Only Gujarat

Gujarat

માતાના ગુસ્સાનો શિકાર બની લાડલી દીકરી, ત્રણ વર્ષની ઉંમરમાં જ દુનિયા છોડીને ચાલી ગઈ

ગુજરાતમાં વધુ એક ઘ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના વાપીના લવાછા ગામે બાપુનગરમાં રહેતી 32 વર્ષની માતાએ તેમની સૌથી નાની ત્રણ વર્ષની પુત્રીને ઉંદર મારવાની દવા પીવડાવી પોતે પણ ફાંસો ખાઇ લીધો હતો. જોકે, મોટી પુત્રીએ માતાએ ફાંસો ખાવાનું જોઇ જતા આબાદ બચાવ થયો હતો જ્યારે ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત થયું હતું. ડુંગરા પોલીસે માતા સામે જ પુત્રીની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આવેશ અને આક્રોશમાં આવી માતાએ આ પગલું ભર્યુ હોવાનું પતિએ જણાવ્યું છે. માતા હાલ સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

વાપી સેલવાસ મુખ્ય માર્ગ સ્થિત લવાછાના હરિયાણી હોટલની પાછળના ભાગે આવેલા બાપુ નગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા રાજીવકુમાર શીવધારી પાલને 32 વર્ષીય પત્ની માયા અને ત્રણ સંતાન છે. રવિવારે બપોરે રાજીવકુમાર પાલ જમીને ઘરની બાજુના રૂમમાં આરામ કરતા હતા. આ દરમિયાન તેમની પત્ની માયા સૌથી નાની પુત્રી ક્રિશાને લઇને બાજુની રૂમમાં કપડા સુકવવાની દોરી સાથે ગઇ હોવાનું મોટી પુત્રી લક્ષ્મીએ જણાવ્યું હતું. પિતા રાજીવ અને મોટી પુત્રી લક્ષ્મીએ તાત્કાલિક રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, દરવાજો ન ખુલતા જબરદસ્તીથી દરવાજો ખોલી કાઢતા માયા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. પતિ રાજીવકુમારે પત્નીને પગ પકડી ઊંચી કરી દીધી હતી અને મોટી પુત્રીએ ચાકુથી દોરી કાપી નાંખીને નીચે ઉતારી દીધી હતી. ફાંસો ખાધેલી હાલતમાં માંડ બચેલી પત્ની માયાએ કહ્યું હતું કે, પુત્રી ક્રિશાને ઉંદર મારવાની દવા પીવડાવેલી છે જેથી તમે એને બચાવી લો. માતા અને પુત્રીને તાત્કાલિક સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા ફરજ ઉપર તબીબે ત્રણ વર્ષની માસુમ પુત્રી ક્રિશાને મૃત જાહેર કરી હતી. જ્યારે માયાને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. માયાના જણાવ્યા મુજબ ગુસ્સો આવી જતા ભાનભૂલીને તેમણે પુત્રીને દવા પીવડાવી દીધી હતી. આ બનાવ અંગે વાપી ડુંગરા પોલીસે માતા માયાબેન રાજીવકુમાર પાલ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુડિયા કો ભી બચા લો, બચ્ચી કો મુજે દિખાઓ
હોસ્પિટલમાં હવે માતાનો કલ્પાંત મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના રાજીવ પાલે સામાજીક રીતિ રિવાજ મુજબ વર્ષ 2006માં ધર્મરાજ પાલની પુત્રી માયા સાથે લગ્ન થયા હતા. આ લગ્ન જીવન થકી તેમને ત્રણ સંતાન છે જેમાં સૌથી મોટી 14 વર્ષની પુત્રી લક્ષ્મી જે હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. ત્યાર પછી 13 વર્ષનો શુભમ અને સૌથી નાની 3 વર્ષની પુત્રી ક્રિશા હતી.

રવિવારે માતા માયા સાથે એવી તે શું ઘટના બની હતી કે, તેમણે ત્રણ વર્ષની પુત્રી ઉંદર મારવાની દવા પીવડાવી મોતને ધાટ ઉતારી દીધી હતી. પુત્રી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ફાંસો ખાવા જતા બચાવ થયો હતો. હાલ સેલવાસ સિવિલમાં સારવાર લઇ રહેલી માતા એક જ શબ્દ બોલી રહી છેકે, મારી પુત્રી ક્યા છે. મુજે દિખાઓ, મુજે બચાયા તો મેરી પુત્રી કો ભી બચા લો. પોતાની જ પુત્રીની હત્યાની આરોપી બની ગઇ છે માતા. પુત્રીના મોત અંગે હજુ સુધી માતાને જાણ કરવામાં આવી નથી.

અગાઉ પણ માનસિક સંતુલન ગુમાવતા સારવાર કરાવી હતી
માયાને થોડા વર્ષ અગાઉ પણ માનસિક સ્થિતિ સારી ન રહેતા તેમની વાપીની એક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જોકે, ત્યારબાદ તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. રવિવારે એવું કંઇક થયું પણ ન હતું કે આ કદમ ઉઠાવી લે.> રાજીવકુમાર પાલ, મૃત બાળકીના પિતા

You cannot copy content of this page