Only Gujarat

National

પતિ નથી કરી શકતા હલચલન, પત્ની જે રીતે ઘ્યાન રાખે છે એ તસવીરો જોઈને આંખો ભીની થઈ જશે

ક્યારેક ભગવાન એવી આકરી કસોટી લે છે કે ખબર જ નથી પડતી કે હવે આગળ શું કરવું. આંખ આગળ અંધકાર છવાઈ જાય છે. આ અંધકારમાંથી જે રસ્તો કાઢે તે જ જીવનમાં આગળ વધી શકે છે. આવું જ કંઈક વંદના મલિક સાથે બન્યું છે. હર્યોભર્યો પરિવાર હતો અને અચાનક જ એવું વાવાઝોડું આવ્યું કે મલિક પરિવાર હચમચી ગયો હતો. જોકે, આ સમયે વંદનાએ સહેજ પણ હિંમત હાર્યા વગર તમામ તકલીફોનો સામાનો કર્યો છે. તે આજે પણ હસતા મોંઢે પતિની નાના બાળકની જેમ સારવાર કરે છે. વંદના મલિકની લાઈફ…

1995માં બીમાર પડ્યાઃ વંદના મલિકના પતિ વીરેન્દ્ર મલિકને મલ્ટીપલ સ્ક્લરોસિસ નામની બીમારી છે. 1995માં આ બીમારીએ ધીમે ધીમે પોતાની પાંખો શરીરમાં ફેલાવવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં શરીરનું બેલેન્સ રહેતું નહોતું. વસ્તુઓ પકડી શકતા નહોતા. અપોલો હોસ્પિટલમાં તેમની આ બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું.

આ એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે. ધીમે ધીમે આ બીમારી વધતી ગઈ હતી. 2010 સુધી વીરેન્દ્ર સ્ટિરિયોડ પર રહ્યા હતા. લાંબા સમય સુધી સ્ટિરિયોડ લેવાને કારણે તેમના હાડકાં એકદમ નબળા પડી ગયા હતા. આ જ કારણે તેમના શરીરમાં અનેક ફ્રેક્ચર થઈ ગયા હતા. હવે તેઓ વ્હીલચેરથી સંપૂર્ણ પથારીવશ થઈ ગયા હતા. આ કરૂણ ઘટના હરિયાણાના રોહતકની છે. ઉલ્લેખનીય છે કે વીરેન્દ્ર પોતે ડોક્ટોરેટ છે અને મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરે છે.

2010માં યુનિવર્સિટીને જ્યારે આ બીમારી અંગે જાણ થઈ તો તેમને જબરજસ્તી વીઆરએસ અપાવી દીધું હતું. 1995ના ડિસેબિલિટી એક્ટ અંગે વંદનાએ તમામ માહિતી ભેગી કરી હતી. આ એક્ટ હેઠળ તેમણે એક વર્ષ સુધી કોર્ટ, પોલીસ ને યુનિવર્સિટીમાં અરજી કરી હતી. આખું વર્ષ પ્રોફેસરને પગાર આપવામાં આવ્યો નહોતો અને વીઆરએસ તેમણે સ્વીકાર્યું નહોતું. આથી આ એક વર્ષ મલિક પરિવાર માટે ઘણું જ ખરાબ રહ્યું હતું. તેમને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક વર્ષ બાદ યુનિવર્સિટીએ 1995ના ડિસેબિલિટી એક્ટ હેઠળ પ્રોફેસરને ફરી નોકરીએ રાખ્યા હતા.

બીમારીમાં વંદનાએ એકલા હાથે ઘર સંભાળ્યુંઃ બીમારી દરમિયાન વીરેન્દ્ર હલનચલન પણ કરી શકતા નથી. આટલું જ નહીં તે પેટના બળે સૂએ છે. વંદના પતિને જમાડે છે, નહવડાવે છે અને તમામ રીતે ધ્યાન રાખે છે. વંદનાએ ઘર ચાલે તે માટે ખાનગી સ્કૂલમાં શિક્ષકની નોકરી કરી હતી. તે ગાડી ચલાવતા શીખી અને પરિવારને સંભાળ્યો છે.

વંદના સ્વીકારે છે કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમના પતિની હિંમતને કારણે જ તે પોતાની જાતને સંભાળી શકી છે. આ મુશ્કેલ પરિસ્થિતિનો તે પતિના સાથને કારણે જ સામનો કરી શકી છે. પ્રોફેસરનું મગજ પર્ફેક્ટ ચાલે છે અને તે વ્યવસ્થિત રીતે બોલી શકે છે. જોકે, પ્રોફેસરના ગળાથી નીચેનો ભાગ બિલકુલ કામ કરતો નથી. તે માત્ર બોલી શકે છે અને ગળું હલાવી શકે છે.

