Only Gujarat

Gujarat

સુરતના ફીટ દાદી, આટલા વાગ્યે ઉઠે છે અને આટલા વાગ્યે સૂવે છે, જાણીને નહીં થાય વિશ્વાસ

સર્વે સન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા એવુ આપણા શાસ્ત્રો કહે છે. ગુજરાતીમાં પણ પહેલુ સુખ તે જાતે નર્યા એવી કહેવત છે. પુરાણોથી માણસના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી છે. ત્યારે નિરોગી રહેવા માટે કસરત આવશ્યક છે. ખાસ કરીને જ્યારે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે ત્યારે સ્વાસ્થ્યપ્રેમીઓ વહેલી સવારથી જ કસરત માટે નીકળી પડે છે જો કે જેટલા નીકળે છે તેનાથી અનેકગણામાં પથારીમાં જ પડયા હોય છે ત્યારે ૮૦ વર્ષના એક દાદીમા આવા લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે.

સિંગણપોરમાં મોતિ પેલેસ સોસાયટી ખાતે રહેતા ૮૦ વર્ષના ગોદાવરીબેન શામજીભાઇ કાકલોતર છેલ્લા ૧૫ વર્ષથી નિયમિતપણે ઘરેથી એક કિલોમીટર દૂર વિયર કોઝવે પાસેના પ્રેમાનંદ ગાર્ડન સુધી ચાલતા ચાલતા આવે છે. ગાર્ડનમાં એક ચક્કર લગાવી થોડો આરામ કર્યા બાદ ફરી ઘર તરફ ડગ માંડે છે. ગાર્ડનના ગેટ પાસે આવીને પહેલા તાપી મૈયાને પ્રણામ કરે છે બાદમાં ગાર્ડનમાં પ્રવેશ કરી બે હાથ જોડીને પ્રકૃતિને પણ વંદન કરે છે અને તેમના મુખમાંથી દૈનિક તેમના માટે શ્લોક સમાન શબ્દો સંભળાય છે.

” હે તાપી મારી માં.. ભોળાનાથ.. હે રાજા દાદા.. મોરારીબાપુ..માંગલ માં….અમર માં.. કુળની દેવી ભમોદ્રાવાળી માં.. શામજીદાદા.. બગદાણાવાળા બાપા… ઘોબાવાળા પીરદાદા.. મંદિરવાળા હનુમાન દાદા બધાની રક્ષા કરો..” આ શબ્દો ઉચ્ચારીને ગાર્ડનમાં ચક્કર લગાવાનું શરૃ કરે છે. બાદમાં હાથની કસરત પણ કરે છે. અને પછી ધીમે ડગલે ઘરે રવાના થાય છે. ગોદાવરીબેને કહ્યુ કે વર્ષોથી ડાયાબિટીશની બિમારી છે પણ ચાલવાથી ખુબ રાહત છે. ચાલવાના કારણે શરીર અકડાતુ નથી. હું તો કહુ બધાએ હાલવુ જોઇએ અને રોજ હાલવુ જોઇએ. તેનાથી ખુબ ફાયદા છે.

ચાલવાના સુચન સાથે ગોદાવરીબેને રાત્રે ઓછુ ખાવાનું સુચન કરતા કહ્યુ કે દરેકે રાત્રે ઓછુ જમવુ જોઇએ કેમ કે જમીને સુઇ જવાના હોવાથી ખાધેલુ બરાબર પચતુ નથી તેથી પેટ વધવા સાથે બીજી બિમારીઓ પણ થઇ શકે એટલે બને ત્યાં સુધી રાત્રે ઓછુ ખવાય એ સારૃ. ગોદાવરીબેનને કોઇ પ્રકારનું વ્યસન નથી.

ડાયાબિટીશ સિવાય કોઇ બિમારી પણ નથી. દરરોજ સવારે સાત વાગ્યે જાગી જાય અને રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં સુઇ જવાનો આગ્રહ રાખે છે. જો સુખી રહેવુ હોય તો માણસે ચાલવુ જોઇએ અને કસરત કરવી જોઇએ એવુ તેમનું દ્રઢપણે માનવુ છે જેના કારણમાં તેમણે કહ્યુ કે કસરતથી શારીરિક સાથે માનસિક ફાયદો પણ થાય છે.

You cannot copy content of this page