અમદાવાદ સ્પામાં મોડી રાતે ચાલતી હતી દારૂની પાર્ટી, પીડિતા અને મોહસિનને પહેલેથી જ હતાં સંબંધો

Big Update in Ahmedabad Spa Case : અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા એક સ્પાની બહાર આવેલી લોબીમાં 25 સપ્ટેમ્બરની મધ્ય રાત્રિએ બનેલી એ ઘટના સમગ્ર ગુજરાત માટે શરમજનક છે. આ યુવતી સ્પાના સંચાલક સાથે સંબંધમાં હતી. આ યુવતી સાથે સંબંધ તોડીને મોહસીને લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન આ યુવતીના મોહસીનના મિત્ર સાથે પણ સંબંધ થયા હતા તથા તેની જાણ મોહસીનને અગાઉથી જ હતી. બનાવની રાત્રે બાર વાગ્યા પછી સ્પાની અંદર બધા રોકાયા હતા. મોહસીનનાં લગ્નની પાર્ટી માટે દારૂ મંગાવાયો હતો અને ત્યારબાદ સમગ્ર કાંડ થયો હતો.

યુવતીએ સ્પામાં 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું

મળતી માહિતી પ્રમાણે મોહસીન સ્પાનો સંચાલક હતો. તેણે સિંધુભવન રોડ પર શરૂ કરેલા સ્પામાં નોર્થ ઇસ્ટની યુવતીઓની જરૂર હોવાથી ભોગ બનનાર યુવતીનો સંપર્ક કર્યો હતો. ભોગ બનનાર યુવતી બાજુમાં આવેલા સલૂનમાં કામ કરતી હોવાથી તે સ્પામાં ભાગીદાર પણ હતી અને યુવતીના કહેવા પ્રમાણે તેણે સ્પામાં 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે તે દિવસે રાત્રે યુવતી, મોહસીન તેમજ અન્ય એક કે બે વ્યક્તિ દારૂ પીવા માટે રોકાયાં હતાં. બાર વાગ્યા પછી મોહસીને તેની પાર્ટીનું આયોજન કર્યું હતું. પહેલા મોહસીનને ભોગ બનનાર યુવતી સાથે સંબંધો હતા. પરંતુ યુવતી અગાઉથી એક બાળકની માતા છે. મોહસીન લગ્ન કરીને તેનાથી અલગ થયો હતો. આ સમય દરમિયાન ભોગ બનનાર યુવતીની મોહસીનના અન્ય એક મિત્ર સાથે આંખ મળી ગઈ હતી અને તેની સાથે વાતચીત કરવા લાગી હતી. મોહસીનને પણ આ વાતની ખબર પડી ગઈ હતી પણ તેણે ભોગ બનનાર યુવતીને આ અંગે કશું કહ્યું નહીં.

દારૂ પાર્ટી ચાલુ હતી તે દરમિયાન ભોગ બનનાર યુવતીને ફોન આવે છે. ફોન કરનાર મોહસીનનો પરિચિત હતો અને મોહસીનને અગાઉથી ભોગ બનનાર યુવતી અને તેના મિત્ર વચ્ચે સંબંધ હોવાની જાણ હોવાથી તેણે ભોગ બનનાર યુવતીનો ફોન ખેંચી લીધો. મોહસીનની હરકતથી ગુસ્સામાં આવેલી યુવતીએ પોતે પહેરેલી હીલવાળી ચંપલ મોહસીનના મોઢા પર મારી દીધી. જેના કારણે મોહસીનને મોઢા પર વાગ્યું હતું. ત્યારબાદ મોહસીન ઉશ્કેરાઇ ગયો અને યુવતીને મારવા લાગ્યો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ. ત્યારબાદ યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ તેનો ફોન મોહસીને ઝૂંટવી લીધો હતો.

મોહસીન અને ભોગ બનનાર યુવતી સ્પામાં ભાગીદાર હતાં પણ તેનો ફાઇનાન્સર કોઈ બીજો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે સ્પામાં એક કરોડથી ઉપરનું માત્ર ઇન્ટિરિયર કરેલું છે, જ્યારે ભાડું અને અન્ય વસ્તુ થઈને ખૂબ જ મોટી રકમ મોહસીન ચૂકવી શકે તે સ્થિતિમાં તે નથી. આ સમગ્ર વિગત પોલીસનાં સત્તાવાર સૂત્રો પાસેથી મળી છે.