Only Gujarat

FEATURED National

આ મહિલાએ ઉજ્જડ જમીન ફૂલોની ખેતી કરીને બદલી નાંખી પરિવારની કિસ્મત

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હંગા ગામમાં રહેતી એક વૃદ્ધ મહિલા હિરા બાઇ સાઠેની વાર્તા સાંભળીને બિહારના દશરથ માંઝી મનમાં આવે છે. એજ, ‘માઉન્ટ મેન’ દશરથ માંઝી, જેમણે પોતાની જાતે એક હથોડો અને છીણીથી પર્વત કાપીને રસ્તો બનાવ્યો હતો. આ જ તર્જ પર, હીરા બાઇ અને બીજા ઘણા લોકોએ પથ્થર પર ફૂલો ઉગાડવાનું કામ કર્યું છે. હા, તેઓએ સંપૂર્ણપણે ઉજ્જડ જમીન પર સખત મહેનત કરી અને તેને ફૂલોના વાવેતરને લાયક બનાવી છે. ફૂલોથી થયેલી કમાણીથી હીરા બાઇની સાથે તેમના પરિવારનું ભાગ્ય પણ બદલાઈ ગયું.

65 વર્ષીય હીરા બાઇનું ગામ હંગા, પ્રખ્યાત સામાજિક કાર્યકર અન્ના હઝારેનું ગામ, રાલેગાંવ સિદ્ધિથી માત્ર 35 કિમી દૂર છે. તેમના પરિવારમાં પતિ ગંગાધર સાઠે અને ત્રણ પુત્રો છે.76 વર્ષનાં ગંગાધર સાઠે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં ડ્રાઇવર રહી ચૂક્યા છે.

થોડા વર્ષો પહેલા હીરા બાઇએ ગામથી બે કિલોમીટર દૂર પરિવારની 7 એકર જમીન પર કંઇક કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ જમીન સંપૂર્ણપણે ઉજ્જડ હતી, તેથી ત્યાં કંઈક ઉગાડવામાં આવે તો પણ કેવી રીતે? હીરા બાઇએ તે જ જમીનને ફળદ્રુપ બનાવવાનો નિર્ણય કર્યો. જો હિરાબાઈ તે જમીન પર કામ કરવાનું શરૂ કર્યુ, તો જે પણ તે જોતા, તે મજાક ઉડાવતા હતા. મગજ હલી ગયુ છે એવી વાતો કરતા.

પરંતુ હીરા બાઇને તેની કોઈ પરવા કરી નહી અને પોતાના મિશનમાં આગળ વધતી ગઈ. તે સાદી માટી, ગાયનું છાણ અને નદીની ભીના કાદવને માથા ઉપર લાદીને ઉજ્જડ જમીન પર નાંખવાનું કામ કરતી રહી હતી. હીરા બાઇ લાંબા સમય સુધી થાક્યા-કંટાળ્યા વિના એક જ કાર્ય કરતી રહી. કેટલી ટકરો તેણે માથા ઉપર ઉઠાવી તેની કોઈ ગણતરી પણ થઈ શકે તેમ નથી.

હીરા બાઇને ત્રણ પુત્રો છે – નીતિન, જતીન અને સચિન. જતીન નાસિકમાં એક ફર્મમાં નોકરી કરે છે. હીરા બાઇના બીજા બે પુત્રોએ માતાના મિશનને પૂર્ણ ટેકો આપ્યો. સાઠે પરિવારની મહેનત આખરે રંગ લાવી. એક સમયે એવો પણ આવ્યો કે જમીન સપાટ અને વાવેતર માટે યોગ્ય બની હતી. હીરા બાઇ, ઉજ્જડ જમીનને ખેતીલાયક બનાવવાની સાથે સાથે, તે પણ ધ્યાનમાં રાખ્યું હતું કે વરસાદ દરમિયાન, નજીકની ટેકરીમાંથી ઝડપી પ્રવાહ સાથે પાણી આવવાનો માર્ગ ખેતરથી દૂર હોવો જોઈએ. હીરા બાઇએ વિચાર્યું કે, જો વધારે વરસાદ પડે તો ડુંગરમાંથી આવતું પાણી ખેતરની ફળદ્રુપ જમીનને નુકસાન પહોંચાડી શકે નહીં.

