Only Gujarat

Gujarat

સાત વર્ષના બાળકની સામે જ પિતાએ દુપટ્ટાથી ગળું દબાવીને કરી માતાની હત્યા

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ નજીવી વાતે પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી દીધી. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પતિ પત્નીને તડપાવી તડપાવીને મોતને ઘાટ ઉતારી રહ્યો હતો ત્યારે સાત વર્ષનો તેમનો પુત્ર ત્યાં જ હાજર હતો. આ આખી કરુણ ઘટનાને માસુમે પોતાની નજર સામે જોઈ છે. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે પતિએ પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે મૂળ જામકંડોરણાના જામદાદર ગામના રસિકભાઈ નસિત તેમન પત્ની હર્ષાબેન (ઉ.વ. 35) તેમના સાત વર્ષના દીકરા સાથે સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. હર્ષાબેન હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દરમિયાન પતિ-પત્ની વચ્ચે હાલમાં કોઈ બાબતે છેલ્લા બે દિવસથી પારિવારિક ઝગડો ચાલતો હતો.

શુક્રવારે સવારે પણ આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. જેને લઈને આવેશમાં આવેલા પતિ રસિકભાઈએ પત્ની હર્ષાનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી, મહત્વની વાત એ છે કે, પોતાના પુત્રની સામે તેની માતાની હત્યા કરવામાં આવી હતી. જો કે એવું શું બન્યું હતું કે પતિએ પત્નીની હત્યા કરી દીધી તેનું કારણ પોલીસ શોધી રહી છે. એવી વાત પણ સામે આવી છે કે વારંવાર થતા ઝઘડાને લીધે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી હોઈ શકે છે.

હર્ષાબેન રસિકભાઈ નસિતનો સાત વર્ષનો દીકરો ઉડાન સ્કૂલમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. પિતાએ જ તેની માતાની હત્યા કરી છે. માતા ગુમાવવાની સાથે પિતાની પણ પોલીસે અટકાયત કરી હોઈ દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પિતાએ તેની હાજરીમાં માતાની હત્યા કરી દેતા આ બાળક હેબતાઈ ગયો છે. તે હાલ કંઈ પણ બોલવાની સ્થિતિમાં નથી. માતા કે પિતા કોઈ પણ તેની પાસે નહીં હોવાથી તે ગુમસુમ થઈ ગયો છે. પોલીસે હાલમાં બાળકના અન્ય સગા-સંબંધી અંગે તપાસ શરૂ કરી છે. જ્યારે પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

You cannot copy content of this page