Only Gujarat

Gujarat

ગુજરાતીઓને જીવ કરતાં પણ અમેરિકા વ્હાલું? બોર્ડર ક્રોસ કરવા જતા મળ્યું અરેરાટીભર્યું મોત

અમેરિકામાં પહોંચવાની લ્હાયમાં અનેક વખત કેટલાય પરિવારો વિખેરાયા છે. ત્યારે ગેરકાયદેસરરીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા વધુ એક ગુજરાતી પરિવાર તહસનહસ થયો છે. ગાંધીનગરના કલોલનો પરિવાર ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન આ ત્રણેય સભ્યો ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દિવાલ ઉપરથી પટકાતાં બ્રીજકુમાર નામના યુવકનું મોત થયું છે. તેમજ તેની પત્ની અને માસૂમ પુત્રને ગંભીરઈજા પહોંચી છે.

હિમવર્ષા થતી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે
કલોલની જીઆઈડીસીમાં નોકરી કરતા બ્રિજકુમાર નામના યુવકને અમેરિકા જવું હતું. જેથી એજન્ટ થકી થોડા દિવસ પહેલા યુવક તેની પત્ની અને માસૂમ સાથે અમેરિકા જવા નિકળ્યો હતો. કેનેડામાં હાલ ભારે હિમવર્ષા થતી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી એજન્ટો લોકોને અમેરિકામાં ઘૂસાડી રહ્યા છે. બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પહોંચ્યો હતો.

ત્રણ વર્ષના પુત્ર સાથે 30 ફૂટ ઊંચી દિવાલ ઉપર ચડ્યા હતા
આ દરમિયાન અંદાજે 30 ફૂટ ઊંચી દિવાલને કૂદતા જ અમેરિકામાં પ્રવેશી શકાય તેમ હતું. ત્યારે ઉસ્તાહ સાથે બ્રિજ કુમાર તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે 30 ફૂટ ઊંચી દિવાલ ઉપર ચડ્યા હતા. દિવાલ ઉપરથી કોઈ કારણસર બ્રિજકુમાર, તેની પત્ની અને માસૂમ પુત્ર નીચે પટકાયા હતા. જેથી માથામાં ગંભીરઈજા પહોંચતા બ્રિજકુમારનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને ત્રણ વર્ષનો પુત્ર મેક્સિકોની હોસ્પિટલમાં ગંભીરહાલતમાં સારવાર લઈ રહ્યા છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, એજન્ટે 40 લોકોના ગ્રુપને મેક્સિકોના રસ્તેથી અમેરિકા પહોંચાડવા માટે મોકલ્યું હતું. આ ગ્રુપમાંથી વિખૂટા પડી જવાથી કે અન્ય કોઈ કારણસર કલોલનો પરિવાર દિવાલ ઉફરથી પટકાયો અને અકસ્માતનો ભોગ બન્યો હતો.

એજન્ટો પરિવાર દીઠ 60થી 65 લાખ રૂપિયા વસૂલે છે!
ઉલ્લેખનીય છે કે, અમેરિકાને અડિને આવેલા મેક્સિકો દેશમાંથી ઘૂસણખોરી અને શરણાર્થીઓની સમસ્યાથી પરેશાન અમેરિકાના તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ ઉપર 30 ફૂટ ઊંચી દિવાલ અને લોખંડની ફેન્સિંગ બનાવી છે. ટ્રેમ્પ વોલ તરીકે ઓળખાતી આ ફેન્સિંગ અમુક સ્થળેથી કૂદીને કે પછી ફેન્સિંગ દિવાલમાં રહેલા છીંડામાથી અમેરિકામાં ઘૂસાડવા માટે એજન્ટો પરિવાર દીઠ 60થી 65 લાખ રૂપિયા વસૂલે છે. ડીંગુચાના એક પરિવારના ચાર સભ્યો પણ ગ્રુપથી છૂટા પડીને બરફવર્ષામાં ફસાતાં મૃત્યુ પામ્યા હતા. તે કેસમાં તાજેતરમાં જ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.

એક વર્ષ પહેલાં ડિંગુચાના એક પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં
જાન્યુઆરી 2022માં ડિંગુચા ગામના જગદીશભાઈ પટેલ, તેમનાં પત્ની વૈશાલીબેન, પુત્રી વિહંગા(ગોપી) અને પુત્ર ધાર્મિક કેનેડા બોર્ડરથી અન્ય સાત લોકો સાથે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જે તે સમયે ચારેય લોકો કાતિલ ઠંડીના કારણે મોતને ભેંટ્યા હતા.

અમેરિકા જવા માટે 8 લોકોએ દુબઈમાં 75 લાખ ખર્ચી નાખ્યા
ડિંગુચાના ચાર લોકોના અમેરિકા બોર્ડર નજીક એક વર્ષ પહેલાં થયેલાં મોત મામલાની પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જાન્યુઆરી 2022માં ગુજરાતથી 19 લોકોનું ગ્રુપ અમેરિકામાં ગેરકાયદે જવા માટે નીકળ્યું હતું. આ તમામ લોકો પહેલાં દિલ્હી પહોંચ્યા હતા. અહીં બે ગ્રુપ પાડી દેવામાં આવ્યાં હતાં. જેમાં એક ગ્રુપમાં 11 લોકો હતા અને બીજા ગ્રુપમાં 8 લોકો હતા. 11 ગ્રુપના લોકોને કેનેડાથી અને 8 લોકોના ગ્રુપને મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશ કરવાનું નક્કી કરાયું હતું. તમામ લોકો દિલ્હીથી દુબઈ પહોંચી ગયા હતા. કેનેડા બોર્ડરથી જે અગિયાર લોકોનું ગ્રુપ પ્રવેશવાનું હતું તેમાં ડિંગુચાનો પરિવાર પણ સામેલ હતો.

આ ગ્રુપ દુબઈથી કેનેડા નીકળી ગયું હતું. પરંતુ, મેક્સિકોથી જે આઠ લોકો જવાના હતા તેનો એજન્ટ ફરી જતા આઠ લોકો દુબઈમાં ફસાયા હતા અને 75 લાખ ખર્ચી એક મહિનો દુબઈમાં રહ્યા હતા. તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થતા ભારત પરત ફર્યા હતા. જ્યારે અન્ય 11 લોકોનું ગ્રુપ વાયા કેનેડા થઈ અમેરિકા જવા નીકળ્યું હતું તેમાં ડિગુંચાના પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય સાત લોકો ઝડપાઈ ગયા હતા.

You cannot copy content of this page