Only Gujarat

Gujarat

ગુજરાતમાં કોરોના વેક્સિનની એન્ટ્રી: અમદાવાદની આ હોસ્પિટલમાં વેક્સિન આપવાની થશે કામગીરી

કોરોનાના કહેર વચ્ચે આવ્યા છે સારા સમાચાર. કોરોનાની કો-વેક્સિનનું અમદાવાદની સોલા સિવિલમાં આગમન થઇ ચુક્યું છે. ગુરુવારથી ટેસ્ટિંગ શરૂ થશે અને એક હજાર લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. જો તેમાં સફળતા મળશે તો આગામી દિવસોમાં સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગની મંજૂરી અપાશે. કોરોના સામેના જંગમાં આ વેક્સિનની સફળતા ખૂબ જ મોટો ફાળો ભજવશે.

કોરોનાના હાહાકાર વચ્ચે અમદાવાદમાંથી આવ્યું છે આશાનું કિરણ. દુનિયાના વિવિધ દેશમાં વેક્સિનની ટ્રાયલ થઈ રહી છે એવામાં હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે આવી ચુકી છે. આ રસીનું નામ છે આત્મનિર્ભર વેક્સિન. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આ રસીની ટ્રાયલ કરવામાં આવશે. ભારત બાયોટેકે તૈયાર કરેલી આ વેક્સિન દિલ્હીથી ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવી અને ત્યાંથી તેને સોલા સિવિલમાં લઈ જવામાં આવી. અહીં એક હજાર જેટલા વોલન્ટિયરને કોરોનાની વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત બાયોટેકની આત્મનિર્ભર રસીની ટ્રાયલ માટે એથિકલ અને સાયન્ટિફિક કમિટિની મંજૂરી મળી ગઇ છે. ભારત બાયોટેક અને ICMR સાથે મળીને કોરોનાની રસીનું નિર્માણ કરી રહી છે. આ વેક્સિનની કોલ્ડ ચેઈન જળવાઈ રહે તે માટે સ્ટોરેજની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કોલ્ડ સ્ટોરેજમાં આ વેક્સિન 2થી 8 ડિગ્રીમાં સંગ્રહ કરાય એ રીતે ટેમ્પ્રેચર સેટ કરાશે. આગામી બે દિવસ કમિટિની મિટિંગ ચાલશે અને પછી વોલન્ટિયરને આ વેક્સિનનો ડોઝ ટ્રાયલ માટે અપાશે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનના ટેસ્ટિંગ માટે 1000 વોલન્ટિયરને સ્ટેન્ડબાય રખાયા છે. દરેક વોલન્ટિયરને વેક્સિન આપ્યા બાદ એક કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

ત્રીજા તબક્કાની વેક્સિન ટ્રાયલ માટે એક હજાર વોલન્ટિયરને અગાઉથી નિર્ધારિત કરી રખાયા છે. માત્ર સ્વસ્થ લોકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે. એક કલાકના ઓબ્ઝર્વેશન બાદ તેમને રજા આપવામાં આવશે. ત્યારબાદ વેક્સિનની શું અસર થઇ તેનું મોનિટરિંગ સોલા સિવિલની ટીમ તરફથી નિયમિત કરવામાં આવશે. આ ટીમમાં ડો. પારૂલ ભટ્ટ, ડો. કિરણ રામીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડો. મુકેશ વોરા અને ડો. રશ્મિ શર્મા પણ કમિટીના સભ્યો છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે 5 હોસ્પિટલમાં કોરોના રસીનાં પરીક્ષણની મંજૂરી આપી દીધી છે.

અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું. ભારત સરકારની ભારત બાયોટેકે વિક્સાવેલી આ સ્વદેશી રસી કોવેક્સિનની અસરકારકતા 70 ટકા હોવાનું સામે આવ્યું છે, જે ઘણાં સારાં પરિણામ કહી શકાય. ઉલ્લેખનીય છે કે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ગત અઠવાડિયે જ શરુ થઇ ગયું હતું.

નિષ્ણાતોનું માનીએ તો વોલેન્ટિયર્સના શરીરમાં રસીનો પહેલો ડોઝ અપાયા બાદ તેના લોહીના પરીક્ષણ તથા અન્ય પરીક્ષણોને આધારે તેનાં પરિણામો ચકાસાય છે, ત્યાર બાદ 21મા દિવસે બીજો ડોઝ આપીને 48 દિવસ સુધી તેના સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જો આ દરમિયાન કોઇ વિપરીત પરિણામો ન મળે તો કેન્દ્ર સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગ માટે મંજૂરી આપશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને માર્ચ 2021માં આ રસી આવશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ કોરોનાની રસી મુદ્દે મુખ્ય મંત્રી રૂપાણીએ મહત્ત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, મતદાન બૂથ જેવા વેક્સિન બૂથ ગુજરાતમાં બનાવવામાં આવશે.

 

You cannot copy content of this page