Only Gujarat

Gujarat

કિંજલને પ્રેમી અમરત સાથે હતા આડા સંબંધો, ફિલ્મને પણ ટક્કર મારે તેવી રીયલ ક્રાઈમની ઘટના

અમદાવાદના સરખેજમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ત્રણ દિવસમાં ઉકેલી દીધો છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, ત્રણ દિવસ પહેલાં સરખેજ પાસે પ્રમોદ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્રણ દિવસમાં જ પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી લીધો. હત્યા કરી હતી પ્રમોદની જ પત્ની કિંજલના પ્રેમી અમરત રબારી અને તેના બે મિત્રોએ.

મૂળ અરવલ્લી જિલ્લાના મોહનપુર ગામના પ્રમોદ દેવજી પટેલ માણેકબાગ વિસ્તારમાં 25 વર્ષીય પત્ની કિંજલ અને 4 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. પ્રમોદભાઈ છેલ્લા 22 વર્ષથી મહંમદપુરા ખાતે આવેલા નેમિચાર ફાર્મ હાઉસમાં યોગા નર્સરીમાં કામ કરતા હતાં. ગુરુવારે રાત્રે પ્રમોદભાઈ ઘરે ના આવતાં પત્ની કિંજલે તેના માસા હસમુખ પટેલ અને પિતરાઈ દિયર કિરીટ પટેલને જાણ કરી હતી.

પ્રમોદભાઈ સાંજે કામ પતાવી નોકરીથી નીકળી ગયા હોવાથી તેમને શોધવા નેમિચાર ફાર્મ હાઉસ તરફ શોધમાં નીકળ્યા હતા. ફાર્મ હાઉસથી 100 મીટર દૂર પોલીસ સહિતના લોકોનું ટોળુ ઉભું હતું. તેથી હસમુખભાઈ અને કિરીટભાઈ સ્થળ પર પહોંચ્યા અને જોયું તો ઝાડીઓ પાસે લોહીથી ખરડાયેલી હાલતમાં પ્રમોદભાઈનો મૃતદેહ પડ્યો હતો. પોલીસે મૃતક પ્રમોદભાઈના મોબાઈલ ફોન નંબર તેમજ ટાવર લોકેશન અને સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

પોલીસને માહિતી મળી કે, પ્રમોદભાઈએ કિંજલ પટેલ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. કિંજલને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢબાલ ગામના અમરત ગોબર દેસાઈ સાથે પ્રેમ સંબંધ હતો. આડાસંબંધોને લઇ પતિ-પત્ની વચ્ચે તકરાર થતી હતી. આ કડીને જોડીને ક્રાઈમ બ્રાંચે કિંજલ અને અમરતની આકરી પૂછપરછ કરી. જેમાં બંનેએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આમ તો સાત-આઠ મહિના પહેલાં જ પ્રમોદને મારી નાંખવાનું કિંજલ અને અમરતે નક્કી કર્યું હતું. પાંચ દિવસ પહેલાં ઘટનાસ્થળની રેકી પણ કરી હતી અને આ માટે હાલમાં એક કાર પણ ખરીદી હતી. જો કે તેમાં સફળતા નહીં મળતા મૂળ રાજસ્થાનના અને પોતાના મિત્ર સુરેશને અમરતે પ્રમોદની હત્યા માટે રૂપિયા 5 લાખની સોપારી આપી હતી.ગુરુવારે  પત્ની કિંજલને ફોન કરી કહ્યું હતું કે તેને ઘરે આવતા મોડું થશે. કિંજલે આ માહિતી પ્રેમી અમરતને આપી હતી. સુરેશ અને અન્ય એક વ્યક્તિને કારમાં લઈ અમરત ફાર્મ હાઉસ પહોંચ્યો હતો. તેઓ થોડે દૂર કાર ઉભી રાખી પ્રમોદની રાહ જોતા હતા. પ્રમોદભાઈ ટુ વ્હીલર પર આવતા ત્રણે આરોપીઓએ તેમને અટકાવી તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેમની લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. આરોપીઓની કબૂલાતના આધારે ક્રાઈમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

You cannot copy content of this page