Only Gujarat

Gujarat

કોરોનાકાળમાં પણ વિદેશની ધરતી પર અહીં ગુજરાતીઓ મનમૂકીને ગરબે ઝૂમ્યા

નવરાત્રિની દેશ સહિત દુનિયાભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે અને તેમાં પણ નવરાત્રિ તો ગુજરાતીઓનો સૌથી લોકપ્રિય તહેવાર છે. ભલે તે દેશમાં હોય કે વિદેશમાં ગુજરાતીઓને ગરબે ઘૂમવા તો જોઈએ જ. પણ હાલમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં ગુજરાતીઓ ગરબે ઘુમી રહ્યા છે.

ગરબાના આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિદેશી ધરતી મેડાગાસ્કરમાં. ઈસ્ટ આફ્રિકાના દેશ મેડાગાસ્કરમાં ગરબાની રમઝટ જામી રહી છે. ગુજરાતીઓની બીજી ખાસિયત એ છે કે તે આસપાસના લોકોને પણ ગરબે ઘૂમવા માટે મજબૂર કરી દે છે. મેડાગાસ્કરમાં પણ ગુજરાતી ખેલૈયાઓની સાથે વિદેશી ગોરીઓ પણ ગરબે ઘુમી હતી. આ તસ્વીરોને ભારતીય એમ્બેસેડરે કેમેરામાં કેદ કરી ટ્વીટ મારફત લોકોને શેર કરી હતી.

તમે જે તસ્વીરો જોઈ રહ્યા છો તે મેડાગાસ્કરની છે. મેડાગાસ્કરમાં નવ દિવસ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતી પરિવારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. જયાં વિદેશની ધરતી પર જન્મેલી ગુજરાતી પરિવારોની યુવતીઓ અને મહિલાઓએ વતનની સંસ્કૃતિને ઉજાગર કરી. નવરાત્રિ નિમિત્તે રાસ-ગરબાની રમઝટ બોલાવી અસલી ગુજરાતીપણું દર્શાવ્યું હતું. અહીં ગરબાની સાથે એક હિન્દુ મંદિરના હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મેડાગાસ્કરમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે, જેમાથી મોટાભાગના ગુજરાતીઓ છે. એમાંય ઘણાખરા ગુજરાતીઓ વેપાર-ધંધા સાથે સંકળાયેલા છે. પણ નવરાત્રિમાં ગરબે ઝુમવા માટે તેઓ સમય કાઢી જ લેતા હોય છે. જે તસ્વીરો મેડાગાસ્કરથી આવી છે તેમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ઢોલના તાલે ગરબે ઝુમતા જોવા મળ્યા.

અમેરિકા, કેનેડા, ન્યુઝિલેન્ડ સહિત જ્યાં ગુજરાતીઓની ઓછી વસ્તી છે તેવા દેશોમાં પણ ગુજરાતીઓ નવરાત્રિની ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે. અહીં વસેલા ગુજરાતીઓ નવરાત્રિ માટે હોલ તેમજ પાર્ટીપ્લોટ બુક કરાવી વિદેશી મિત્રોને સાથે લઈ ગરબાની મજા માણતા જોવા મળે છે. જો કે આ વર્ષે કોરોના મહામારીએ આ ઉત્સવ પર ગ્રહણ લગાવ્યું છે અને ખેલૈયાઓની મજા ફિક્કી કરી દીધી છે. કોરોનાને પગલે નવરાત્રિના ગરબા પર ગુજરાત સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. પણ વિદેશમાં ગરબાની મંજૂરી મળતા ત્યાં સ્થાયી થયેલા ગુજરાતીઓમાં ઉજવણીનો આનંદ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે નવરાત્રિની રોકન છિનવાઈ ગઇ છે. ગણતરીના લોકો સાથે માતાજીની આરતી કરવાની પરવાનગી સરકારે આપી છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં સોસાયટી, મોહલ્લા, પોળ, મંદિરોમાં સોશિયલ ડિસ્ટંસ સાથે માતાજીની આરતી કરવામાં આવી રહી છે. જ્યારે કેટલાક લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ઘરમાં જ ગરબા રમીને પોતાના જ અંદાજમાં નવરાત્રિ ઉજવી રહ્યા છે.

You cannot copy content of this page