Only Gujarat

National

જીજા-સાળી અડધી રાત્રે સુમસામ જગ્યાએ એકલા મળ્યા, 110 દિવસ પછી થયો ખોફનાક ખુલાસો

ક્રાઈમની દુનિયામાં ક્યારેક માની ન શકાય એવી ઘટના બનતી હોય છે. દેશની સૌથી રહસ્યમયી એક મર્ડર મિસ્ટ્રીએ આખા પોલીસ તંત્રને હચમચાવી દીધું હતું. કેમ કે ભોગ બનનાર ખુદ પોલીસ કોન્સ્ટેબલ હતો. આ પોલીસ કોન્સ્ટેબલ સામાન્ય જિંદગી જીવી રહ્યો હતો, પણ એક દિવસ તે પોતાના ઘરેથી નીકળ્યો પછી ક્યારેય પાછો નહોતો ફરી શક્યો. પોલીસ કોન્સ્ટેબલને શોધવા માટે પરિવારથી લઈને ડિપાર્ટમેન્ટે પૂરી તાકાત લગાવી દીધી હતી. શરૂઆતના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. ઘટનાને ચાર મહિના ગુજરી ગયા. અને એક દિવસ ગાયબ પોલીસ જવાનના સુરાગ મળ્યા. પણ જીવતા માણસની જગ્યાએ એક સૂમસામ કિલ્લામાં કંકાલની હાલતમાં. આ ઘટનાના કેન્દ્રમાં હતી પોલીસ કોન્સ્ટેબલની 19 વર્ષની સાળી. જેણે ફક્તે તેના જીજાજીનું ઘર જ નહોતું ભાંગ્યું, પણ બોયફ્રેન્ડ સાથે મળીને ખતરનાક હત્યાને અંજામ આપ્યો હતો. જીજાજી સાથે શારીરિક સંબંધ બાંધી ચૂકેલી સાળીએ પોતાની ખુશી માટે જીજાજીને જ રસ્તામાંથી હટાવી દીધા હતા. આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવામાં પોલીસને નાકે દમ આવી ગયો હતો. તો આવો જાણીએ મર્ડર મિસ્ટ્રીની સિલસિલાબંધ વિગતો….

આ રહસ્યમયી અને હચમચાવી દેતો બનાવ રાજસ્થાનના બુંદી શહેરનો છે. આજથી બે વર્ષ પહેલાં અભિષેક શર્મા નામનો પોલીસ કોન્સ્ટેબલ બુંદી પોલીસ લાઈન પર ડ્યુટીમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. બીજા દિવસ બપોર પસાર થયો અને સાંજ પડી છતાં અભિષેક ઘરે ન આવ્યો. પરિવારજનને ચિંતા થવા લાગી. એટલે અભિષેકના મોબાઈલ પર કોલ કરવાના શરૂ કર્યા, પણ ફોન સતત બંધ આવતો હતો. એટલે ઘરના લોકોએ અભિષેકની ઓફિસ, દોસ્ત અને સંબંધીઓને કોલ કરીને વાત કરી. શોધખોળ ચાલતી હતી કે એક દોસ્તે જણાવ્યું કે અભિષેક રાત્રે પોલીસ લાઈનમાં ડ્યુટી પર આવ્યો જ નથી. આ સાંભળીને અભિષેકના માતા-પિતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. અભિષેકને શોધવાનો સિલસિલો એક સપ્તાહ સુધી ચાલ્યો.

પરિવારજનોએ નોંધાવી ગુમની ફરિયાદ
અંતે થાકી હારીને પરિવારજનોએ બુંદી પોલીસ સ્ટેશનમાં અભિષેક ગુમ થયાની ફરિયાદ નોંધાવી. જોકે અભિષેક પોતે ડિપાર્ટમેન્ટમાં હોવાથી પરિવારની સાથે પોલીસના સાથીઓએ પણ સતત અલગ અલગ જગ્યાએ શોધખોળ ચાલુ કરી દીધી. જોકે એક અઠવાડિયું વીતી જવા છતાં અભિષેકની કોઈ ભાળ મળી નહોતી. તપાસમાં એ બહાર આવ્યું હતું કે એ રાત્રે ભલે અભિષેક પોલીસ લાઈન ન પહોંચ્યો હોય પણ સાડા બાર વાગ્યા સુધી તેનો ફોન એક્ટિવ હતો. પણ ત્યાર પછી રહસ્યમય રીતે તેનો ફોન સ્વિચ્ડ ઓફ થઈ ગયો હતો. પછી તે ફોન ક્યારે ઓન થયો નહોતો.

