Only Gujarat

National

જે ઘરમાં થતી હતી લગ્નની તૈયારી, ત્યાં શહીદ જવાનની અર્થી ઊઠી, રડાવી દેતો બનાવ

હામિરપુરઃ હિમાચલ પ્રદેશના હામિરપુરમાં જેના લગ્નની તૈયાર થતી હતી તેનો પાર્થિવદેહ કફનમાં લપેટાઈને આવ્યો છે. રવિવાર, 25 જુલાઈના રોજ જે ઘરમાં લગ્ન થવાના હતા ત્યાં શહીદ કમલ દેવ વૈદ્યની અર્થી ઊઠી હતી. 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. રક્ષાબંધનના 28 દિવસ પહેલાં ભાઈના મોતથી બહેનના ભાંગી પડી હતી. 27 વર્ષીય કમલ 2015માં ભારતીય સેનામાં ભરતી થયો હતો. આ વર્ષે ઓક્ટોબરમાં તેના લગ્ન નક્કી થયા હતા.

શુક્રવાર, 23 જુલાઈના રોજ કમલની બંને બહેનો પિયર આવી હતી. રાત્રે બંને બહેનો ઇંદુ તથા શશિએ વ્હોટ્સએપ વીડિયો કોલ પર ભાઈ કમલ સાથે લાંબી વાતો કરી હતી. જોકે, બીજા દિવસે એટલે કે 24 જુલાઈના રોજ સવારે 7 વાગે ભાઈના મોતના સમાચાર આવ્યા હતા. શહીદ કમલ દેવના પરિવારમાં માતા-પિતા, મોટા ભાઈ તથા બે બહેનો છે. શહીદના પિતા મદનલાલ સુથારી કામ કરે છે. માતા બનીતા કુમારી ગૃહિણી છે. મોટો ભાઈ દેવેન્દ્ર ગામમાં ડિલિવરી પહોંચાડવાનું કામ કરે છે.

કમલ દેવે લુદ્દર મહાદેવ સ્થિત રાજકીય ઉચ્ચ સ્કૂલમાંથી દસમું તથા ભોરંજ સ્થિત રાજકીય વરિષ્ઠ માધ્યમિક સ્કૂલમાંથી બારમું ધોરણ પાસ કર્યું હતું. તેણે રાજકીય કોલેજ કંજ્યાણ ભોરંજમાં બીએસસીમાં એડમિશન લીધું હતું, પરંતુ આ દરમિયાન તેને સેનામાં ભરતી થયો હતો.

એપ્રિલ, 2020માં કમલે રજાઓ બાદ ફરીથી નોકરી જોઇન કરી હતી. ઓક્ટોબર મહિનામાં લગ્ન થવાના હતા અને તેથી જ ઘરમાં લગ્નની તૈયારી ચાલતી હતી. કમલે ચાર રૂમનું પાક્કું મકાન બનાવવાનું શરૂ કર્યું હતું અને મકાનનું કામ પણ પૂરું થવામાં આવ્યું હતું.

લગ્ન પહેલાં કમલ પરિવાર સાથે ઘરમાં ગૃહપ્રવેશ કરવા માગતો હતો. માતા-પિતા, ભાઈ તથા બંને બહેનોને કમલના શહીદ થવાના સમાચાર મળ્યા ત્યારથી તેમણે અનાજનો એક દાણો નાખ્યો નહોતો. કમલની ડેડબોડીને માથે પાઘડી પહેરાવામાં આવી હતી અને વરરાજાના કપડાં મૂકવામાં આવ્યા હતા. બંને બહેનો રડી રડીને એક જ સવાલ કરે છે કે તેઓ રાખડી કોને બાંધશે.

શહીદ કમલનો પાર્થિવદેહ જ્યારે ગામડે આવ્યો ત્યારે ‘જબ તક સૂરજ ચાંદ રહેગા શહીદ કમલ કા નામ રહેગા’ તથા ‘દેખો દેખો કૌન આયા, શેર આયા શેર આયા’ના નારા લાગ્યા હતા.

પાર્થિવદેહ ઘરે આવતા જ પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં અહીંયા બીજો જવાન શહીદ થયો છે. ગયા વર્ષે સિયાચિનની ગલવાન ઘાટીમાં ચીન સૈનિકો સાથેની ઝડપમાં અંકુશ ઠાકુર શહીદ થયો હતો.

You cannot copy content of this page