Only Gujarat

Gujarat

ગુજરાતમાં એક લગ્ન બન્યા ચર્ચાનો વિષય, એવું તો શું ખાસ હતું આ લગ્નમાં?

પાલનપુર: ગુરૂવારે પાલનપુર તાલુકાના નળાસર (ગો) ગામે શિવજીના મંદિરે સામાજીક બંધુત્વનો ત્રિવેણી પ્રસંગ ઉજવાયો હતો. જ્યાં ગામના ચૌધરી યુવકે ગઠામણ ગામની એક પુત્રીને સાથે લઈને આવેલી મોદી સમાજની ત્યકતા મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાઈને સામાજીક સમરતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જ્યારે લગ્ન ગ્રંથીથી જોડાનાર મહિલાના મુસ્લિમ ભાઈએ કન્યાદાન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો હતો. આ અનોખા લગ્નની તસવીરો સમગ્ર બનાસકાંઠામાં ચર્ચાનો વિષય બની હતી.

પાલનપુર તાલુકાના નળાસર ગામે ગુરૂવારે શિવજીના મંદિરે અનોખી લગ્નવિધી થઈ હતી. આ અંગે ગામના સરપંચ પુરીબેન કેશરભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગામના ચૌધરી સમાજના દિનેશભાઇએ પાલનપુરના ગઠામણ ગામના અંકિતાબેન મોદી કે જેઓ ત્યકતા છે અને એક દીકરીની માતા છે.

એમની જોડે ગામના શિવજીના મંદિરમાં ફૂલહાર સહિતની ધાર્મિક વિધી સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. જ્યાં અંકિતાબેને બનાવેલા ધર્મના ભાઈ શમશેરપુરા ગામના આશિતખાન પઠાણ તેમના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને અંકિતાબેનનું કન્યાદાન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ ભોજન લીધું હતું.

જાન ન જોડી, મહિલાને સામેથી ગામમાં લાવવામાં આવી
દિનેશભાઇ ચૌધરીએ લગ્ન કરવા માટે જાન જોડી ગઠામણ ગામે જવાના બદલે તેમની પરિણીતા અને પરિવારને સામેથી નળાસર ગામે બોલાવ્યા હતા. જ્યાં શિવજીના મંદિરે ફુલહાર સહિતનો પ્રસંગ ઉજવ્યો હતો.

You cannot copy content of this page