Only Gujarat

Gujarat

કાળજાના કટકાને અર્થી પર જોઈને પિતા ભાંગી પડ્યા, ધ્રુજતા હાથે દીકરીના દેહ પર હાથ ફેરવ્યો

આજે ખૂબ ગમગીનીભર્યો દિવસ છે. સુરતમાં આજે મામૂમ દીકરી ગ્રીષ્મા વેકરિયાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. ગ્રીષ્માના પિતા આજે વહેલી સવારે આક્રિકાથી ઘરે આવી ગયા હતા. ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં હ્રદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. લાડલી દીકરીના દેહને ભેટીને પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. તો માતાના કરુણ આક્રંદે આખા સુરતને ધ્રુજાવી દીધું હતું. આ તકે હાજર સૌ કોઈ રડી પડ્યું હતું. એક આંખે એવી બાકી નહોતી કે જે ભીની ન થઈ હોય.


યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા.

આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ છે.

શું હતો બનાવ
મૂળ જૂનાગઢના નાગલપુરના વતની અને હાલ પાસોદરા પાટિયા-નવાગામ ખાતે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા (ઉં.વ.21) જે.જે.શાહ કોલેજમાં બી-કોમનો અભ્યાસ કરે છે. દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા મૂળ મોટી વાવડી, ગારિયાધારના વતની અને હાલ કાપોદ્રા સાગર સોસાયટીમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્માને હેરાન-પરેશાન કરતો હતો.

છેલ્લા કેટલાક દિવસથી યુવક ફેનિલ યુવતી ગ્રીષ્મા નો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ બનેલા ફેશન ડિઝાઇનર ફેનીલ સાંજે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા પપ્પાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી તેને રસ્તા પર લઈ ગયો હતો. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ ફેનીલ એકનો બે થયો ન હતો. અને નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. છોડાવવા વચ્ચે પડેલા ગ્રીષ્માના મોટા કાકા સુભાષભાઈને તેમજ ગ્રીષ્માના ભાઇ ધ્રુવને પણ ચપ્પુથી ઇજા પહોંચાડી હતી.

એટલું જ નહીં ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ ફેનિલ ગોાયાણીએ હુમલાની કોશિશ કરી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગ્રીષ્માના પિતા નાઇજીરીયામાં હીરાના વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીષ્મા માતા વિલાસબેન અને ભાઇ સાથે રહેતી હતી. ગ્રીષ્માની હત્યાની જાણ થતાં જ તેના પિતા નાઇજીરીયાથી વતન આવવા રવાના થઈ ગયા છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

You cannot copy content of this page