24 કલાક પણ ઓછા પડે છેઃ વંદનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આરામ કેવો હોય તે તેમને ખ્યાલ નથી. તેમને ઘણીવાર દિવસના 24 કલાક પણ ઓછા પડે છે. તેમનું જીવન હવે પતિની આસપાસ જ રહેલું છે. તે પતિને શેવિંગ પણ કરી આપે છે. પતિના તમામ કામ કરે છે. પતિનું રિટર્ન ફાઇલ કરવું, કેટલાંક સરકારી કામકાજો તથા ઘણીવાર યુનિવર્સિટી પણ જવું પડે છે. બેંકના કામ પણ હોય છે.

દીકરી માંડ 10-12 વર્ષની હતીઃ જ્યારે વીરેન્દ્ર મલિકને 1995માં બીમારીનું નિદાન થયું ત્યારે તેમની દીકરી અદિતી મલિકની ઉંમર માંડ 10-12 વર્ષની હતી. પિતાની બીમારીથી દીકરી એકદમ ભાંગી પડી હતી.

પત્ની ને દીકરીએ સંભાળ્યોઃ વીરેન્દ્ર મલિકે કહ્યું હતું કે તેમના પેરેન્ટ્સના અવસાન બાદ પત્ની તથા દીકરીએ જ તેમની સંભાળ લીધી છે. તેમની સવારથી લઈને સાંજની તમામ ક્રિયાઓમાં પત્ની અને દીકરીએ સાથ આપ્યો છે. એટલું જ નહીં જીવનને જીવવાની હિંમત પૂરી પાડી છે.

આ દરમિયાન વિવાદ પણ થયોઃ ડૉક્ટર વીરેન્દ્ર સિંહ યુનિવર્સિટીના ઇમસાર વિભાગમાં પ્રોફેસર તરીકે કામ કરે છે. શરૂઆતમાં તે વ્હીલચેર પર કોલેજ આવતા હતા. જોકે, 2012માં આ બીમારી ઘણી જ વધી ગઈ હતી. આથી જ તેઓ હલનચલન કરી શકતા નહોતા. તેમના હાથ-પગ વળી ગયા છે અને શરીરનો એક પણ હિસ્સો કામ કરતો નથી. ના તે સહી કરી શકે છે અને ના તો અંગૂઠાથી પણ સ્ટેમ્પ મારી શકે છે. ડૉક્ટર્સે કહી દીધું હતું કે તે કામ કરવામાં અશક્ત છે. નોકરી કરવામાં સક્ષમ નથી. આથી જ પરિવારે યુનિવર્સિટીને સ્થિતિની જાણ કરી હતી અને નોકરી ચાલુ રાખે તેવી અપીલ કરી હતી.

યુનિવર્સિટીએ જબરજસ્તી વીઆરએસ આપ્યુંઃ યુનિવર્સિટીને જ્યારે વીરેન્દ્ર સિંહની તબિયત અંગે જાણ થઈ તો તેમણે જબરજસ્તી વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કિમ (વીઆરએસ) આપી દીધું હતું. યુનિવર્સિટીએ ગેરકાયદેસર રીતે રિટાયરમેન્ટ કરવાની યોજના બનાવી હતી. તેણે ચાર લોકોની એક કમિટીનું ગઠન કર્યું હતું. 2010ના રોજ તેમના ઘરે આ ટીમ આવી હતી. આ સમયે ઘરમાં વીરેન્દ્ર મલિકની સાથે તેમનો કેરટેકર હતો. યુનિવર્સિટીના પ્રોફેસર વજીર સિંહ દલાલ સહિત 3 લોકો જબરજસ્તી ઘરમાં ઘુસી આવ્યા હતા અને ડો.વીરેન્દ્ર સિંહ પાસેથી કોરા કાગળ પર અંગૂઠો લગાવીને ફરાર થઈ ગયા હતા.

વંદના મલિક જ્યારે ઘરે આવી ત્યારે વીરેન્દ્રે આ અંગે માહિતી આપી હતી. આટલું જ નહીં થોડાં દિવસ બાદ યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે વીરેન્દ્ર મલિકે વીઆરએસ લઈ લીધું છે. આ ઘટનાની જાણ થતાં વંદના કુલપિતને મળવા યુનિવર્સિટી ગઈ હતી. જોકે, કુલપતિ મળ્યા જ નહીં. યુનિવર્સિટીએ પણ કોઈ વાત કાને ના ધરી. અંતે વંદના મલિકે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદમાં કુલપતિ, પ્રો.વજીર સિંહ દલાલ સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

આરોપ નિરાધાર હોવાનું કહ્યુંઃ કુલપતિ પ્રોફેસર આરપી હુડ્ડાએ કહ્યું હતું કે આ આરોપો નિરાધાર છે. મલિકે જાતે જ વીઆરએસ લેવાની વાત કહી હતી અને તેથી જ કમિટીના ચાર લોકોને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. આ તમામ કાર્યવાહી ડોક્ટર વીરેન્દ્ર મલિકની સહમતિથી કરવામાં આવી છે.

You cannot copy content of this page