Only Gujarat

National TOP STORIES

11 ધોરણ પાસ મહિલાએ માત્ર 7 હજારના ડિવાઇસથી ATMમાંથી લાખોની કરી ચોરી

જયપુર SOG એટલે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે વિદેશી લૂંટેરી મહિલાઓની ઉદયપુરથી ધરપકડ કરી હતી. લૂંટેરી મહિલાઓએ બેન્ક ઓફ ઇન્ડિયાના સર્વરને હેક કરી ATMમાંથી 32 લાખ રૂપિયા કાઢી લીધા હતાં. તેમની પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં પહેલીવાર બેન્કના સર્વરને હેક કરી લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે.

આ બંને મહિલાઓ 14 જુલાઈએ જયપુર આવી હતી. આ પછી જયપુરમાં એક જ ઓટોમાં ફરી ATM ચેક કર્યા હતાં. ચાર દિવસમાં તેમણે સર્વર હેક કરી 7 હજાર રૂપિયાના રાસ્પબેરી-પાઈ ડિવાઈઝ દ્વારા ATMમાંથી રૂપિયા કાઢ્યા હતાં. આ બંને માત્ર 11માં ધોરણ સુધી ભણી છે. બંને ટ્રેનિંગ લઈને આવી હતી. જયપુરમાં રૂપિયા કાઢ્યા પછી તે કોટા પહોંચી હતી. અહીંથી બંને ઉદયપુર જતી રહી હતી. ઘણાં શહેર તેમના નિશાના પર હતાં. SOGએ ઉદયપુરથી બંનેની ધરપકડ કરી હતી. જો બંને પકડાઈ ના હોત તો કરોડો રૂપિયા બેન્કમાંથી લૂંટીને જતી રહી હોત. અત્યારે બંને રિમાન્ડ પર છે અને તેમની પૂછપરછ થઈ રહી છે.

બે દિવસ સુધી જયપુર શહેરમાં ઑટો લઈને ફરી
નાનટોંગા એલેકઝેન્ડ્રસ રહેવાસી યુગાંડા અને લૈરા કૈથ રહેવાસી ગાંબિયા નામની બંને મહિલાઓ 14 જુલાઈએ દિલ્હીથી જયપુર આવી હતી. 14 અને 15 જુલાઈએ બંને એક ઑટોમાં આખા જયપુરમાં ફરી હતી. બંનેએ SBI, ICICI, PNB, HDFC બેન્ક સહિત દરેક ATM સર્ચ કર્યા હતાં. પહેલાં દિવસે 14 જુલાઈએ જયપુર શહેરથી જગતપુરા સુધીના દરેક ATM ચેક કર્યા હતાં. આ પછી 15 જુલાઈએ જયપુર ચારદીવારીમાં તેમણે ATM ચેક કર્યું હતું. આ બંને દરેક ATMમાં બે મિનિટ સુધી રોકાઈ હતી. બે દિવસમાં બંનેએ કયા ATMમાં કેટલા રૂપિયા છે તેની માહિતી મેળવી લીધી હતી. એડીજી અશોક રાઠોડ અને ડીઆઈજી શરદ કવિરાજના નિર્દેશનમાં સાયબર સેલ પ્રભારી ડીએસપી ઉમેશ નિઠારવાલ અને ઇન્સપેક્ટર ઉમ્મેદ સિંહ સોલંકી આ અંગે તપાસ કરી રહ્યા છે.

સવારે 7થી 9 વચ્ચે ત્રણ દિવસમાં 32 લાખ રૂપિયા કાઢ્યા
જયપુર શહેરમાં દરેક ATM ચેક કર્યા પછી બંનેએ બીજા પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. બંનેએ 16થી 18 જુલાઈ સુધી મહેશ નગર, ગોપાલપુરા, નેહરુ પેલેસ અને સાંગાનેરમાં ચાર ATMમાંથી 32 લાખ રૂપિયા કાઢ્યા હતાં. તેમણે પહેલાં રાસ્પબેરી-પાઈ ડિવાઈઝથી સર્વરને હેક કર્યું હતું. આ પછી રૂપિયા કાઢી લીધા હતાં. ચિંતાની વાત છે કે, બેન્ક એટીએમના સર્વર હેક કરી લીધા અને કોઈ સાયરન અથવા એલર્ટ પણ થયું નહીં. એવામાં બેન્કની સિક્યોરિટી સિસ્ટમ પર પણ મોટા સવાલ ઊભા થયાં છે. બંને મહિલાઓ સવારે 7થી 9 વાગ્યા વચ્ચે લૂંટ કરતી હતી. આ દરિયાન એટીએમમાં પણ ભીડ નહોતી. કોમ્પલેક્ષ પણ ખાલી રહેતાં હતાં.

ભારતમાં મોટું નેટવર્ક તૈયાર કરી રહી હતી
SOGએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, બંને આ પહેલાં ત્રણવાર ભારત આવી ચૂકી છે. બંને જૂન મહિનામાં દિલ્હી આવી હતી. આ લૂંટનું મોટું નેટવર્ક ઊભું કરી રહી હતી. તે જયપુરની પોલોવિક્ટ્રી હેટેલમાં રોકાઈ હતી. SOGએ હોટેલ મેનેજમેન્ટની પણ તપાસ કરી છે. રિક્ષાચાલકની પણ તપાસ ચાલુ છે. આ રિક્ષાચાલક સાથે તે પાંચ દિવસ સુધી જયપુરના ATMમાં ફરી હતી અને 32 લાખ રૂપિયા કાઢ્યા હતાં. SOGએ રૂપિયા કબજે કરી તેના જૂના નેટવર્કની પૂછપરછ કરી રહી છે.

શું છે રાસ્પબેરી-પાઈ ડિવાઈઝ?
રાસ્પબેરી-પાઈ ડિવાઈઝ એક નાનું કોમ્પ્યુટર છે. તેમાં એક નાનું મધરબોર્ડ હોય છે. જેની કિંમત લગભગ 7 હજાર રૂપિયા છે. એટીએમ મશીનને રાસ્પબેરી-પાઈ ડિવાઈઝ સાથે જોડી કમાન્ડ આપી શકાય છે. વાઇફાઈથી એટીએમને કનેક્ટ કરી શકાય છે. જેનાથી નકલી બેન્ક સર્વર તૈયાર કરી શકાય છે. કોઈ પણ કાર્ડ નાખ્યા વગર મશીનમાંથી રૂપિયા કાઢી શકાય છે. સર્વર હેક થયાં પછી બેન્ક સુધી એલર્ટનો મેસેજ પહોંચતો નથી.

You cannot copy content of this page