મહેસાણાના ખેડૂતે શરૂ કરી ગુલાબની ખેતી, દર મહિને કરે છે આ લાખની કમાણી

Vadnagar man flowers farming: હાલમાં પારંપરિક ખેતી કરવી મોંઘી બની છે જેના કારણે ખેડૂતો પારંપરિક ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોએ ખેતીમાં નવા પ્રયોગ કરી ખેતી કરવાની જરૂર છે. મહેસાણાના વડનગર ગામના એક ખેડૂત પોતાની ત્રણ વીઘા જમીનમાં કાશ્મીરી ગુલાબની પ્રાકૃતિક ખેતી કરી પાંચ વર્ષથી સારી આવક મેળવી રહ્યા છે.

મહેસાણાના વડનગર તાલુકાના રહેવાસી પટેલ ભાવેશભાઈ યુવા ખેડૂત છે. તેઓએ બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, અને ત્યારબાદ તેઓ ખેતીમાં જોડાઈ ગયા છે. શરૂઆતમાં તેઓ પારંપરિક રીતે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારબાદ પાંચ વર્ષ અગાઉ તેઓએ ફૂલોની ખેતી વિશે સાંભળ્યું અને તેઓએ ફૂલોની ખેતી કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે એક વીઘામાં હજાર કાશ્મીરી ગુલાબના છોડ ₹50 ના લેખે પુનાથી લાવી ખેતરમાં વાવ્યા હતા. તેમાં સફળ રહેતા તેમણે અન્ય દોઢ વીઘા જમીનમાં બીજા 2000 છોડ લાવી કાશ્મીરી ગુલાબની ખેતી કરી અને હાલમાં તેમણે ગલગોટાની ખેતીની પણ શરૂઆત કરી છે.

ગુલાબની ખેતી રોજની હજારોની આવક

ભાવેશભાઈએ જણાવ્યું કે, ગુલાબની ખેતીએ બારેમાસનો પાક છે તેથી રોજે રોજ તેની આવક મેળવી શકાય છે. રોજ ગુલાબને વહેલી સવારે તોડીને માર્કેટમાં વેચવામાં આવે છે. જો કે તેઓ ગાય આધારિત ખેતી કરતા હોવાના લીધે ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે.

તેઓને 50થી 80 રૂપિયે કિલો ગુલાબ વેચાય છે અને તહેવારની સીઝનમાં આ ભાવ વધી જાય છે તેઓ એવરેજ મહિનામાં 600 કિલો ગુલાબનું વેચાણ કરે છે. માસિક તેઓ 40 હજાર જેટલી આવક માત્ર ગુલાબમાંથી થાય છે. જ્યારે ફૂલની આવક વધારે હોય એ મહિનામાં વીણામણનો ખર્ચ 10 હજાર જેટલો આવતો હોય છે. તેઓની વાડીમાંથી રોજના 50 કિલો જેટલા ગુલાબના ફૂલનું વેચાણ થાય છે એટલે કે દિવસમાં 5 હજાર રૂપિયા જેટલા ફૂલનું વેચાણ થાય છે. આમ વાર્ષિક તેઓ 5 લાખ જેટલી આવક માત્ર ગુલાબમાંથી મેળવે છે.

ભાવેશભાઈ જણાવે છે કે હાલ મહેસાણાના આસપાસના વિસ્તારોમાં કોઈ ખાસ કરીને ફૂલની ખેતી કરતું નથી પણ જો આપણી જમીનને ફૂલની ખેતી માફક આવતી હોય તો તેની ખેતી અવશ્ય કરી શકાય જેથી ખેડૂતોને રોજની આવક મળી રહે.