Only Gujarat

Bollywood FEATURED

એક સમયે જામનગરની ગલીઓમાં રખડતો રમેશ ગોપી આ રીતે બન્યો રેમો ડિસોઝા

મુંબઈઃ 46 વર્ષીય રેમો ડિસોઝાને બે વર્ષ પહેલાં હાર્ટ અટેક આવ્યો હતો. હાર્ટ અટેક આવતા જ રેમોને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીંયા રેમો પર એન્જિયોપ્લાસ્ટી કરીને બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રેમોને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. રેમોની તબિયત સુધારા પર છે. રેમોની તબિયતના સમાચાર સામે આવતા જ ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સે જલદીથી સાજા થવાની પ્રાર્થના કરી હતી. જોકે, રેમોનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. એક સમયે રેમો જામનગરની ગલીઓમાં રખડતો હતો અને આજે તે લોકપ્રિય કોરિયોગ્રાફર તથા ડિરેક્ટર છે. એક સમયનો રમશે કેવી રીતે રેમો બન્યો તે ઘણું જ રસપ્રદ તથા પ્રેરણાત્મક છે. 

બેંગલુરુમાં જન્મઃ રેમો ડિસોઝાનો જન્મ 2 એપ્રિલ, 1972ના રોજ કર્ણાટકના બેંગ્લુરુમાં થયો છે. પિતાનું નામ ગોપી નાયર તથા માતા માધવી યમ્મા હતું. રેમોના પિતા એરફોર્સમાં શૅફ હતાં. રેમોને મોટા ભાઈ ગણેશ ગોપી તથા ચાર બહેનો છે. પરિવારમાં આઠ-આઠ લોકો અને કમાનાર માત્ર એક જ વ્યક્તિ હતા. રેમોનો પરિવાર મૂળ કેરળનો છે. 

જામનગરમાં અભ્યાસઃ રેમોના પિતાની બદલી જામનગરમાં થઈ હતી. અહીંયા જ તેઓ લાંબો સમય રહ્યાં હતાં. રેમોએ જામનગરની એરફોર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. જોકે, રેમોને ક્યારેય ભણવામાં રસ નહોતો. તેને એથલિટ બનવું હતું. 100 મીટરની દોડમાં રેમો હંમેશાં અવ્વલ આવતો હતો. આ ઉપરાંત રેમોને જામનગરમાં ચર્ચ, વાડી તથા લાઈબ્રેરી ઘણી જ પસંદ હતી. રેમોએ પિતાના કહેવાથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. તે રમેશમાંથી રેમો બની ગયો. 

પરિવારને મદદ કરવા નાની ઉંમરથી કામ શરૂ કર્યું: પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ તંગ રહેતી હતી. આથી જ રેમોએ નાની ઉંમરમાં જ કામ કરવાની શરૂઆત કરી હતી. રેમો જામનગરમાં કરિયાણાની દુકાન, બેકરી કે પછી સાયકલ રિપેરિંગની દુકાનમાં કામ કરતો હતો. નાની ઉંમરમાં જ રેમો ઘણો જ સમજદાર બની ગયો હતો. જોકે, આ સમજદારી થોડો સમય પૂરતી જ રહી હતી.

પોલીસ ચોપડે નામ નોંધાયું હતું: કહેવાય છે ને કે જેવો સંગ તેવો રંગ. બસ એ જ રીતે રેમોની મિત્રતા કેટલાંક ખરાબ લોકો સાથે થઈ ગઈ હતી. આ જ કારણે રેમો જામનગરની ગલીઓમાં તોફાનો કરવામાં પાવરધો બની ગયો હતો. આ જ કારણે રેમોનું નામ પોલીસ ચોપડે પણ નોંધાયું હતું. રેમોને નાનપણથી ડાન્સમાં રસ હતો. જોકે, તેના માતા-પિતા પાસે એટલા પૈસા નહોતા કે તેને ડાન્સ ક્લાસમાં મોકલી શકે.

ટીવી પરથી શીખ્યો ડાન્સઃ રેમોના ઘરમાં ટીવી પણ નહોતું કે તે ટીવી પરથી ડાન્સ શીખી શકે. જોકે, એકવાર રેમોએ માઈકલ જેક્સનનો વીડિયો જોયો હતો. આ વીડિયો જોયા બાદ રેમો પોપ સ્ટારનો દિવાનો થઈ ગયો હતો. બસ તેની અંદર એક જ ઈચ્છા હતી કે તે ડાન્સમાં કંઈક કરે. રેમોએ માઈકલ જેક્સનને પોતાના ગુરુ માની લીધા હતા. તે માઈકલ જેક્સનને જોઈને ડાન્સ શીખતો હતો. રેમોએ ડાન્સમાં કોઈ જ પ્રકારની ટ્રેનિંગ લીધી નથી. 

