Only Gujarat

Gujarat

તે રાત્રે રશ્મિ સાથે શું બન્યું હતું? કેવી રીતે ચિરાગે ખેલ્યો ખૂની ખેલ? હચમચાવી મૂકતી વિગતો આવી સામે

સુરત બારડોલીના બાબેન ગામમાં ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ પોલીસે ચિરાગને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું. ચિરાગે લિવ-ઇનમાં રહેતી પ્રેગ્નન્ટ પ્રેમિકાની હત્યા કર્યા બાદ તેની લાશ લિફ્ટમાં નીચે ઉતારી પાર્કિગમાં રહેલી કારમાં 4 કલાક મૂકી રાખી હતી. ત્યારબાદ ચિરાગ રશ્મિના મૃતદેહને લઈને શહેરમાં 10 કલાક રખડ્યો હતો. ત્યારબાદ અંતે સસરાના ખેતરમાં જ રશ્મિના મૃતદેહને દાટી દીધો હતો.

પ્રેમમાં આવેલા કરુણ અંજામરૂપ આ ઘટનાની વિગત એવી છે કે, બારડોલીના બાબેન ગામે લક્ઝરિયા એપાર્ટમેન્ટમાં લિવ-ઇનમાં રહેતી પ્રેમિકા રશ્મિ કટારિયાની પ્રેમી ચિરાગે હત્યા કરી હતી. આ બનાવને લઈ પોલીસે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં પોલીસે આરોપી પ્રેમી ચિરાગને સાથે રાખી હત્યા કરવાથી લઈને તેને ખેતરમાં દફન કર્યા બાદ ઘરે આવવા સુધીનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.

જેમાં ખુલાસો થયો કે વહેલી સવારે 3 વાગ્યે હત્યા કર્યા બાદ 4 કલાક સુધી પ્રેમિકાની લાશને લિફ્ટમાં નીચે ઉતારી પાર્કિંમાં રહેલી કારમાં મૂકી રાખી હતી. ત્યાર બાદ પહેલા શહેરમાં આંટા માર્યા બાદ તેણે સસરાના ખેતરમાં જ મૃતદેહને દાટી દીધો હતો.

હત્યાનો બનાવ બન્યો હતો 14મી તારીખે મળસ્કે 3 વાગ્યે. જ્યાં રશ્મિ અને ચિરાગ વચ્ચે ઝઘડો થતાં ચિરાગે ગળું દબાવી રશ્મિની હત્યા કરી દીધી. વહેલી સવારે 4 વાગ્યાના સમયે રશ્મિની લાશ લિફ્ટથી નીચે લાવી પાર્કિંગમાં કારની ડીકીમાં સંતાડી હતી. ત્યાર બાદ ચિરાગ ફરી ફ્લેટમાં આવી ગયો હતો.

આશરે 8 વાગ્યે તે કાર લઇને ઘરેથી નીકળ્યો હતો. તેને ખ્યાલ નહોતો આવતો કે મૃતદેહનો નિકાલ ક્યાં કરવો. તેથી તેણે પહેલા નગરમાં ચક્કર લગાવ્યા હતા. ત્યારબાદ પોતાના ગામ નવી કિકવાડમાં આવેલા મામાના ખેતર પર ગયો હતો. ત્યાં મામાને મળીને પોતાની માતાના ખેતરનું નિરિક્ષણ કર્યું હતું.

જો કે બાદમાં ભટલાવ – વાંકાનેર થઈ વાલોડમાં તેના સસરાના ખેતરે પહોંચ્યો હતો. જ્યાં ખેતરમાં સર્વે માટે ખાડો ખોદેલો જોતાં ત્યાં જ રશ્મિની લાશને દફનાવવાનું નક્કી કર્યું હતું. તેની તૈયારી કરવા માટે ગામની દુકાનમાંથી મીઠું અને બીજી દુકાનથી તાડપત્રી ખરીદી લઈ આવ્યો હતો. બાદમાં રશ્મિની લાશને મીઠું સાથે તાડપત્રી વીંટાળીને ખાડામાં દફનાવી દીધી હતી અને માટીથી ઢાંકવાની કોશિશ કરી હતી.

જો કે ખાડો મોટો હોવાથી માટી પુરાણની વધારે જરૂર લાગી. તેથી તે કિકવાડ ગામે આવ્યો હતો અને કાર મૂકીને ટ્રેકટર લઈ ફરી વાલોડ ખેતરે આવ્યો હતો. ત્યારબાદ સુપડીથી માટી પુરાણ કરીને એક કલાક સુધી ખેતરના પાળ પર આરામ કર્યો હતો. આશરે બે વાગ્યે તે ઘરે પરત ફર્યો હતો અને સ્નાન લીધું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી ગામના જ પરિણીત યુવક ચિરાગ સુરેશ પટેલ સાથે બાબેનના લક્ઝરીયા એપાર્ટમેંટમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતી રશ્મિ જયંતિભાઈ કટારીયા ગુમ હોવાની ફરિયાદ બારડોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી. રશ્મિની શોધખોળ કરી રહેલી પોલીસે ચિરાગની કડકાઇથી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. લગ્ન કરવા રશ્મિ દબાણ કરતી હોવાથી ચિરાગે તેની હત્યા કરી દીધી હતી.

You cannot copy content of this page