પ્રેમિકાએ પ્રેમસંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમીનો પિત્તો ગયો, ભર્યું હચમચાવી દેતું પગલું

દાહોદના સંજેલી તાલુકાના ભાણપુરા પાસેથી એક યુવતીની મળી આવેલી લાશની ઓળખ થયા બાદ પોલીસે હત્યારાને પણ ઝડપી પાડ્યો છે. મૃતક યુવતીના પ્રેમીએ જ યુવતીની હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. મૃતક યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા પ્રેમીએ છરીના ઘા અને ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી. હત્યા કર્યા બાદ લાશની ઓળખ ના થાય તે માટે પેટ્રોલ નાખી સળગાવી ફરાર થઈ ગયા હતા. હત્યારા પ્રેમીને તેના બે કાયદાથી સંઘર્ષિત સાથીઓએ પણ મદદ કરી હતી. પોલીસે હાલ ત્રણેયની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક વર્ષના પ્રેમ પ્રકરણનો કરુણ અંત
મંગળવારે સંજેલીના ભાણપુર ગામે વડલાવાળા જંગલમાંથી એક યુવતીની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે યુવતીની ઓળખ કરી તેના પરિવારજનોનો સંપર્ક કરતા યુવતીના પિતા દ્વારા મેહુલ પરમાર નામના યુવક સામે આશંકા વ્યકત કરી હતી. પોલીસે પિતાની આશંકાના પગલે મેહુલ પરમારને શોધી તેની પૂછપરછ કરી હતી. જેમાં મેહુલ ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી હતી. આરોપી અને મૃતક યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ, મૃતકે છેલ્લા બે મહિનાથી આરોપી સાથે બોલવાનું બંધ કરી બ્રેકઅપ કરવાની વાત કરતા મેહુલ ઉશ્કેલાયો હતો અને યુવતીની હત્યા નિપજાવવાનો પ્લાન ઘડ્યો હતો.

હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી હતી
આરોપી મેહુલે તેના બે સગીર મિત્રોની મદદથી યુવતીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂં રચી કાઢ્યું હતું. ગતરોજ મેહુલ તથા તેના બે સગીર મિત્રો મોટરસાઈકલ લઈ વાંદરીયા ગામે આવ્યાં હતાં. વહેલી સવારના નવેક વાગ્યાના સમયે મેહુલે યુવતીને મળવા માટે ફોન કરી બોલાવી હતી. જેથી યુવતી પોતાનું એક્ટીવા લઈ વાંદરીયા ગામે સાત બંગલા નજીક આવી હતી.

આ દરમિયાન મેહુલે યુવતીને પાછળની ભાગે છરી મારતાં તે જમીન પર ઢળી પડી હતી. જે બાદ મેહુલે તેનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ લોહીવાળી છરી નજીકના તળાવમાં ફેકી દીધી હતી. મેહુલે પોતાનું જેકેટ મૃતક યુવતીને પહેરાવી પોતાના બે સગીર મિત્રોની મદદથી યુવતનીને એક્ટીવા પર બેસાડી સંજેલી રોડ ઉપર સુમસામ માર્ગ ઉપર આવ્યાં હતાં. રસ્તામાં સુથારવાસા નજીક જતાં રોડ ઉપરથી બે બોટલોમાં પેટ્રોલ ખરીદ્યું હતું.ત્યારબાદ મૃતક યુવતીને ભાણપુરા જંગલમાં લઈ ગયાં હતાં અને પથ્થરોની વચ્ચે લાશને સંતાડી મૃતકના મોંઢા ઉપર જ્વલશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી ચહેળો સળગાવી દીધો હતો.

યુવતી કોલેજમાં અભ્યાસ કરતી, આરોપી ધોરણ 10 નાપાસ
યુવતી દાહોદની કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતી હતી. જ્યારે આરોપી મેહુલ ધોરણ. 10 નાપાસ છે. મેહુલ સાપ પકડીને રેસ્ક્યુ કરવાનો જાણકાર છે. ત્યારે મૃતકને પણ આ કામગીરીમા રુચિ હોવાથી આ પ્રવૃતિઓ દરમિયાન બંન્ને એક બીજાના પરિચયમાં આવ્યાં હતા અને એક વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ છેલ્લા બે ત્રણ માસથી યુવતી મેહુલ સાથે બ્રેક અપ કરવાની કોશિશમાં હતી.

જ્યારે મેહુલ તેને ગુમાવવા માગતો ન હતો. જેથી છેવટે મારી નહીં તો કોઈની નહીં જેવો ઘાતક નિર્ણય કરી મેહુલે પોતાની જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થયો છે.પોલીસે આરોપી મેહુલ અને હત્યામાં મદદ કરનારા કાયદાથી સંઘર્ષિત બે કિશોરોને આ મામલે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page