લાસ્ટ લોકેશન વિજયગઢ કિલ્લાનું દેખાડતું હતું
પોલીસે જ્યારે કોલ ડિટેલ રેકોર્ડ તપાસ્યો તો કેસમાં નવી દિશા મળી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે અભિષેક પોતાની બાઈકથી બુદી પોલીસ લાઈનની જગ્યાએ 136 કિલોમિટર દૂર સવાઈ માધોપુરના બાઉલી ગામમાં ગયો હતો. તેનું છેલ્લું લોકેશન પણ એ જગ્યાનું દેખાડતું હતું. એ પણ કોઈ ભીડભાડ કે રહેણાંક વિસ્તાની જગ્યાએ વિજયગઢ કિલ્લામાં દેખાડતું હતું. છેલ્લા લોકેશનનો સમય સાડા બાર વાગ્યાનો હતો, ત્યાર પછી ફોન બંધ થયો હતો.

શું પત્નીને મળવા ગયો હતો અભિષેક?
છેલ્લું લોકેશન વિજયગઢ કિલ્લાનું આવતાં પોલીસે ફરી પરીવારજનોની પૂછપરછ શરૂ કરી . પોલીસને એ જાણવું હતું કે સવાઈ માધોપુર કે વિજયગઢ કિલ્લા સાથે અભિષેકને શું સંબંધ છે? શું તેનો કોઈ દોસ્ત કે સંબંધી ત્યાં રહે છે? આ પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અભિષેકના લગ્ન સવાઈ માધોપુરના જરવાડા ગામમાં રહેતી દિવ્યા પાઠક નામની યુવતી સાથે થયા હતા. પોલીસ એ જાણવા માંગતી હતી કે શું અભિષેક તે રાત્રે તેના સાસરિયાવાળાને મળવા તો નહોતો ગયો ને? કેમ કે પરિવારજનોના કહેવા મુજબ અભિષેક અને દિવ્યાના સંબંધમાં તણાવ હતો. આથી પોલીસે પારીવારિક અણબનાવના એંગલ પર તપાસ શરૂ કરી હતી.

પત્નીએ કોર્ટમાં ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો હતો
અભિષેક અને દિવ્યા વચ્ચેના ઝગડો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. પોલીસ સામે સવાલ એ હતો કે પતિ-પત્ની વચ્ચેનો ઝગડો આ હદ સુધી કેવી રીતે પહોંચ્યો? અને ત્યારે પોલીસ સામે નવો એંગલ આવ્યો. પૂછપરછમાં એ વાત સામે આવી કે અભિષેકને દિવ્યાની મામાની દીકરી એટલે સાળી શ્યામા શર્મા સાથે સંબંધ હતા. અભિષેક અને માત્ર 19વર્ષની શ્યામા શર્માવચ્ચેના સંબંધની ખબર પડતાં દિવ્યા તેને પચાવી નહોતી શકી અને બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા. બંનેના પરિવારના સમજાવવા થતાં કોઈ સુખદ પરિણામ આવ્યું નહોતું. અંતે દિવ્યાએ પિયર આવીને કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ કરી દીધી હતી.

વિજયગઢ કિલ્લાની નજીક હતું અભિષેકની સાળીનું ઘર
હવે તપાસ અભિષેકની સાળી શ્યામા પર કેન્દ્રીત થઈ હતી. જ્યારે પોલીસે વધુ તપાસ આદરી તો બહાર આવયું કે અભિષેકની સાળી શ્યામા બઉલી ગામની રહેવાશી છે, જે ગામ વિજયગઢથી એકદમ નજીક છે. આથી પોલીસની શંકાની સોઈ જીજા-સાળીના સંબંધ પર આવીને અટકી ગઈ હતી

પોલસીને સાળી પર ગઈ શંકા
અભિષેકને ગાયબ થઈ ગયાને ચા મહિના વિતી ગયા હતા. પોલીસના હાથ હજી ખાલી હતા. પણ પોલીસની દિશા સાચી હતી. સાળીનું નામ અને તસવીર સામે આવતાં જ પોલીસની શંકા દ્રઢ બની હતી. શંકાને હકીકતમાં ફેરવવા માટે પોલીસે શ્યામાની કોલ ડિટેલ સામે આવવાની રાહ જોઈ અને જ્યારે શ્યામાની કોલ ડિટેલ સામે આવી તો એ સ્પષ્ટ થઈ ગયું હતું કે અભિષેકના મર્ડરમાં ક્યાંક ને ક્યાંક તેનું કનેક્શન જોડાયેલું છે. પણ શ્યામા નંબરમાં એક નંબર જોઈને પોલીસ ચોકી હતી, કેમ કે એ નંબર સાથે શ્યામની સતત લાંબી વાતો થતી હતી.

