Only Gujarat

FEATURED Sports

સિડનીમાં ઘુંટણીયે પડીને ગોરી યુવતીને પ્રપોઝ કરનાર છે પાક્કો ગુજરાતી!

અમદાવાદઃ થોડાં દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયા તથા ભારત વચ્ચે વન ડે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતની હાર થઈ હતી પરંતુ સિડનીમાં રમાયેલી આ મેચ અન્ય એક કારણને લીધે ચર્ચામાં રહી હતી. આ મેચમાં એક ગુજરાતી છોકરાએ ઓસ્ટ્રેલિયન યુવતીને પ્રપોઝ કર્યું હતું અને તે યુવતીએ હા પાડી હતી. 

આ ગુજરાતી છોકરાનું નામ દીપેન માંડિલયા છે. તે બેંગલુરુમાં મેનેજમેન્ટનું ભણ્યો છે અને પછી તેણે સિડનીમાં એવિયેશન એન્ડ મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટમાં કોર્સ કર્યો. હાલમાં દીપેન ઓસ્ટ્રેલિયન એરલાઈન જેટસ્ટારમાં પ્રોજેક્ટ એનાલિસ્ટ તરીકે કામ કરે છે. દીપેન અને તેની પ્રેમિકા રોઝિલી વિમ્બશ મેલબર્નમાં રહે છે. 

દીપેન તથા રોઝલી વચ્ચે છેલ્લાં દોઢેક વર્ષથી સંબંધ છે. સ્ટેડિયમમાં વિશ્વની સામે પ્રપોઝ કરવા અંગે દીપને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે એક સારી તકની રાહમાં હતો અને તેને મેચ દરમિયાન લાગ્યું કે આ જ યોગ્ય તક છે અને તેણે પ્રપોઝ કર્યું હતું. 

કેવી રીતે થઈ એકબીજાને ઓળખતા થયા? 2018માં દીપેન સિડનીમાંથી મેલબર્ન રહેવા આવ્યો હતો. અહીંયા જે અપાર્ટમેન્ટમાં રહેતો ત્યાં પહેલા જે લોકો રહેતા તેની ટપાલ આવતી હતી. દીપેન જેના નામની ટપાલ હોય તેનો સંપર્ક કરીને ટપાલ આપતો. તે જે અપાર્ટમેન્ટમાં રહેતો ત્યાં પહેલાં રોઝિલી રહેતી હતી. તેની કોઈક પોસ્ટ આવી હતી. દીપેને સોશિયલ મીડિયાના માધ્યમથી રોઝિલીનો સંપર્ક કર્યો અને તેને ટપાલ અંગે વાત કરી હતી.

પહેલી મુલાકાતમાં નર્વસ હતોઃ દીપેન જ્યારે પહેલી જ વાર રોઝિલીને મળ્યો ત્યારે ઘણો જ નર્વસ હતો અને આ મુલાકાત ક્ષણમાં જ પૂરી થઈ ગઈ હતી. બીજીવાર જ્યારે આ રીતે ટપાલ આવી તો દીપેન ફરીવાર રોઝિલીને મળવા ગયો હતો. આ સમયે રોઝિલીએ કોફી ઓફર કરી હતી અને માત્ર 10 મિનિટ માટે નક્કી થયેલી મુલાકાત બે કલાક સુધી ચાલી હતી. તેમણે ક્રિકેટથી લઈ વિવિધ મુદ્દા પર વાત કરી હતી. 

પછી મુલાકાતો વધતી ચાલીઃ આ કોફી ડેટ પછી રોઝિલી અને દીપેનની મુલાકાત દિવસે દિવસે વધતી ગઈ હતી. બંનેની સંસ્કૃતિ અલગ છે પરંતુ બંને એકબીજાને ઘણો જ પ્રેમ કરે છે. 

ક્રિકેટની વાત પર બંનેના રસ્તા અલગઃ દીપેન માને છે કે જ્યારે ઓસ્ટ્રેલિયા તથા ભારતની મેચ હોય ત્યારે તે અને રોઝિલી પોત-પોતાના દેશની ટીમને સપોર્ટ કરે છે. જોકે, જ્યારે તેના પોતાના બાળકો થશે ત્યારે તેઓ ભારતને સપોર્ટ કરે તે માટે તે પોતાનાથી શક્ય તેટલા પ્રયાસો કરશે. 

 

You cannot copy content of this page