Only Gujarat

Gujarat

વડોદરામાં પાલિકાના પાપે એક પિતાએ જુવાનજોધ દીકરો ગુમાવ્યો, જુઓ તસવીરો

વડોદરા મહાનગપાલિકાની બેદરકારીના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો છે. શહેરના સમા તરફ જવાના મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાસે લોકોએ ફાળો એકત્ર કરીને સ્પીડ બ્રેકર બનાવ્યું હતું. જેને કોર્પોરેશને તોડી નાંખતા લોકોએ હોબાળો કર્યો હતો. આ સ્પીડ બ્રેકરની જરૂર અંગે લોકોનો મત સાચો હતો અને તેનો પુરાવો થોડા જ કલાક બાદ મળ્યો. જેમાં મંગળવારે સવારે જ સિમેન્ટ કોંક્રિટ મિક્ષરની અડફેટે આવતા બાઈક ચાલક યુવકનું મૃત્યુ થયું હતું.

વડોદરાના સમા અગોરા મોલ પાછળ બનેલા પ્રધાનમંત્રી આવાસ હેઠળના મકાનોના રહીશોની માગ હતી કે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. પરંતુ વારંવારની રજૂઆત છતાં મનપાના નફ્ફટ અધિકારીઓ અને નગરોળ શાસકો ધક્કાઓ ખવડાવતા હતા. આખરે કંટાળેલા ત્યાંના રહીશોએ જાતે લોકફાળો એકત્રિત કરીને પોતાના ખર્ચે લોકોના બચાવ માટે સ્પીડ બ્રેકર બનાવ્યું હતું. પરંતુ અધિકારીઓએ ઉપરી અધિકારીઓના મૌખિક આદેશથી સોમવારે તોડી પાડવામાં આવ્યું હતું. જેનો વિરોધ સ્થાનિક કોંગ્રેસના નેતાઓ તરફથી પણ કરવામાં આવ્યો હતો.

પ્રશાસન સ્પીડ બ્રેકર બનાવવામાં આટલું ઉદાસીન વલણ રાખે તે કોઈ પણ રીતે યોગ્ય ન કહેવાય. ઉપરથી ઉચ્ચ અધિકારીના આદેશનું ત્વરિત પાલન કરી તેને તોડી નાખે એ વાત કેટલા હદે વ્યાજબી ગણાય? તેવો પ્રશ્ન લોકો કરી રહ્યા હતા.

સ્પીડ બ્રેકરના અભાવે આવનારા દિવસોમાં જો આ જગ્યાએ કોઈ અકસ્માત થશે તો આ મૌખિક આદેશથી સ્પીડ બ્રેકર તોડનાર અધિકારીની જવાબદારી રહેશે તેવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી. તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓને આ રજૂઆતની કોઈ જ અસર થઇ નહોતી.

સોમવારે કોર્પોરેશન દ્વારા સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યું અને આજે સવારે જ આ સ્પીડ બ્રેકર નજીક જ એક પૂરઝડપે આવી રહેલી ટ્રકે બાઇકચાલકને અડફેટે લીધો હતો. સમા-સાવલી રોડ નંદાલય સોસાયટીના રહેવાસી ઉર્શિલ દેસાઇ નામના આ બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને મહાનગરપાલિકાના શાસકોને યુવાનના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા.

You cannot copy content of this page