Only Gujarat

National

પોલીસની હેવાનિયતનો શિકાર બની યુવતી, 16 વર્ષ પથારીવશ રહી છેલ્લા શ્વાસ લીધા

કુલવંત કૌર પોલીસની હેવાનિયતનો શિકાર બન્યા બાદ 16 વર્ષ સુધી પથારીવશ રહી, ન્યાય મેળવવા પત્રો લખતી રહી… છેવટે શુક્રવારે તેણે દમ તોડ્યો. જોકે મરતી વખતે તે ન્યાયની રાહ જોતી રહી. છેલ્લા શ્વાસ સુધી પંજાબના મુખ્યમંત્રી પાસે ન્યાય માગતી રહી. આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ જારી થયા, પણ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ મામલો રફે-દફે કરતી રહી. કુલવંત કૌરને ન્યાય અપાવવા સર્બજિત કૌર માનૂકે સહિત પંજાબનાં મહિલા પંચનાં ચેરમેન મનીષા ગુલાટીએ ખાતરી આપી હતી, પરંતુ કુલવંતને ન્યાય ન મળ્યો અને છેલ્લા શ્વાસ લીધા.

ટોર્ચરથી કુલવંત કૌર અપંગ થઇ ગઇ હતી, શરીર હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું
પોતાની બહેનને ન્યાય અપાવવા ધક્કા ખાતા રસૂલપુરના ઇકબાલ સિંહે જણાવ્યું કે પોલીસ અધિકારી પોતાને બચાવવા એડીચોટીનું જોર લગાવતા હતા. અનુસૂચિત જાતિ (એસસી) પંચે 28 મેએ એસએસપીને આરોપી અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ જારી કર્યો હતો અને 15 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો હતો, પણ તેવું કંઇ થયું નહીં.

ઇકબાલે જણાવ્યું હતું કે 2005ની 21 જુલાઇએ સ્થાનિક પોલીસ મથકના ઇન્ચાર્જે તેને અને તેના પરિવારના લોકોને ગેરકાયદે રીતે કસ્ટડીમાં લઇ અત્યાચાર ગુજાર્યો. એ પહેલાં 14 જુલાઇએ તેની માતા અને કુલવંતને કરંટ આપીને અપંગ બનાવી દીધા અને પોતાનાં કરતૂત છુપાવવા 22 જુલાઇએ ઇકબાલને હત્યાના કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દીધો. 2014ની 28 માર્ચે કોર્ટે તેને નિર્દોષ છોડ્યો હતો.

મામલો શું હતો?
2005માં જગરાઓંમાં સગીરાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું, જેના આરોપસર ઇકબાલ સિંહની ધરપકડ કરાઇ હતી. બાદમાં ઇકબાલ નિર્દોષ સાબિત થયો, પણ પૂછપરછ દરમિયાન પોલીસના અત્યાચારોથી ઇકબાલની બહેનની જિંદગી બરબાદ થઇ. ન્યાય માટે ઇકબાલે હજારો આરટીઆઇ અરજી કરીને માહિતી મેળવી, પણ તેની બહેન જ નથી બચી.

You cannot copy content of this page