Only Gujarat

FEATURED International

દરિયામાં પતિ-પત્ની કરી રહ્યા મોજ અને અચાનક જ શાર્કે કર્યો હુમલો અને પછી..!

સિડનીઃ લોકો પોતાના પરિવારજનોની મદદ માટે કંઈ પણ કરવા તત્પર રહે છે. ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિએ પોતાની પત્નીને શાર્કના ઝડબામાંથી બચાવવા પ્રયાસ કર્યા અને તેની પર હુમલો કર્યો. આ વ્યક્તિ પાસે કોઈ હથિયાર નહોતું તો તેણે પોતાના હાથ વડે શાર્ક પર મુક્કાઓનો વરસાદ કર્યો અને અંતે શાર્કે તેની પત્નીને છોડી નાસવું પડ્યું. જે પછી આ વ્યક્તિની બહાદુરીની સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પ્રશંસા થઈ રહી છે.

સિડનીથી 4 કલાકના અંતરે પોર્ટ મેક્વૉયર પાસે ઘણા લોકો સર્ફિંગ માટે જતા હોય છે. માર્ક પોતાની પત્ની સાથે અહીં સર્ફિંગ કરવા ગયો હતો. શનિવારે (15 ઓગસ્ટ) આ લાકો સર્ફિંગ કરતા હતા ત્યારે શાર્કે તેની પત્નીના જમણા પગ પર 2 વાર હુમલો કર્યો. પ્રથમવાર તો મહિલાએ પોતાને બચાવી લીધી પરંતુ બીજીવારમાં તે શાર્કથી પોતાનો પગ છોડાવી શકી નહીં.

તે પછી માર્કે 10 ફૂટ લાંબી ગ્રેટ વ્હાઈટ શાર્કને એટલા મુક્કા માર્યા કે તેણે મહિલાનો પગ છોડવો જ પડ્યો. ત્યાં હાજર રહેલા એક સર્ફરે જણાવ્યું કે, માર્ક રેપ્લીએ પોતાની પત્નીને બચાવવા શાર્કને ઘણા મુક્કા માર્યા. આવી બહાદુરી ભાગ્યે જ જોવા મળતી હોય છે. ઘણા ઓછા લોકો હોય છે, જે શાર્ક જેવા ખતરનાક જીવ સામે લડી શકે.

શાર્કે માર્કની પત્નીનો પગ છોડ્યો તે પછી તાત્કાલિક પેરામેડિક્સ ઈજાગ્રસ્ત મહિલાને કિનારે લઈ આવ્યા. તે પછી તેને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવી. હાલ માર્કની પત્નીની સ્થિતિ સામાન્ય છે. ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે શાર્કના હુમલાના ઘણા સમાચાર સામે આવતા હોય છે, આ 2020ની પાંચમી ઘટના છે જ્યારે શાર્કના હુમલામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોય.

(આ અહેવાલ સાથે પ્રતિકાત્મક તસવીરોનો ઉપયોગ કરાયો છે)

You cannot copy content of this page