ગુજરાતના આ ખેડૂતે શરૂ કરી ડ્રેગનફ્રૂટની ખેતી ને વર્ષે કમાય છે લાખો રૂપિયા

Botad Farmer Dragon Fruit Farming: હાલમાં ગુજરાતના ખેડૂતો આધુનિક ખેતી કરવા લાગ્યા છે. આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઓછી જમીનમાં વધુ સારુ ઉત્પાદન મેળવે છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામના પ્રગતિશીલ ખેડૂત જસાભાઈ પ્રેમજીભાઇએ બે ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 15 વર્ષથી ખેતી કરી રહ્યા છે. જસાભાઇ છેલ્લા ત્રણ વર્ષેથી 6 વીઘા જમીનમાં લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે.

ખેડૂત જસાભાઇએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પોતે માત્ર શાકભાજી, કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરતા હતા. પરંતુ ડ્રેગન ફ્રૂટ વિશે આવક અને ખર્ચાઓની માહિતી પ્રાપ્ત થતાં પોતે લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનો એક વિચાર આવ્યો હતો. 6 વીઘા જમીનમાં લાલ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું. આજે છેલ્લા 3 વર્ષથી લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે.

તેમના જણાવ્યા અનુસાર, હજુ તો લાલ ડ્રેગન ફ્રૂટનો ઉતાર થતાની સાથે જ આજુબાજુના વિસ્તારોમાંથી લોકો ડ્રેગન ફ્રૂટ ખરીદવા તેમજ સ્વાદ ચાખવા અહીં આવી રહ્યાં છે. એટલું જ નહીં મુંબઇથી ડ્રેગન ફ્રૂટ ખરીદવા લોકો આવે છે. તેમજ મોટા ઓર્ડર આપી રહ્યાં છે. બજારમાં ફળ પહોંચતા જ નથી ત્યાં જ વેચાઇ જાય છે. તેઓ લાલ ડ્રેગન ફ્રૂટના પાકમાં કોઈપણ પ્રકારનો દવાનો કે રાસાયણિક ખાતરનો છંટકાવ કરવામાં આવતો નથી. માત્રને માત્ર કુદરતી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.

ખેતી પાછળ થતા ખર્ચની માહિતી આપતા જસાભાઇએ કહ્યું કે એક પોલ દીઠ રૂપિયા 1,000 જેટલો ખર્ચ થાય છે. જ્યારે એક પોલમાં એક છોડનું વાવેતર કરવામાં આવે છે. બીજો અન્ય કોઈપણ પ્રકારનો મજૂરી ખર્ચ, દવા ખર્ચ કે ખાતરનો ખર્ચ થવા પામતો નથી. એકંદરે ખર્ચો ઓછો અને ફાયદો ખેડૂતને મહત્તમ મળી રહે છે. ડ્રેગન ફ્રૂટનો હાલ પાક આવવાનો શરૂ થઈ ગયો છે, જેને લઇ અંદાજે રૂપિયા 1 લાખથી પણ વધુનું અત્યાર સુધીમાં લાલ ડ્રેગન ફૂટનું વેચાણ થઇ ગયું છે.