હીરા બાઇએ સાત એકરના ખેતરમાં માત્ર દોઢ એકર જમીનમાં ફૂલના બીજ વાવ્યા હતા. ડુંગળી અને લીલા શાકભાજી બાકીની જમીન પર ઉગાડવામાં આવ્યા હતા. 2019 માં શેવંતી ફૂલોની ખેતી કરવામાં આવી હતી. આ ફૂલો સુગંધિત છે અને તેનો ઉપયોગ પૂજામાં થાય છે. શરૂઆતમાં, કંઇક વધુ કમાણી થઈ નહીં. નવ મહિનાના પાક પર 40 હજાર રૂપિયાનો નફો થયો હતો.

આ વર્ષે, હીરા બાઇના મોટા પુત્ર નીતિને એસ્ટર ફૂલો ઉગાડવાની સલાહ આપી. આ ફૂલોની સજાવટમાં ઘણી માંગ છે. તેમના મોટા પુત્રના શિક્ષણ અને અનુભવ પર આધાર રાખીને, હીરા બાઇએ દોઢ એકરના ક્ષેત્રમાં માત્ર ગુલાબી એસ્ટર ફૂલના બીજ વાવ્યા. બીજો પુત્ર જતીન, જે બાગાયતમાં બીએસસી છે, તેણે ટેક્નિકલ માહિતી આપી હતી.

મહારાષ્ટ્રના પશ્ચિમ જિલ્લાઓમાં આ વર્ષે ઘણો વરસાદ પડ્યો હતો. તેમાં અહમદનગર જિલ્લો પણ શામેલ છે. પરંપરાગત પાકને અહીં ઘણું નુકસાન થયુ હતુ. હંગા ગામના ખેડુતોને પણ મોટું નુકસાન થયુ હતુ, તેમનાં મોટા ભાગનાં પાકો બરબાદ થઈ ગયા હતા. મોગરા, શેવંતી અને ઝંડુના ફૂલો ખરાબ થઈ ગયા હતા. પરંતુ હીરા બાઇના ખેતરમાં લહેરાતા ગુલાબી એસ્ટર ફૂલો અકબંધ રહ્યા. અને હવે વરસાદ અટકી ગયો છે અને તહેવારની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે હીરા બાઈનાં પરિવારે એક મહિનામાં લગભગ ચાર લાખ રૂપિયાના ફૂલો વેચ્યા હતા. હીરા બાઇનો મોટો પુત્ર નીતિન પણ ગામમાં કૃષિ કેન્દ્ર ચલાવે છે.

જે લોકો એક સમયે હીરા બાઇની મજાક ઉડાવતા હતા, હવે તેઓ તેમની સમજણ અને મહેનતની પ્રશંસા કરતાં થાકતા નથી. કેટલાક લોકો હીરા બાઇ માટે એવું પણ કહે છેકે, તેમણે જે કર્યુ તે,છત્રપતિ શિવાજી મહારાજના શાસનની હિંમતવાન મહિલા હિરાકણીની યાદ અપાવે છે.

એવું કહેવામાં આવે છે કે રાયગઢનાં કિલ્લાના દરવાજા બંધ હોવાથી હીરાકાણી રાતના અંધારામાં લપસણીવાળી ખડક પરથી નીચે ઉતરી ગઈ હતી. તેને તેના નવજાત બાળક સુધી પહોંચવાની ઉતાવળ હતી, જેથી તે ભૂખ્યું ન રહે. હવે હિરા બાઇએ પરિવાર માટે ઉજ્જડ જમીન ફળદ્રુપ બનાવીને દેખાડ્યુ છે. હવે હીરાબાઈનાં ખેતરોની સાથે તેમના પરિવારમાં પણ ખુશીઓનાં ફૂલો ખીલતા દેખાઈ રહ્યા છે.

You cannot copy content of this page