Only Gujarat

Bollywood

‘રામ’ અને ‘રાવણ’નો ફોટો વાઈરલ, ગુજરાતમાં અહીં થયું હતું શૂટિંગ, 1 લાખમાં બન્યો હતો એક એપિસોડ

મુંબઈઃ કોરોનાવાઇરસને લીધે સમગ્ર દેશમાં 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં દૂરદર્શન પર ફરી રામાનંદ સાગરની ‘રામાયણ’નું રીટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયામાં ‘રામાયણ’ના પાત્રોની ચર્ચા થઈ રહી છે. એવામાં દૂરદર્શનમાં રીટેલિકાસ્ટ થતી ‘રામાયણ’માં ભગવાન રામે રાવણનો વધ કરી દીધો છે. ત્યારે સોશિયલ મીડિયામાં રામ (અરુણ ગોવીલ) અને રાવણ (અરવિંદ ત્રિવેદી)નો હાથ મિલાવતો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ફોટો ‘રામાયણ’ સિરીયલના શૂટિંગ વખતનો છે. અરુણ ગોવીલ અને અરવિંદ ત્રિવેદીએ ફુલ ગેટઅપમાં ફ્રી સમયે આ ફોટો પડાવ્યો હતો. તો, અમે તમને ‘રામાયણ’ સિરીયલના શૂટિંગની આવી કેટલીક અજાણી વાતો જણાવીએ.

રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીયલનાં દરેક એપિસોડનું શૂટિંગ વલસાડના ઉમરગામમાં થયું હતું. રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગર મુજબ, રામાયણનો એક એપિસોડ 9 લાખ રૂપિયાની આપસાસ બનતો હતો અને વિક્રમ વેતાલનો એક એપિસોડ તે સમયે 1 લાખ રૂપિયામાં બન્યો હતો.

‘રામાયણ’ પહેલાં 52 એપિસોડની સીરિઝ હતી. જે પછી તેને વધારી 78 એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યાં હતાં. ‘રામાયણ’ના બધા એપિસોડ શૂટ કરતાં 550 દિવસનો સમય લાગ્યો હતો.

‘રામાયણ’ સિરીયલને 55 દેશમાં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ, રામાયણને દુનિયાભરમાં 650 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી. વર્ષ 1987માં જ્યારે રામાયણ દૂરદર્શન પર શરૂ થતી હતી તે દરમિયાન રોડ પર સન્નાટો છવાઈ જતો હતો.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન રીટેલિકાસ્ટ થયેલી ‘રામાયણ’ સિરીયલે TRP મામલે છેલ્લાં 5 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. બાર્ક (બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ)ના રિપોર્ટ મુજબ, પહેલાં એપિસોડનું રેટિંગ 3.4% હતું. જ્યારે ચોથા એપિસોડ સુધી ‘રામાયણ’ સિરીયલનું રેટિંગ 5.2% પહોંચી ગયું હતું.

લૉકડાઉન દરમિયાન દૂરદર્શન પર 80-90નાં દશકના સુપરહિટ શૉ પણ રીટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ‘રામાયણ’ ઉપરાંત ‘મહાભારત’, ‘ચાણક્ય’, ‘દેખ ભાઈ દેખ’, ‘ઑફિસ ઑફિસ’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘બ્યોમકેશ બક્સી’ અને ‘શક્તિમાન’ સહિતની સિરીયલો રીટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે.

You cannot copy content of this page