Only Gujarat

National TOP STORIES

લોકડાઉન-4માં ઈ-કોમર્સ કંપનીઓને કયા-કયા વિસ્તારમાં મળી છૂટ, આ વિસ્તારમાં નહીં કરે ડિલિવરી

નવી દિલ્હી: કોરોના વાઈરસની અસરને વધતી અટકાવવા માટે લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું. કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર, ઈ-કોમર્સ કંપનીઓ જરૂરી અને બિનજરૂરી સામાન કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ સ્થળોએ ડિલીવર કરી શકે છે. તેમાં રેડ ઝોન પણ સામેલ છે. એટલે કે ઈ-કોમર્સ કંપનીઓ ત્રણેય ઝોન (રેડ, ઓરેન્જ અને ગ્રીન)માં બિનજરૂરી વસ્તુઓની ડિલિવરી કરી શકશે.

રેડ ઝોનમાં સ્માર્ટફોન, ટીવીની ડિલિવરી પણ થશે
હવે રેડ ઝોનના લોકો પણ સ્માર્ટફોન, કપડા, પુસ્તકો, શૂઝ, ઘડિયાળ અને અન્ય સામાનનો ઓર્ડર આપી શકશે. આ અગાઉ લૉકડાઉનના ત્રીજા તબક્કામાં ઈ-કોમર્સ કંપનીઓ બિનજરૂરી સામાન માત્ર ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ડિલિવરી કરી શકે તેમ હતું.

ત્રણેય ઝોનમાં સ્નેપડીલ કરશે ડિલિવરી
સ્નેપડીલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જરૂરી સામાનની સાથે બિનજરૂરી વસ્તુઓ પણ વેચી શકશે. કંપનીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને માનતા અમે કન્ટેનમેન્ટ ઝોનને છોડી અન્ય તમામ ઝોનમાં બિનજરૂરી વસ્તુઓની ડિલિવરી શરૂ કરી રહ્યાં છીએ.

કન્ટેનમેન્ટ ઝોનમાં ઓનલાઈન વેચાણ હજુપણ પ્રતિબંધિત
સમગ્ર દેશમાં કન્ટેનમેન્ટ ઝોનમાં ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ છે. અહીં જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓની મંજૂરી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવશે. મેડિકલ અને જરૂરી વસ્તુઓ સિવાય લોકોને આવવા-જવાની મંજૂરી નહીં મળે.

કેન્દ્રએ પોતાના આદેશમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર ઈચ્છે તો કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ ઝોનમાં સલૂન ખોલવાની મંજૂરી પણ આપી શકે છે.

You cannot copy content of this page