Only Gujarat

Gujarat

ઉત્તરાખંડની અંતિમ તસવીર જિંદગીની અંતિમ તસવીર બની, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ગઈ કાલે યાત્રિકોની બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા. જેમાંથી ભાવનગરના સાત યાત્રિકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં પાલિતાણાના એક યુવકનું પણ મોત થયું હતું. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જેથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પાલિતાણાના યુવકનું મોત થતા રડતાં રડતાં તેના કાકાએ કહ્યું કે, ‘2 દીકરા ચારધામની યાત્રાએ ગયા હતા, કાલે ફોન આવ્યો કે તમારા દીકરા જે બસમાં હતા તે ખાઈમાં પડી ગઈ છે’.

પાલિતાણાના યુવકનું મોત થતા ઘરે શોકનો માહોલ છવાયો
ઉત્તરાખંડમાં ખાનગી બસનો ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં ભાવનગરના 7 લોકોનાં મોત થયાં છે. આ મૃતકોમાં પાલિતાણાના કરણજી ભાટીનો પણ સમાવેશ થાય છે. આ કરણજી ભાટી પણ યાત્રા કરવા ગયા હતા. ભાવનગરના પાલિતાણાના કરણજી ભાટીના ઘરે હાલ શોકનો માહોલ છવાયો છે. અકસ્માતમાં મરણ જનાર 29 વર્ષીય કરણજી ભાટી ત્રણ સંતાનના પિતા હતા. તેઓનું મોત થતાં બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજીના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મૃતકના કાકાએ જણાવ્યું હતું કે, પાલિતાણાથી 4 યુવકો યાત્રાએ ગયા હતા. બસ ખીણમાં ખાબકતા કરણ ભાટ્ટીનું મોત થયું છે. અમારા પરિવારના સભ્યો અત્યારે ઉત્તરાખંડ ગયા છે. પરિવારના અન્ય સભ્યએ જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટના રોજ 4 યુવકો યાત્રાએ ગયા હતા. ત્યાંથી આજે સરકારનો ફોન આવ્યો ત્યારે અમને અકસ્માત અંગે જાણ થઈ હતી. જેથી હાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 35 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. જે બસને અકસ્માત નડ્યો છે તે બસમાં મોટાભાગના યાત્રિકો ભાવનગર જિલ્લાના હતા, જેમાં ભાવનગરના 7 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રિકો પણ આ બસમાં સવાર હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોએ ત્યાંથી સ્થાનિક બસમાં યાત્રા શરૂ કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બસમાં ગુજરાતના લોકો સવાર હતા. આ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.

અકસ્મતામાં મૃત્યુ પામેલાની યાદી

1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા

2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર, ભાવનગર

3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા

4. દક્ષા મહેતા રહે.મહુવા

5.ગણપત મહેતા રહે.મહુવા

6.કરણ ભાદરી. રહે.પાલિતાણા

7.રાજેશ મેર રહે. અલંગ

You cannot copy content of this page