દુબઈઃ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ શનિવારે રમાયેલી આઈપીએલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી બેટિંગ કરતા સમયે રવીન્દ્ર જાડેજાએ એક એવો જોરદાર શોટ ફટકાર્યો કે બોલ સીધો સ્ટેડિયમની બહાર જઈને પડ્યો. રસપ્રદ વાત એ છે જે બોલ બહાર પડ્યો ત્યારે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ બોલ લઈ લીધો અને ભાગ્યો હતો.
18મી ઓવરમાં દિલ્હીના બોલર તુષાર દેશપાંડેના પાંચમા બોલ પર જાડેજાએ આ સિક્સ ફટકારી હતી. આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ 13 બોલમાં 33 રનની ઈનિંગ્સ રમી હતી અને તેમાં તેણે 4 સિક્સ પણ ફટકારી હતી. ફાફ ડુ પ્લેસિસે સૌથીવધુ 58 રન કર્યા.
આ ઉપરાંત અંબાતી રાયડૂએ 45 રનની ઈનિંગ્સ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 179 રન કર્યા અને દિલ્હી કેપિટલ્સને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ચેન્નાઈના 180 રનના ટાર્ગેટ સામે દિલ્હી કેપિટલ્સે 19.5 ઓવરમાં 185 રન કરી જીત મેળવી હતી. દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈને 5 વિકેટે માત આપી હતી.
ધવન (101)એ શાનદાર સદી ફટકારી હતી. જાડેજાની અંતિમ ઓવરમાં અક્ષર પટેલે 3 સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.