એક જ હતું જીજા-સાળીનું લાસ્ટ મોબાઈલ લોકેશન
કોલ રેકોર્ડમાં એ વાત સામે આવી કે અભિષેકની સૌથી વધુ વાત પત્ની દિવ્યા નહીં પણ સાળી શ્યામા સાથે થતી હતી. બીજી તરફ શ્યામાના કોલ રેકોર્ડમાં એક નંબર અસંખ્ય વાર દેખાડતો હતો એ નંબર સવાઈ માધોપુરમાં રહેતા 21 વર્ષીય નાવેદ રંગરેજ નામના યુવાનનો હતો. આમ શ્યામ એક સાથે જીજાજી અને બોયફ્રેન્ડ બંને સાથે ચક્કર ચલાવતી હતી. પોલીસની આંખો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે કોલ રેકોર્ડમાં એ સામે આવ્યું કે અભિષેકનું લાસ્ટ લોકેશન અને શ્યામા અને નાવેદનું લોકેશન પણ એક જ જગ્યા વિજયગઢ કિલ્લાનું હતું.

કડક પૂછપરછમાં બંનેએ મમરા વેરી નાખ્યા
પોલીસે થોડી પણ રાહ જોયા વગર શ્યામા અને તેના બોયફ્રેન્ડ નવેદને હિરાસતમાાં લઈને પૂછપરછ શરૂ કરી. પહેલાં તો બંનેએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જ્યારે પોલીસે ત્રણેયના લોકેશન સામે રાખી કડક પૂછપરછ કરતાં બંને ભાંગી પડ્યા હતા. શ્યામા અને નાવેદ પાસે સચ્ચાઈ કબૂલવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નહોતો. અંતે બંનેએ સ્વિકારી લીધું હતું કે તેમણે સાથે મળીને એ રાત્રે અભિષેકને રહેંસી નાખ્યો હતો.

અભિષેકની હત્યા થઈ છે તો લાશ ક્યા?
હવે સવાલ એ હતો કે અભિષેકની હત્યા થઈ છે તો તેની લાશ ક્યા છે? પૂછપરછમાં શ્યામા અને નાવેદે પોલીસને જણાવ્યું હતું કે તેમણે અભિષેકને માર્યા પછી તેની લાશ એ જ વિજયગઢ કિલ્લામાં દફનાવી દીધી હતી. પણ લાશને દફનાવતા પહેલાં તેના કપડાં કાઢી લીધા હતા, અને તેને નજીકની સૂમસામ જગ્યાએ ફેંકી દીધા હતા. એટલું જ નહીં અભિષેકની બાઈકને દૂર લઈ જઈને કૂવામાં ફેંકી દીધી હતી. હત્યારોએ પુરાવાઓનો નાશ કરવાનો તમામ પ્રયત્નો કર્યા હતા.

લાશ કંકાલ બની ગઈ હતી
ગુનો કબૂલી લીધા બાદ પોલીસ શ્યામા અને નાવેદને ક્રાઈમ સ્થળે લઈ ગઈ હતી. જ્યાં તેમની સૂચના મૂજબ ખોદકામ કરતાં અભિષેકની લાશ મળી હતી. પોલીસને આ લાશ પૂરા 110 દિવસ પછી મળી હતી. એટલા માટે લાશ પણ કંકાલ બની ગઈ હતી. જેથી અંદાજો લગાવવો પણ મુશ્કેલ હતો કે લાશ અભિષેકની જ છે ને. જોકે પીએમ બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે લાશ રાજસ્થાનના પોલીસ કોન્સ્ટેબલ અભિષેક શર્માની જ છે .

જીજા-સાળીના સંબંધથી પરેશાન હતી દિવ્યા
કેસ ઉકલી ગયો હતો, લાશ મળી ચૂકી હતી. તમામ પુરાવાઓ પાસે હતા, છતાં પોલીસને એક કડી એ મેળવવાની બાકી હતી કે શ્યામા અને નાવેદે અભિષેકની હત્યા કેમ કરી? તેના કારણની શરૂઆત અભિષેકના જીવનમાં શ્યામાના આવવાથી થઈ હતી. સવાઈ માધોપુરમાં રહેતી શ્યામા પહેલી વાર પોતાના મામાની દીકરી બહેન દિવ્યાના ઘરે બુંદી ગઈ હતી. ત્યારે તે અભિષેકના ઘરે અંદાજે 20-25 દિવસ રોકાઈ હતી. અહીં શ્યામા અને અભિષેક નજીક આવ્યા હતા અને સાળી-જીજા વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. આની ખબર દિવ્યાને પડતાં જ હંગામો મચ્યો હતો. ઘરનો માહોલ બગડતાં શ્યામા પાછી તેના ઘર સવાઈ માધોપુર આવી ગઈ હતી. પણ પછી દિવ્યા અને અભિષેક વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય બની શક્યા નહોતા અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી.

