રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં હેલ્મેટ વગર બાઇક પરથી જઇ રહેલા એક શખ્સને દંડ ભરાવ્યા બાદ પોલીસને અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો. એ શખ્સે પોલીસ, પત્ની-બાળકો અને ભીડ સામે જ એક-એક કરી પોતાના બધાં જ કપડાં ઉતારી નાખ્યા. થોડી વાર માટે જાહેર માર્ગ પર ટ્રાફિક પોલીસ સ્ટાફ પણ શરમાઇ ગયો. સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહી છે.
ભીલવાડામાં પોલીસકર્મીઓએ હેલ્મેટ વગર નીકળેલા એક બાઇક સવારનું ચલણ કાપ્યું તો એ વ્યક્તિ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો અને તેણે એક-એક કરી પોતાના તમામ કપડા કાઢી નાખ્યા.
કપડા ઉતારતા ઉતારતા તે બૂમો પાડી રહ્યો હતો કે આટલી ઇમાનદારીથી રહીએ છીએ તેમ છતા તકલીફ આપવામાં આવી રહી છે. આટલું ચલણ ક્યાંથી ભરીશું, મેં તો કપડાં ઉતારી નાખ્યા છે પછી ભલે મને માર પડે.
મેવારામ કુમાવત પોતાની પત્ની અને બાળકો સાથે બાઇક પર જઇ રહ્યો હતો કે અજમેર ચાર રસ્તા પર પોલીસકર્મીએ હેલમેટ ન હોવાને કારણે તેને અટકાવ્યો. પોલીસકર્મીએ તુરંત મેવારામના હાથમાં ચલણની પાવતી પકડાવી દીધી.
આ ચલણ થી મેવારામ એટલો વિચલિત થઇ ગયો કે તે ત્યાં ઉભા ઉભા જ પોતાના તમામ કપડા ઉતારી દીધા અને માત્ર ચડ્ડી પહેરી રસ્તા પર ઉભો રહી ગયો.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે હાલમાં જ ચલણના દંડની રકમમાં વધારો કર્યો છે જેના કારણે સામાન્ય જનતા આટલી મોટી રકમનું ચલણ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. એવામાં લોકોને ઘણીવાર આવી ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે.