Only Gujarat

National

ચનિયારા પરિવાર પર ફાટી નીકળ્યું આભ, પત્નીની લાશ મળ્યાના 10 દિવસ બાદ પતિ પણ ગાયબ

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પરિણીતા ગત તા.13ના ઘરેથી નીકળ્યા બાદ શાપરમાં એસિડ પીધેલી હાલતમાં મળી આવી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, શુક્રવારે પરિણીતાની ધાર્મિક વિધિ પૂરી થયા બાદ શનિવારે યુવક પોતાના ઘરેથી નીકળીને લાપતા થઇ જતાં પરિવારજનો ચિંતિત થઇ ગયા હતા.


દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડ પાસેના અમરનગરમાં રહેતી પરિણીતા શીતલ મહેશભાઇ ચનિયારા (ઉ.વ.25) અને તેનો પતિ મહેશભાઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા, શીતલ દરરોજ બપોરે પોતાના ઘરેથી નીકળી માલવિયાનગર ચોકમાં આવેલી લાઇબ્રેરીમાં વાંચવા જતી હતી, ગત તા.13ના બપોરે ઘરેથી લાઇબ્રેરી જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થઇ ગઇ હતી અને તા.14ના શાપરમાંથી બેભાન હાલતમાં મળી આવતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું તા.17ના સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.


શીતલનું એસિડને કારણે મૃત્યુ થયાનું ખુલ્યું હતું, જોકે શીતલને એસિડ પીવડાવી કોઇએ હત્યા કર્યાનો તેના પિયર પક્ષે આક્ષેપ કર્યો હતો, પોલીસે આ મામલે હજુ પૂરી તપાસ કરી નથી ત્યાં આ ઘટનામાં નવો જ વળાંક આવ્યો હતો. મૃતક શીતલનો પતિ મહેશ ચનિયારા (ઉ.વ.27) શનિવારે સવારે પોતાના ઘરેથી નીકળી ગયો હતો, લાંબો સમય વિતવા છતાં તે પરત નહીં આવતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી, મહેશે પોતાનો મોબાઇલ અને પર્સ પણ ઘરે જ છોડી દીધા હતા.


અનેક સ્થળે તપાસ કરવા છતાં તેની ભાળ નહીં મળતા મહેશના ગુમ થવા અંગે થોરાળા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ચનિયારા પરિવારે કહ્યું હતું કે, શુક્રવારે શીતલની ધાર્મિક વિધિ પૂરી કરવામાં આવી હતી. શીતલના મૃત્યુ બાદ તે સતત ગુમસુમ રહેતો હતો અને લાપતા થઇ ગયો હતો, મહેશ કોઇ સ્થળે જતો રહ્યો છે કે તેણે કોઇ અનિચ્છનીય પગલું ભરી લીધું હશે તેવા વિચારે ચનિયારા પરિવાર ચિંતાતુર થઇ ગયો હતો.

You cannot copy content of this page