Only Gujarat

Gujarat

ખૂબ જ સરળ અને સેવાભાવી છે ગ્રીષ્માના પિતા, ગાયોને ઘાસચારો નાખ્યા બાદ જ કામે જતા

ગુજરાતમાં રાતોરાત ગ્રીષ્મા વેકરિયા નામની દીકરીનું નામ લોકોના કાનોમાં ગુંજી રહ્યું છે. 21 વર્ષની ઉંમરમાં દીકરીના હચમચાવી દેતા મોતે બધાને અંદરથી હલાવી નાખ્યા છે. આખું ગુજરાત વેકરિયા પરિવારને પડખે આવીને ઉભું છે. દિવ્યાંગ માતા-પિતાની ખૂબ સેવા ચાકરી કરનાર ગ્રીષ્મા બધાની લાડલી હતી. તેમાં પણ તેના પિતા નંદલાલભાઈ માટે ગ્રીષ્મા આંખનું રતન હતું. તેઓ હીરાનું કામ કરે છે અને છેલ્લા આઠ મહિનાથી દક્ષિણ આફ્રિકામાં છે. વેકરિયા પરિવાર ખૂબ સરળ અને માયાળું સ્વભાવનો હતો. નંદલાલભાઈ સેવાભાવિ વ્યક્તિત્વ ધરાવતા હતા.

આ અંગે ગ્રીષ્માના ફોઈ રાધાબેને જણાવ્યુ હતું કે મારો ભાઈ અને ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ એક સાચા સેવાભાવિ વ્યક્તિત્વ ધરાવતા હતા. રોજ સવારે 4 વાગે ઉઠીને ગાયો માટે ઘાસ કાપવા જતા, ગાયોને ઘાસચારો નાખ્યા બાદ ઘરમાં પક્ષીઓને ખોરાક આપી કામે જતા હતા. દીકરીની નિર્મમ હત્યા સાંભળી એમનું તો હૃદય કપાઈ ગયું છે. આફ્રિકાથી આવવા નીકળી ગયા છે આજે રાત્રે મુંબઈ આવી જશે અને કાલે સવારે મંગળવારે સુરત આવી જશે, ત્યારબાદ જ ગ્રીષ્માની અંતિમવિધિ કરાશે.

વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની સવારે જ આફ્રિકાથી પિતાના આવેલા ફોન પર વીડિયો કોલિંગ પર વાત કરી હતી. પિતાએ ગ્રીષ્માને કહ્યું પણ હતું કે તારી મમ્મીને કામ કરવા દે તું સાસરી ચાલી જશે પછી ઘરકામ કોણ કરશે. ભાઈ કહેતા હતા કે, મારી દીકરી જ્યા સુધી ભણવા માગે છે ત્યાં સુધી હું ભણાવીશ, પરિવારને છોડી આટલા હજારો કિલોમીટર દૂર કોના માટે કમાવવા આવ્યો છું. હું મારી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીશ. પિતાની લાડકી દીકરી જેના પર હાથ મૂકે એ વસ્તુ અપાવતા હતા.

જ્યારે ગ્રીષ્માના મામી વર્ષાબેન કાનાણીએ કહ્યું હતું કે ગ્રીષ્માએ 22 ડિસેમ્બરે જન્મ દિવસની ઉજવણી અમારી સાથે કરી હતી. માથામાં તાજ પહેરી ને ઉજવણી કરી હતી. એવી તૈયાર થઈ હતી કે બસ આખું કુટુંબ ગ્રીષ્માને પરી હૈ તું કહીને જ બોલાવતું હતું. એવું કહેતી કે મારા પપ્પાને મેં મહિનામાં આફ્રિકાથી આવવા દો પછી નૈનિતાલ અને કેરળ ફરવા જવાની છું, 1500 રૂપિયા ભરીને ગિટાર શીખવા જતી હતી.

તલાટી-મામલતદારની પરિક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું. રોજ સવારે 4 વાગ્યે ઉઠીને તૈયારી પણ કરતી હતી. એવું પણ કહેતી હું તો ઇન્સ્પેક્ટર બનવા માગું છું, ભણવામાં હોશિયાર હતી. આખું કુટુંબ એને સહકાર આપતો હતો. ગઈ દિવાળી પર માતા અને મામા-મામી સાથે શ્રીનાથજી ફરવા પણ ગઈ હતી. મામીના બ્યૂટીપાર્લરમાં કામ કરતી અને પાર્લરનું શીખતી પણ હતી. તેમજ દુલ્હનને તૈયાર પણ કરવા જતી હતી. બધી જ આવડત હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડ્રોઈંગની સાથે સાથે ખાવાનું એટલું સરસ બનાવતી કે મોંમાં સ્વાદ રહી જતો હતો. પીઝા અને સેન્ડવીચ એ પણ ચીઝવાળા તો એને ખૂબ જ ભાવતા હતા. પોતાની બચતમાંથી જ ખરીદવાનું પસંદ કરતી હતી. કપડાનો ખુબ જ શોખ હતો. જીન્સ અને ટી-શર્ટ, કૂર્તા એના પર દુપટ્ટો લીધા વગર બહાર નહીં નીકળતી હતી. બધે જ સમયસર પહોંચવાનું અને જ્યાં પહોંચ્યા બાદ તરત ફોન પર પહોંચી ગઈ હોવાની જાણ કરતી સંસ્કારી છોકરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, અમે ગંગા જેવી પવિત્ર દીકરી ગુમાવી છે. ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની જ નહીં પણ કુટુંબની લાડકી દીકરી હતી. ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે સાથે ઘરમાં ટિકી લગાડવાનું કામ કરી બે રૂપિયા કમાતી આવું એકની એક દીકરી પર ગર્વ હતો. બહાર ગામ જતી તો પણ માતાને દિવસના 3 ફોન કરી હાલચાલ પૂછતી હતી. ઘટનાના દિવસે કહ્યું હતું ફોઈ આજે પરીક્ષાનો છેલ્લો દિવસ છે ચૌટાપુલ જવાનું છે મારે ચપલ અને બુટ્ટી અને કપડાં મુકવાની નાની બેગ લેવાના છે આવશો ને.

You cannot copy content of this page