આ રીતે આવ્યો મુંબઈઃ રેમો જ્યારે 12મા ધોરણમાં હતો ત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હતો. આ સમયે તેના એક મિત્રે તેને એક જાહેરાત અંગે વાત કરી. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે એક કંપનીને મુંબઈમાં એક્ટર્સની જરૂર છે. આ જાહેરાત જોઈને રેમોએ એક પત્ર લખ્યો હતો અને અઠવાડિયા બાદ આ પત્રનો જવાબ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તે એક્ટર બની શકે છે. રેમોએ 12મુ ધોરણ અધવચ્ચે મુકીને મુંબઈની વાટ પકડી હતી. 

માત્ર 2600 રૂપિયા લઈને ગયો મુંબઈઃ રેમોએ પોતાના માતા-પિતાને મુંબઈ જવાની વાત કરી હતી. તેમણે રેમોને 2600 રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે જો તે એક મહિનાની અંદર કંઈ ના કરી શકે તો તે જામનગર પરત આવી જાય. રેમો મુંબઈ જતો રહ્યો. 

મુંબઈની કંપની ફ્રોડ નીકળીઃ રેમોએ 12માની પરીક્ષા આપ્યા વગર જ મુંબઈ જતો રહ્યો. તે અહીંયા આવીને પેલી કંપનીમાં ગયો. આ કંપનીએ રેમો પાસે જેટલા પૈસા હતા એટલા તમામ લઈ લીધા. ત્યારબાદ તેને આવતા અઠવાડિયે બોલાવ્યો. જોકે, જ્યારે રેમો ગયો તો તે કંપની ત્યાં હતી જ નહીં. આ રીતે રેમો સાથે છેતરપીંડી કરવામાં આવી હતી. આ વાતથી રેમોને ઘણો જ ગુસ્સો આવ્યો હતો અને તેણે સોગન લીધા કે તે જ્યાં સુધી કંઈક બની ના જાય ત્યાં સુધી તે અહીંયા જ રહેશે.  એક સમય એવો પણ હતો રેમો બે દિવસ રેલવ સ્ટેશન પર કંઈ જ ખાધા પીધા વગર રહ્યો હતો.

એક પરિવારે મદદ કરીઃ તે સમયે રેમો પાસે ના પૈસા હતા અને ના કોઈ કામ. જોકે, એક પરિવારે રેમોને મદદ કરી અને બદલામાં કંઈ જ ના માગ્યું. ત્યારબાદ રેમોએ ચુરની રોડ પર ડાન્સ બ્રાટ્સ નામથી ડાન્સ ક્લાસ શરૂ કર્યા. આ ડાન્સ ક્લાસ તેના ચાલવા લાગ્યા. પછી મુંબઈમાં જ રેમોએ અંધેરી તથા બોરવલીમાં ડાન્સ ક્લાસ શરૂ કર્યાં હતાં. 

સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યોઃ રેમો ઓલ ઈન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો હતો અને આ રીતે બોલિવૂડની નજર રેમો પર પડી હતી. અહમદ ખાન ડિરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’માં કામ કરતો હતો. તેમને એક નવા ચહેરાની જરૂર હતી. રેમો કાળો હોવાથી તેેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. જોકે, પછી તેને આ જ ફિલ્મના ગીત ‘આઈ રે આઈ રે…’ ગીત માટે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેમો વિવિધ ફિલ્મના ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતો હતો. તેણે શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘પરદેશ’માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળ્યો હતો. 

આ રીતે મળ્યું પહેલું કામઃ અનુભવ સિંહાએ રેમોને પહેલી તક આપી હતી. ત્યારબાદ સોનુ નિગમે પોતાનો પહેલો આલ્બમ ‘દિવાના’ની કોરિયોગ્રાફી રેમો પાસે કરાવી હતી. આ ગીત પછી રેમો પાસે એક જ દિવસમાં ચાર મ્યૂઝિક વીડિયો મળ્યાં હતાં. 

ત્યારબાદ ‘તુમ બિન’ તથા ‘કાંટે’નો ડાન્સ વીડિયો ઘણો જ લોકપ્રિય થયો હતો. ત્યારબાદ રેમોએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. રેમોએ અલગ અલગ ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી. ત્યારબાદ ફિલ્મ ‘ફાલતુ’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. જોકે, પછી રેમોની ‘એબીસીડી’, ‘એબીસીડી 2’ હિટ રહી હતી. રેમોએ ‘રેસ 3’ પણ ડિરેક્ટ કરી હતી. રેમો પછી ટીવી ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળ્યો હતો. 

રેમોએ લિઝેલ સાથે લગ્ન કર્યા છે. લિઝેલ ઈન્ડસ્ટ્રીમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કરે છે. તેમને બે દીકરાઓ ધ્રુવ તથા ગ્રેબિયલ છે. 

You cannot copy content of this page