Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે માવઠાને એંધાણ

અમદાવાદ: ગુજરાતમાં સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નીચે નોંધાયું છે. ત્યારે હવે ફરીવાર માવઠાની આફતના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આગામી 2થી 3 જાન્યુઆરીની આસપાસ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થશે, જેનો ટ્રફ હિમાલયથી ગુજરાત સહિત ત્રણ રાજ્યોથી અરબ સાગર સુધી લંબાવાય તેવી સંભાવના છે જેના કારણે આગામી 25 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. મહત્વની વાત એ છે કે, ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો સિંગલ આંકડામાં પહોંચી તેવી સંભાવના છે.

જાન્યુઆરીના શરુઆતના દિવસોમાં માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે પરંતુ આગામી 25 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો જોવા મળશે તેવી સંભાવના છે. રવિવારે પણ નલિયા 8.4 ડીગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું.

હાલ ગુજરાતમાં ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ 2 દિવસ ઠંડી રહેશે.ત્યાર બાદ સોમ અને મંગળવારે અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળશે. પરંતુ બાદમાં ઠંડી સતત વધતી જોવા મળશે. ખાસ કરીને ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી મહિનામાં આકરી ઠંડી પડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો અચાનક વધતા લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતીઓ ઠંડીથી બચવા ગરમ સ્વેટર અને મફલર પહેરી રહ્યા છે. વહેલી સવારે બગીચાઓમાં લોકો કસરત અને વોકિંગની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગે છેલ્લા 10 વર્ષના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિનામાં લધુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જાય છે. હવામાન ખાતાના આંકડા પ્રમાણે શહેરમાં 22મી ડિસેમ્બર પછી ઠંડીનું જોર વધે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું હતું કે, નલિયાનું તાપમાન સૌથી નીચું નોંધાયું છે. આગામી 48 કલાક નલિયામાં કોલ્ડ વેવ રહેશે અને રાજ્યના અન્ય શહેરો પણ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. એટલે કે આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે અને બે દિવસ બાદ તાપમાનમાં ઊંચું નોંધાશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં કોલ્ડવેવ રહેશે. રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલું જ નહીં, આગામી બે દિવસ પછી રાજ્યનું તાપમાન ઉંચકાશે. જેના કારણે ઠંડીમાં નજીવો ઘટાડો થશે. રાજ્યમાં કમોસમી વરસાદ પછી છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર વધ્યું છે.

You cannot copy content of this page