Only Gujarat

National

ગર્ભવતી પત્નીનું હૃદય બેસી જતા મોત, ફુલ જેવી દીકરી અવતરી પણ આંખો જ ખોલી શકી

કુદરત જયારે રૂઠે ત્યારે ભલ ભલા કઠણ હૃદયના માનવીના આંખોમાં આંસુ આવી જાય… એવી જ એક દુઃખદ ઘટના જુનાગઢના સોલંકી પરીવાર સાથે બની છે. મૃત પુત્રવધુના શરીરમાંથી જન્મેલી પુત્રીનું નિધન થવા છતાં સોલંકી પરિવારે દુખ ભૂલીને અન્ય સમાજને નવો રાહ ચીંધ્યો છે.

બન્યુ એમ હતું કે, જુનાગઢના રહેવાસી મયુર સોલંકીના પુત્ર શ્રીનાથ સોલંકીના પત્ની મોનિકા સોલંકી ગર્ભવતી હતા. સોલંકી પરિવારમા પારણું બંધાવાનું હતું તેની ખુશી ચારેતરફ હતી. પરિવારમાં આનંદ વિહરતો હતો. ડિલીવરીનો દિવસ પણ આવી ગયો.

ડિલીવરી સમયે અચાનક હૃદય બેસી જતા મોનિકાબેનનુ અવસાન થયું. ત્યારે પરિવાર પર પહેલો વ્રજઘાત પડ્યો હતો. પરંતુ દુખ વચ્ચે અચાનક ઓપરેશન રૂમમાંથી ડોક્ટરે બહાર આવીને કહ્યું કે, બાળક જીવિત છે, સિઝેરીયન કરીને બચાવી લેવું છે. ત્યારે પરિવારમાં દુખ વચ્ચે પણ એક આશા જીવંત છે તેવુ લાગ્યું. તેમણે તરત હા પાડી હતી.

મોનિકાબેને જતા જતા એક ફુલ જેવી દીકરીને જન્મ આપ્યો હતો. જેથી પરિવાર ફરી મલકાયો. ખુશીની ઘડી છવાઈ ગઈ. પુત્રવધુ તો ગુમાવી દીધી, પણ હવે પૌત્રીની સાથે જીવન વિતાવીશું તેવો હરખ પરિવારના સભ્યોમાં જોવા મળ્યો. પણ પરિવાર ને ક્યાં ખબર હતી કે આ ખુશી પળવારની છે. ભગવાનની મરજી કંઈક અલગ જ હતી અને જોતજોતામાં ફૂલ જેવી દીકરીનું પણ અવસાન થયું. જે બાળકીએ હજી દુનિયામાં આવીને આંખ પણ ખોલી ન હતી, તેનુ પણ મોત નિપજ્યું.

પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવુ સંકટ આવ્યું. જોકે, દુખની ઘડીમાં જ્યાં પુત્રવધુ અને પૌત્રીને ગુમાવી ચૂક્યા હતા, ત્યાં પરિવારે સમાજ સેવાનુ કામ ચૂક્યા નહિ. સોલંકી પરિવારે પુત્રવધુ મોનિકાની આંખનું દાન કરીને અન્ય લોકોને દ્રષ્ટિ મળે તે માટે પહેલા કરી. પરિવારે મોનિકાબેનની આંખનું ચક્ષુદાન કર્યુ.

જોકે, સોલંકી પરિવારે એકસાથે બે સદસ્યો ગુમાવ્યા, પરિવાર આઘાતમાં સરી પડ્યો. ન તો પુત્રવધુ જીવિત રહી, ન તો જેની આશા હતી તે દીકરી આવી. પરંતુ પરિવારે બંનેને આખો સમાજ યાદ રાખે તેવી વિદાય આપી.

તેમની અંતિમ યાત્રા બેન્ડબાજા સાથે કાઢવામાં આવી. જેમાં હજારોની સંખ્યામા સ્વજનો જોડાયા હતા. પરિવારને સ્વ.મોનિકા પાછળ હજુ કંઈક કરવાની ઈચ્છા હતી, તેથી તેમના બેસણાંમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મયુર સોલંકી ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે તેનો પુત્ર શ્રીનાથ સોલંકી પણ એ જ વ્યવસાય સાથે સંકળાયેલ છે.

ત્યારે ઘરમાં આવી પડેલી દુઃખની પરિસ્થિતિમાં પણ અન્ય લોકોને કઈ રીતે મદદ કરી શકાય તેવો નવો રાહ આ પરિવારે ચીંધ્યો છે.

You cannot copy content of this page