માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે થયેલી છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ટોલનાકા પર ગુજરાતના પ્રવાસીઓએ કરેલી બબાલનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ગુજરાત પાસિંગ કારમાંથી ઉતરેલી ત્રણ યુવતીઓ અને તેની સાથે રહેલા યુવકો ટોલનાકાના કર્મચારીઓ સાથે ટોલ બાબતે રકઝક કરતા જોવા મળી રહ્યા છે.
આ રકઝક એટલી ઉગ્ર બને છે કે એક યુવતી ટોલનાકાના કર્મચારીઓને જોઈ લેવાની ધમકી આપતી જોવા મળે છે. આ જ સમયે અહીં એકઠા થયેલા કેટલાક યુવકો અને યુવતીઓ સાથે મળી ટોલનાકાના કર્મચારીઓને ફટકારે છે અને અપશબ્દો બોલતા પણ સંભળાઈ રહ્યા છે.
વાત આટલેથી ના અટકી અને યુવક-યુવતીઓ સાથે મળી ટોલનાકાની ઓફિસમાં પહોંચી જાય છે. અહીં પણ એક યુવક સાથે મારામારી કરવામા આવી રહી છે. તો કેટલાક યુવકો અપશબ્દો બોલતા પણ સંભળાઈ રહ્યા હતા.
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં એક યુવતી માફી માગતા પણ જોવા મળી રહી છે. ગુસ્સામાં સમગ્ર બનાવ બન્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.