જીજાજી અને બોયફ્રેન્ડ એક સાથે બે લોકો સાથે શ્યામાએ ચલાવ્યું ચક્કર
શ્યામા ખુલ્લા મનવાળી યુવતી હતી. તે સ્કૂલમાં ભણવામાં ખૂબ હોશિયાર હતી, તે 12માં ધોરણમાં 75 ટકા માર્ક લાવી હતી. જોકે તેના માથે પિતાના છાયો નહોતો, માતા આંગણવાડીમાં કામ કરતી હતી. એટલા માટે તેને રોકવા કે ટોકવાવાળું કોઈ નહોતું. અને જિંદગી પોતાની મરજીથી જવવાનું શરૂ કરી દીધું હતું. શ્યામાના ન તો ફક્ત તેના જીજાજી સાથે રિલેશન હતા, પણ તેણે સાથે બોયફ્રેન્ડ પણ બનાવી લીધો હતો. પોલીસે જ્યારે શ્યામાને પૂછ્યું કે તે તેના જીજાજીને પ્રેમ કરતી હતી તો કેમ તેની હત્યા કરી? તો શ્યામાએ કહ્યું હતું કે તે અભિષેકથી અલગ થઈને નાવેદ સાથે જિંદગી આગળ વધારવા માંગતી હતી. પણ અભિષેક શ્યામાને છોડવા માંગતો નહોતો. અભિષેક તેના પર વધુ પડતો જ હાવી થવા લાગ્યો હતો, પોલીસની વર્દીનો ખૌફ દેખાડી ધમકી પણ આપતો હતો. બંને વચ્ચે ઉંમરમાં પણ 10-12 વર્ષનો ફર્ક હતો. આવી સ્થિતિમાં જો શ્યામાએ નાવેદ સાથે રહેવું હોય તો અભિષેકને રસ્તામાંથી દૂર કરવો જરૂરી હતો. અંતે બંનેએ સાથે મળી અભિષેકને હટાવવાનો ખોફનાક ષડયંત્રને અંજામ આપ્યો હતો.

આવી રીતે કરી અભિષેકની હત્યા
શ્યામાએ ફોન કરી અભિષેકને વિજયગઢ કિલ્લામાં એકલો મળવા બોલાવ્યો હતો. અભિષેકને પણ લાગ્યું કે તેની ડૂબતી નાવડીને શ્યામાનો સહારો મળી જશે. તે ઘરે ડ્યુટી પર પોલીસ લાઈન જવાની વાત કરીને પોતાની બાઈક લઈને સવાઈ માધોપુર જવા નીકળી ગયો હતો. બંનેએ સાથે મળીને ડિનર કર્યું. આ દરમિયાન નાવેદ પણ ત્યાં આવી ગયો. શ્યામાએ દોસ્તાના અંદાજમાં નાવેદનો પરીચય અભિષેક સાથે કરાવ્યો. પછી ત્રણેય અંધારા વિજયગઢ કિલ્લામાં ફરવા જવાનું નક્કી કર્યું. જીજાજી અભિષેકને જરાય અંદાજ નહોતો કે તે તેની સાળીએ બિછાવેલી ટ્રેપમાં ફસાઈ ગયો છે. બે અલગ અલગ બાઈકમાં સવાર થઈને ત્રણેય વિજયગઢ કિલ્લામાં પહોંચ્યા. કિલ્લાની અંદર જતાં જ પ્લાનિંગ મુજબ નાવેદે લોખંડના રોડથી અભિષેક પર પાછળથી વાર કર્યો હતો. અભિષેક ત્યાં જ બેહોશ થઈને ઢળી પડ્યો હતો. ત્યાર બાદ શ્યામા અને નાવેદે અભિષેકે પણ અસંખ્ય વાર કર્યા હતા અને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.

આ રીતે મિટાવ્યા પુરાવા
હત્યા થઈ ચૂકી હતી, હવે વારો હતો પુરાવા મિટાવવાનો. બંનેએ સૌથી પહેલા તેના મોબાઈલ ફોનને સ્વિચ્ડ ઓફ કરી નાખ્યો હતો. કપડાં ઉતારીને જંગલમાં ફેંકી દીધા હતા. બાઈકને લઈ જઈને કૂવામાં ફેંકી દીધી હતી. એ જ વિજય ગઢ કિલ્લામાં ખાડો ખોદીને અભિષેકની લાશને દફનાવી દીધી હતી. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર નાવેદના ઘરેથી જપ્ત કર્યા હતા. પણ જૂની કહેવત છે કે હત્યારો કેટલો પણ શાતિર કેમ ન હોય પણ કોઈ ને કોઈ પુરાવો છોડી જ જાય છે. શ્યામા અને નવેદની મોબાઈલ લોકેશને તેમના ખૂની ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.

You cannot copy content of this page