Only Gujarat

Gujarat

દીકરાને ખાંડણીના 7-8 ઘા ઝીંકી પતાવી દીધો, પછી જે કર્યું એ વાંચીને હચમચી જશો

અમદાવાદના વાસણા અને પાલડી વિસ્તારમાંથી મળી આવેલા માનવ અંગોનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આંબાવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત એસ.ટી.ના અધિકારીએ પોતાના પુત્રની હત્યા કરી અને તેના શરીરના ટૂકડા અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનો ખુલાસો થયો છે. પિતાએ પોતાના પુત્રની ઉગ્ર આવેશમાં આવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બેકાર ઝઘડાખોર અને દારૂ પીવાની ટેવ ધરાવતા પુત્રની સાથે ઝઘડો થતાં પિતાએ તેની હત્યા કરી નાખી હતી. આરોપી પિતા ભક્તિભાવવાળા હોવાથી યુવાન પુત્રની હત્યા કરવા બદલ ભગવાનની માફી માંગવા માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ગયા હતા.

નાહીધોઈ અને પોતાના કરેલા આ કર્મની માફી માગી
18 જુલાઈના રોજ આરોપી નિલેશ જોશીએ પુત્ર સ્વયમ જોશીની હત્યા કર્યા બાદ પુત્રની હત્યા તેની લાશનો નિકાલ કરવા માટે તેણે શરીરના ટુકડા કરીને પ્લાસ્ટીક બેગમાં ભરી અને અલગ-અલગ વિસ્તારમાં ફેકવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓએ ઈલેક્ટ્રીક કટર વડે ધડ, હાથ અને પગનાં ટુકડા કર્યા હતા.

આરોપી નિલેશ જોશી ભક્તિભાવ અને ભગવાનમાં માનતા હોવાથી તેઓને આ પુત્રની હત્યા કર્યા બાદ પસ્તાવો થયો હતો. જેથી નાહીધોઈ અને પોતાના કરેલા આ કર્મની માફી માંગવા માટે કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ પરત ઘરે આવ્યા હતા અને તેઓએ બપોર બાદ એક ટુકડો વાસણા વિસ્તારમાં જ્યારે બીજા પાલડી વિસ્તારમાં ફેંક્યા હતા.

આરોપીના પત્ની અને દીકરી જર્મનીમાં
આરોપી નિલેશ જોશી 65 વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે.તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. આરોપીના પત્ની અને દીકરી જર્મની રહે છે જ્યારે આરોપી તેમના 21 વર્ષના પુત્ર સ્વયમ સાથે રહે છે. આરોપીની પૂછપરછ કરતા ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે નિલેશ જોશીનો પુત્ર સ્વયમ 10 ધોરણ સુધી ભણેલો છે. સ્વયંમ કોઈ કામ ધંધો કરતો નહતો અને નશાના રવાડે ચઢી ગયો હતો. સ્વયમ દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરતો હતો જેને લઈને પિતા પુત્ર વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા.

મૃતક એટલી હદે નશાના રવાડે ચઢી ગયો હતો કે પિતાના તમામ રૂપિયા વાપરી નાંખતો હતો. પિતા એસટી વિભાગમાંથી રિટાયર્ડ થયા બાદ આવેલા નાણાં પણ વાપરી નાખતા પિતાને એક એપ્લિકેશન મોબાઈલમાં રાખી એકાઉન્ટનું ધ્યાન રાખવું પડતું હતું. જે સેવા પુત્રએ પિતાની આ ઉંમરે કરવાની હોય તે સેવા પિતા ઢળતી ઉંમરે પુત્રની કરતા અને પુત્ર તેની સામે માર મારતો ત્રાસ આપતો, જેથી કંટાળી પિતાએ પુત્રનું કાસળ કાઢી નાખ્યું હતું.

મૃતક સ્વયમ અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે, તે ઘોડેસવારમાં ગુજરાતમાં પ્રથમ નંબર લાવ્યો હતો. તે કોઈપણ જંગલી ઘોડાને કાબુ કરી શકતો હતો. પરંતુ તે આ જીત પચાવી ન શક્યો અને નશાના રવાડે ચઢી ગયો અને ઉગ્ર સ્વભાવને તે કાબુ ન કરી શક્યો અને નશામાં ધૂત થઈ પિતાને ત્રાસ આપતો, કામ કરાવતો અને માર પણ મારી ધમકીઓ આપતો રહેતો હતો.

17 તારીખે મોડી રાતે તેણે 4 વાગે પિતા પાસે જમવાનુ માંગતા પિતા પુત્ર વચ્ચે મારામારી થઈ હતી. અને તે મારામારી હત્યામાં પરિણમી હતી. સાથે જ મૃતક સ્વયમ 10 ધોરણ જ ભણ્યો હતો. પરંતુ તેના પિતા 65 વર્ષે પણ સંસ્કૃતમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા હતા. તે બાબતે પણ પિતા પુત્ર વચ્ચે તકરારો થતી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હવે આરોપીની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે. મૃતક ની માતા અને બહેન વિદેશ છે જ્યારે પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ જતા આ કેસમાં અંતિમવિધિ પોલીસ તરફથી કરવાની તૈયારી શહેર પોલીસ તરફથી દર્શાવવામાં આવી છે.

18 જુલાઈએ વહેલી સવારે 5 વાગ્યે હત્યા કરી
18 જુલાઈના વહેલી સવારે 5 વાગે સ્વયમ નશાની હાલતમાં પિતા પાસે આવ્યો હતો અને પૈસા માંગવા પિતાને જ બીભત્સ ગાળો બોલીને ઘરમાં તિજોરીનો કાચ તોડી નાખ્યો હતો. આ ઝગડા દરમિયાન સ્વયમે તેના પિતાને પાવડાના લાકડાના હાથ વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિલેશ જોશીએ સ્વયમને લાત મારીને પલંગ પર પાડી દીધો હતો જે બાદ સ્વયમના માથામાં રસોડામાં રહેલ પથ્થરની ખાંડણી લઈને 7-8 ઘા માર્યા હતા જેમાં સ્વયમનું મોત થયું હતું.

સુરતથી ગોરખપુર ટ્રેનમાં જવા રવાના થયો હતો
લાશનો નિકાલ કરવા નિલેશ જોશી કાલુપુરથી ઇલેક્ટ્રીક ગ્રાઈન્ડર અને કાળા કલરની મોટી થેલી ખરીદીને લાવ્યો હતો. બાદમાં લાશ રસોડામાં લઈ જઈને દીકરાના માથાના, હાથ તથા પગને અલગ અલગ કાપીને 6 ટૂકડા કરી નાખ્યા હતા. આ ટૂકડા કરીને તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક્ટિવા પર લઈ જઈને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. લાશનો નિકાલ કર્યા બાદ આરોપી સુરત ભાગી ગયો હતો. સુરતથી ગોરખપુર ટ્રેનમાં જવા રવાના થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડીને અમદાવાદ લાવી છે. અમદાવાદ લાવી અરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

You cannot copy content of this page