Only Gujarat

Gujarat

કાઠિયાવાડી મહિલાઓએ દેખાડ્યો પરચો, ગેંગ રેપના આરોપીને ઢીંબી નાંખ્યો

જામનગરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસે ચોથા આરોપીને પણ ઝડપી પાડ્યો છે. ગેંગરેપના ત્રણ આરોપીની રવિવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, ફરાર થયેલા ચોથા આરોપી મોહિત આંબલીયાને જામખંભાળિયાના ખજૂરિયા ગામેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને જ્યારે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે મહિલા કોંગ્રેસની નેતાઓ અને નગરસેવિકાએ આરોપીને ચપ્પલ વડે ફટકારીને પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ મહિલાઓ ઘુસી ગઈ હતી અને આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. તેને લઈ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

હાથરસની ભયાનક ઘટનાના મામલે દેશવ્યાપી આક્રોશ વચ્ચે 28 સપ્ટેમ્બરના રોજ જામનગર શહેરમાં એક સગીરા પર તેના બોયફ્રેન્ડ સહિત ચાર શખ્સોએ ગેંગરેપ કર્યો હતો. પીડિતાએ 2 ઓક્ટોબરના રોજ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ખોડિયાર કોલોની મેઇન રોડ પર યાદવનગર વિસ્તારમાં રહેતા મોહિત આંબલીયાના ઘરે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

પોલીસે રવિવારે બુધા ઉર્ફે દર્શન ભાટિયા, મિલન ભાટિયા (21) અને દેવકરણ ગઢવી (20)ને ઝડપી લીધા હતા. જોકે, અંતે મોહિત આંબલીયાની ધરપકડ કરી હતી. ગેંગરેપની ઘટના જેના ઘરમાં બની તે મોહિત આંબલિયા ફરિયાદ થયા બાદ ફરાર થઈ ગયો હતો. ખંભાળિયા પાસેના મેઘપર ટીટોડીનો તે વતની હોવાથી ત્યાં છુપાવાની સંભાવનાને પગલે એલસીબી પીઆઈ કે.જી. ચૌધરી, એસઓજી પીઆઈ એસ.એસ. નિનામાના વડપણ હેઠળની ટુકડીઓએ ત્યાં દરોડો પાડ્યો હતો. ખંભાળીયા તાલુકાના મેઘપર ટીટોડી ગામ સુધી તપાસનો દૌર લંબાવતા સોમવારે સવારે મોહિત આંબલીયા પણ એલસીબીના સકંજામાં આવી ગયો હતો.

આરોપીને પોલીસ સ્ટેશનને સોંપવા એલસીબી સ્ટાફે વાનમાંથી તેને ઉતારતા મહિલા કોંગ્રેસની કોર્પોરેટરો સહિતની મહિલાઓ રણચંડી બનીને ચપ્પલ વડે તેના પર તૂટી પડી હતી. જેને લઈ ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એલસીબીની વાનમાંથી ઉતારવામાં આવેલા આરોપી મોહિત પર ત્યાં અગાઉથી હાજર જામનગર કોંગ્રેસની મહિલા પાંખના અગ્રણીઓ અને નગર સેવિકાઓ ધસી આવી હતી. કોર્પોરેટર જેનબબેન ખફી, નીતાબેન પરમાર, સહારાબેન મકવાણા, રંજનબેન ગજેરા, જેતુનબેન રાઠોડ સહિતના મહિલાઓએ ચપ્પલ વડે આરોપી પર હલ્લો કર્યો હતો.

એલસીબીનો સ્ટાફ રણચંડી બનેલા મહિલાઓના હાથમાંથી આરોપીને સહી સલામત બહાર કાઢી માંડ માંડ પોલીસ સ્ટેશનમાં પહોંચાડ્યો હતો. પોલીસ સ્ટેશનની અંદર પણ મહિલા કોંગ્રેસની બહેનોએ આરોપીને ફટકારી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જો કે પોલીસે પણ થોડા સમય માટે મહિલાઓને આક્રોશ ઠાલવવાની તક આપી રહી હોય તે પ્રકારે આરોપીને માર મારવા દેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

You cannot copy content of this page