રે શું થયું એની પાછળનું કારણ કોઈ જાણતું નથી, કારણ કે તેની પુત્રી પણ બહાર હતી.

જગપ્રીત પાંચ દિવસ પહેલાં જ કેનેડામાં પોતાની દીકરીને મળવા માટે પહોંચ્યો હતો

મૃતકની બહેન રાજવિંદર કૌરે વધુમાં જણાવ્યું હતું કે બલવિંદર અને જગપ્રીતનાં લગ્ન 2000માં થયાં હતાં. બંનેને બે બાળક છે. તેમને એક પુત્રી હરનૂરપ્રીત કૌર (22)અને એક પુત્ર ગુરનૂર સિંહ (18) છે. રાજવિંદરે જણાવ્યું હતું કે હરનૂરપ્રીત લગભગ ચાર વર્ષ પહેલાં સ્ટડી વિઝા પર કેનેડા ગઇ હતી. જોકે જગપ્રીત પાંચ દિવસ પહેલાં જ કેનેડામાં પોતાની દીકરીને મળવા માટે પહોંચ્યો હતો. આ દંપતી વચ્ચે પૈસાને લઇને પણ રકઝક થતી હતી, કારણ કે જગપ્રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તે બેરોજગાર હતો.

બલવિંદર જગપ્રીતને પૈસા મોકલતી હતી

રાજવિંદરે કહ્યું હતું કે પછી મારી બહેન બલવિંદર તેની પુત્રીની સંભાળ રાખવા માટે 2022માં કેનેડા ગઈ હતી. જોકે જ્યારથી તે ત્યાં પહોંચી છે ત્યારથી તેનો પતિ તેને પણ ત્યાં લઇ જવાની જીદ કરી રહ્યો હતો. મારી બહેન એકલી જ બધો ખર્ચો ઉઠાવતી હતી. રાજવિંદરે કહ્યું હતું કે પહેલાં તે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, પરંતુ જ્યારે મારી બહેને તેને પૈસા મોકલવાનું શરૂ કર્યું તો તેણે એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. બલવિંદર તેની પુત્રીની સારવાર અને શિક્ષણનો ખર્ચ સંભાળતી હતી. આ સિવાય તે જગપ્રીતને પૈસા પણ મોકલતી હતી.

દીકરીના મૃતદેહને ભારત લાવવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી

મૃતક બલવિંદર કૌરના પિતા હિમ્મત સિંહે જણાવ્યું હતું કે બલવિંદર કૌરના હત્યારા જગપ્રીત સિંહની કેનેડિયન પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમણે કહ્યું હતું કે હવે તે તેની પુત્રીના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે, જેથી કરીને તેઓ તેના ગામમાં બલવિંદરના અંતિમસંસ્કાર કરી શકે. તેમણે પંજાબ અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે સરકારે તેમની દીકરીના મૃતદેહને ભારત લાવવામાં વહેલી તકે મદદ કરવી જોઈએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page