ઘણીવાર લગ્ન બાદ અમુક એવા સમાચાર સામે આવતા હોય છે જે ઝાટકો આપનારા સાબિત થાય છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક જ મહિલાના 2-2 પતિઓ સામે આવ્યા છે. અહીં બંને પતિઓ પત્નીને પોતાની સાથે રાખવાની જીદે અડ્યા છે. તેમણે આ મામલે પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. આ ઘટના અંગે જાણી પોલીસ પણ ચોંકી છે.
ઈન્દોરમાં બિચોલી વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. જોકે પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હોવાથી તેમણે યુવતીને ફોસલાવી પોતાના સમાજના યુવક સાથે તેના બીજા લગ્ન કરાવી દીધા. જ્યારે યુવતીના પ્રથમ પતિ અને પ્રેમીને આ અંગે જાણ થઈ તો તે પોતાની પત્નીને લેવા તેના ઘરે પહોંચી ગયો. જ્યારે મહિલાનો બીજો પતિ પણ પત્નીને છોડવા તૈયાર નથી. આ સમયે બંનેએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. પ્રેમી અને પ્રથમ પતિએ પોલીસને વિનંતી કરી કે તેની પત્નીને પરત લાવવામાં મદદ કરે.
હાલ આ બંનેમાંથી યુવતી કોની સાથે રહેશે તે અંગે નિર્ણય લેવાયો નથી. જ્યારે પોલીસ પણ આ મામલે કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી. તેઓ મહિલા પોલીસની મદદથી યુવતી અને પરિવારજનોની કાઉન્સેલીંગ કરાવી કોઈ પરિણામ પર પહોંચશે. તે પછી જ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. જોકે સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.