Only Gujarat

Gujarat

તમે અજાણી વ્યક્તિ પાસેથી પ્રસાદ લેતાં હોવ તો થઈ જજો સાવધાન

Ahmedabad Chonkavnari Ghatna: અમદાવાદમાં એક યુવતી પાસેથી પ્રસાદ લેવો રિક્ષા ચાલકને મોંઘો પડ્યો હતો. ટ્રેનમાં અમદાવાદ આવેલી એક યુવતીએ રિક્ષા ચાલકને નશીલો પ્રસાદ ખવડાવીને લૂંટી લેતાં ચકચાર મચી ગઇ છે. યુવતી મણિનગર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેઠી હતી અને બાદમાં રખિયાલમાં આવેલાં મેલડી માતા તેમજ અંબા માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગઇ હતી. દર્શન કરી લીધા બાદ યુવતીએ રિક્ષાચાલકને પેંડાનો પ્રસાદ આપ્યો હતો. જે ખાધા બાદ રિક્ષાચાલક થોડા સમયમાં બેભાન થઇ ગયો હતો. રિક્ષાચાલક ચાર દિવસ પછી હોસ્પિટલમાં ભાનમાં આવ્યો ત્યારે યુવતીના કારનામાનો પર્દાફાશ થયો હતો.

મોં પર દુપટ્ટો બાંધીને આવી હતી યુવતી

કાગડાપીઠ વિસ્તારમાં આવેલા રત્નદીપનગરમાં રહેતા વૃદ્ધ શિવનારાયણ યાદવે મણિનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. શિવનારાયણ યાદવ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં શિવનારાયણ મણિનગર રેલવે સ્ટેશન બહાર રિક્ષા લઇને પેસેન્જરની રાહ જોઇ રહ્યા હતા, ત્યારે સાંજના છ વાગ્યાની આસપાસ એક યુવતી મોં પર દુપટ્ટો બાંધીને આવી હતી. યુવતીએ રખિયાલ જવાનું કહેતાં શિવનારાયણ યાદવે તેને રિક્ષામાં બેસાડી દીધી હતી. યુવતીએ રિક્ષામાં બેસી શિવનારાયણ યાદવને જણાવ્યું કે મારે મેલડી માતાનાં તેમજ અંબા માતાનાં મંદિરે દર્શન કરવા માટે જવું છે.

યુવતી દર્શન કરીને આવી ત્યારે તેના હાથમાં પ્રસાદનો ડબો હતો અને રિક્ષામાં બેસી ગઇ હતી. યુવતીએ શિવનારાયણ યાદવને નાના ચિલોડા જવાનું કહ્યું હતું. યુવતીએ પેંડાનો પ્રસાદ શિવનારાયણ યાદવને આપ્યો હતો. જે તેમણે ખાઇ લીધા બાદ નાના ચિલોડા રિક્ષા લઇ ગયા હતા. નાના ચિલોડા પહોચતાં શિવનારાયણ યાદવને ચક્કર આવવાં લાગ્યાં હતાં અને એકાએક તેઓ બેભાન થઇ ગયા હતા. શિવનારાયણ ભાનમાં આવ્યા ત્યારે તેમની સામે પત્ની કંચનબેન અને પુત્ર હતાં અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

યુવતીએ નશીલો પ્રસાદ ખવડાવીને શિવનારાયણ યાદવને બેભાન કરી દીધા હતા અને બાદમાં તેમની પાસેથી સોનાની વીંટી અને મોબાઇલ ફોન તેમજ રોકડની ચોરી કરીને જતી રહી હતી. હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપતાંની સાથે જ શિવનારાયણ યાદવે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

13 તારીખના રોજ સાંજે શિવનારાયણે નશીલો પ્રસાદ ખાધો હતો બાદમાં તે બેભાન થઇ ગયા હતા. બીજા દિવસે શિવનારાયણને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે પણ તે બેભાન હતા. સતત સારવાર બાદ તારીખ 16ના રોજ તેમને ભાન આવ્યું હતું. ચાર દિવસ સુધી બેભાન રહ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા હતા અને ટ્રીટમેન્ટ લીધા બાદ તેમણે ફરિયાદ કરી છે.

You cannot copy content of this page